ગુજરાતના પોલીસ તંત્રમાં એક જ વર્ષમાં ૧૭,૫૩૨ જગ્યાઓ ભરવામાં આવી : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

 

 

પોલીસ ભરતી માટે શૈક્ષણિક અને શારીરિક માપદંડનો ચુસ્ત અમલ કરાય છે

પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના પોલીસ તંત્રમાં એક જ વર્ષમાં ૧૭,૫૩૨ જગ્યાઓ ભરવામાં આવી છે અને આ વર્ષના બજેટમાં ૫,૬૩૫ નવી જગ્યાઓ ભરવામાં આવનાર છે તેની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના પી.એસ.આઇ. અને એ.એસ.આઇ.ની ભરતી સંદર્ભે વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં       પોલીસ દળમાં ૩૪૪ પો.સ.ઇ. અને. ૨૦૦ એ.એસ.આઇ.ની ભરતી કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડી વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના આ સરકારે કરી સ્કીલ ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તદ્ઉપરાંત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના માધ્યમથી તમામ ગુનાઓ સમયસર ઉકેલવામાં સફળતા મળી છે અને ઇઝરાયેલ જેવા દેશો ગુનો શોધવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ ટેકનોલોજી ગુજરાતનું પોલીસ તંત્ર કરી રહ્યું છે.

ગુજરાતના પોલીસ તંત્રમાં ભરતીની  વધુ વિગતો આપતાં ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોડ-૧માં ૫૦ ટકા સીધી ભરતીથી, મોડ-રમાં ૩૦ ટકા ભરતી પોલીસ વિભાગ દ્વારા, જ્યારે ૨૦ ટકા ભરતી એ.એસ.આઇ.માં પાંચ વર્ષના અનુભવી પોલીસ કર્મચારીને બઢતીની પરીક્ષા દ્વારા ભરતી કરાય છે.

ગુજરાતના પોલીસ તંત્રમાં મહિલાઓની ભરતી સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, મહિલા સશક્તિકરણની શરુઆત આ સરકારે કરી છે અને ૩૩ ટકા જગ્યાઓ મહિલાઓની હોય છે. ત્યારે ભરતી થયેલ સર્વર્ગમાં પી.એસ.આઇ., એ.એસ.આઇ. અને બિનહથિયાર ધારીમાં ૪૦૫ ભરતીમાંથી ૧૩૯ મહિલાઓની ભરતી કરાઇ છે.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પોલીસ તંત્રમાં ખોટા પ્રમાણપત્રથી મૂળ અરજદાર હક્કથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને ભરતી નિયમોનુસાર આરક્ષિત જગ્યાઓને ભરવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પોલીસ તંત્રમાં ભરતી સમયે તકેદારીના પગલાઓની જાણકારી આપતાં જણાવ્યું કે, બાયોમેટ્રીક ઓ.એમ.આર. સિસ્ટમથી પરીક્ષા લેવાય છે તેમજ સી.સી.ટી.વી. કેમેરાથી પણ તકેદારી લેવાય છે. સાથોસાથ પી.એસ.આઇ. અને એ.એસ.આઇ. માટેના શારિરિક અને શૈક્ષણિક માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.