કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન

ચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન
આજે અંતિમસંસ્કાર ક વિજયેન્દ્ર સરસ્વતી અનુગામી બનશે

કાંચીપુરમ (તમિળનાડુ): શ્રી કામકોટી પીઠમના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું અહીં બુધવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. સમાજ સુધારક તરીકે ભારે સન્માન મેળવનાર શંકરાચાર્યની રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના ગૂંચવાયેલા કોકડાને ઉકેલવાના પ્રયાસો બદલ ભારે પ્રશંસા થઇ હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામી, ડીએમકેના કાર્યવાહક પ્રમુખ એમ. કે. સ્ટેલિન, પીએમકેના સ્થાપક એસ. રામદાસ સહિતના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

હૉસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૮૨ વર્ષીય શંકરાચાર્યને બુધવારે સવારે અસ્વસ્થતા અનુભવાતા તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આદિ શંકરાચાર્ય દ્વારા અંદાજે ૨૫૨૦ વર્ષ પહેલાં સ્થાપિત શ્રી કામકોટી પીઠમના ૬૯મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન થતાં હવે વિજયેન્દ્ર સરસ્વતી તેમના અનુગામી બનશે.

‘વૃંદાવન પ્રવેશ કાર્યક્રમ’ તરીકે ઓળખાતી અંતિમસંસ્કારવિધિ ગુરુવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે.

અહીં શ્રી કાંચી કામકોટી પીઠમ ખાતે ‘જગદગુરુ’ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના મૃતદેહને શ્રદ્ધાળુઓના દર્શનાર્થે રખાયો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર જણાવ્યું હતું કે મને જયેન્દ્ર સરસ્વતીના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુ:ખ થયું છે. દેશે મહાન આધ્યામિક ગુરુ અને સામાજિક પરિવર્તન આણનારા નેતા ગુમાવ્યા છે. હું તેમના અનુયાયીઓને દિલસોજી પાઠવું છું.

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે મોક્ષપ્રાપ્ત કરનારા જયેન્દ્ર સરસ્વતીએ જીવનકાળ દરમિયાન માનવકલ્યાણાર્થે કરેલા કાર્યો અન્ય માટે પ્રેરણાદાયક બની રહેશે.

મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના અવસાનથી મને ઊંડો શોક થયો છે. તેઓ લાખો ભક્તોના મન-મગજમાં જીવતા રહેશે.