ઓવૈસીના દિલમાં જીણાનું જીન, દેશને તોડવા માંગે છેઃ ગિરિરાજ સિંહ

અયોધ્યા વિવાદને લઈને રાજકીય નિવેદનો ફરી એક વખત તેજ થયા છે. આને લઈને ચાલી રહેલી નિવેદનબાજીમાં હવે કેન્દ્રીય મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ગિરિરાજ સિંહે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને લઈને કહ્યું છે કે તેના જેવા લોકોના દિલમાં મોહમ્મદઅલી જીણાનું જીન પ્રવેશી ગયું છે, આ લોકો દેશને તોડવા માંગે છે.

નોંધનીય છે કે ઓવૈસીએ રાજધાની દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં બાબરી મસ્જિદ પર મુસ્લિમોનો દાવો હોવાની વાત ફરીથી કહી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી મસ્જિદ હતી અને રહેશે…દેશના મુસલમાનો પોતાની મસ્જિદના દાવાને ક્યારેય નહીં છોડે.’ તેમણે કહ્યું હતું કે, મને આશા છે કે સુપ્રીમ કોર્ટનો ફેંસલો આસ્થાના આધારે નહીં પરંતુ પુરાવાને આધારે થશે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારી તરફેણમાં આવ્યા બાદ અમારી મસ્જિદ ફરી એક વખત એ જ જગ્યા પર બનશે.

ઓવૈસીના ભાષણ પર ગિરિરાજ સિંહની પ્રતિક્રિયા માંગવામાં આવી ત્યારે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ‘એ લોકો તો મક્કા અને મદીના જશે, અમે લોકો ક્યાં જઈશું? શું પાકિસ્તાનમાં રામ મંદિર બનશે? ઓવૈસી જેવા લોકોના દિલમાં જીણાનું જીન પ્રવેશીને દેશને તોડવા માંગે છે.’

ગિરિરાજ સિંહે તેની સાથે જણાવ્યું હતું કે, ભારતના મુસલમાનો રામના વંશજ છે. તેમણે કહ્યું, ‘ભારતમાં કોઈ મુસલમાન બાબરના વંશજ છે. કોઈ વિદેશી મુસલમાનોના વંશજ નથી. હિન્દુસ્તાનના મુસલમાનો ભગવાન રામના વંશજ છે. અમારા વડવાઓ એક જ છે. પૂજાની રીત અલગ હોઈ શકે છે.’