ગુજરાત કેન્દ્રીય મંત્રી માંડવીયા અક્ષયના રસ્તે : “પૅડ મેન” બનશે !

“ગંદા હૈ પર ધંધા હૈ”. શું થાય ? દેખાડવા માટે કે સમાચારોમાં ટકી રહેવા માટે કૈંક કરવું તો પડે’ને ? અભિનેતા અને નેતા બંનેની આ ફિતરત છે. અભિનેતાઓ તો સત્યકથા આધારિત કે કોઈ સંઘર્ષરત સફળ વ્યક્તિની જીવનીને તેમનું પાત્ર ભજવીને લોકો સુધી પહોંચતું કરે છે. લોકો આ પ્રકારની ફિલ્મોથી પ્રેરણા પણ મેળવે છે અને તેનાથી કેટલાક લોકોના જીવનમાં પરિવર્તન પણ આવે છે.

આ પ્રકારનું જ એક જીવંત પાત્ર એટલે : અરુણાચલમ મુરુગાનાથમ. કોયમ્બતુરના આ ‘સ્કૂલ ડ્રોપ-આઉટ” વ્યક્તિએ ગ્રામીણ અને ગરીબ મહિલાઓને ‘લૉ-કોસ્ટ’ સેનિટરી નેપકિન્સ આપીને ભારે ખ્યાતિ મેળવી. તેના જીવનમાંથી પ્રેરણા લઈને ટ્વિન્કલ ખન્નાએ પતિ અક્ષયકુમારને “પેડમેન”બનાવ્યો અને ફિલ્મ ઘણુંખરું હિટ સાબિત થઇ.

હવે, અક્ષયના રસ્તે આપણા એક નેતા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાની રાજ્યસભાની ટર્મ હવે પૂરી થવાને જૂજ દિવસો બાકી રહ્યા છે. મૂળે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા માંડવિયા વિધાનસભાના ચૂંટણીના પરિણામો પછી પોતાનું પદ જાળવી રાખવા વલખાં મારી રહ્યા છે. એટલે એક વિચાર સુઝ્યો : “ચાલો પેડમેન બનીએ, કદાચ પદ ફરી મળી  જાય”

કેન્દ્રના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ વિભાગના રાજ્યમંત્રી મનસુખ માંડવિયાનો વિભાગ મહિલાઓ માટે “બાયો-ડિગ્રેડેબલ સેનેટરી નેપ્કીન્સ” બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ નેપ્કીન્સ એવા પ્લાસ્ટિકમાંથી બનાવશે કે તેના વપરાશ બાદ ઓક્સિજન અને કાર્બન પાણીમાં પરિવર્તિત થઇ જાય, જેથી તે પર્યાવરણ માટે હાનિકારક ન બને.

મહિલાઓની જરૂરિયાત મુજબ ત્રણ અલગ-અલગ પ્રકારના પેડ તૈયાર કરશે.ઉચ્ચતમ ગુણવત્તાવાળા પેડ જે  સાત થી આઠ રૂપિયામાં હાલ પ્રાપ્ત છે; તે સરકાર માત્ર બે રૂપિયામાં મહિલાઓ સુધી દેશભરના 3200 “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના સ્ટોર્સ -‘પીએમ બીજેપી સ્ટોર્સ’ દ્વારા ઉપલબ્ધ કરાવશે.

23 માર્ચે રાજ્યસભાની ચૂંટણીના ફોર્મ ભરવાનો દિવસ છે. એપ્રિલમાં ચૂંટણી છે, ત્યારે માંડવિયા સાહેબ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ના ઉપલક્ષમાં તારીખ 8 માર્ચના રોજ આ હાઈજેનીક પેડ્સ માર્કેટમાં લાવી દે તો નવાઈ ન પામશો. ચાલો, સ્વાર્થ ખાતર પણ કોઈ સારું કામ થતું હોય તો “પેડમેન માંડવિયા” ને સો-સો સલામ !