ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા માટે એક માર્ચથી હોલ ટિકિટનું વિતરણ

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓની શરૂઆત આગામી તા.૧૨ માર્ચથી થશે

અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓની શરૂઆત આગામી તા.૧૨ માર્ચથી થનાર છે ત્યારે પરીક્ષાની તડામાર તૈયારીઓ બોર્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી તા.૧ માર્ચ ગુરુવારથી શાળાઓ દ્વારા પરીક્ષાર્થીઓને હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે પરીક્ષાખંડમાં પ્રવેશ મેળવવા હોલ ટિકિટ અત્યંત મહત્ત્વની હોય છે ત્યારે બોર્ડ દ્વારા તારીખ ર૮-ર-૧૮ના રોજ જિલ્લા કક્ષાએ વિતરણ કેન્દ્ર ઉપર ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષાની હોલ ટિકિટ પહોંચાડવામાં આવશે અને તેનું વિતરણ શાળાઓ દ્વારા તારીખ ૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૪ કલાક દરમિયાન વિદ્યાર્થીઓને કરવામાં આવશે, પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ વિતરણ કરવા માટે શાળાઓએ જિલ્લા વિતરણ કેન્દ્ર પરથી તે મેળવી લઈ વિદ્યાર્થીઓને પહોંચાડી દેવાની રહેશે તેમજ ફી નિયમનના મામલે અમુક શાળાઓએ વિદ્યાર્થીઓને જો પૂરી ફી નહીં ભરો તો હોલ ટિકિટ આપવામાં નહીં આવે તેવી ચીમકી આપ્યાની ફરિયાદ બહાર આવતાં બોર્ડે આ વખતે કોઈ વિદ્યાર્થીને હોલ ટિકિટ નહીં મળે તો તે માટે આચાર્યની જવાબદારી રહેશે તેમ જણાવ્યું હતું.બોર્ડના પરીક્ષા સચિવે જણાવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્ધારા સંચાલિત ધો ૧૦ અને ધો ૧રની પરીક્ષાઓ માટે કોઈ પરીક્ષાર્થીને કોઈ પણ કારણસર હોલ ટિકિટ ન મળે તે કિસ્સામાં વિદ્યાર્થીઓએ તાત્કાલિક શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન દોરવાનું રહેશે અને બોર્ડ દ્વારા શરૂ કરાયેલી હેલ્પ લાઈન નં.૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ નંબરમાં જાણ કરવાની રહેશે. હોલ ટિકિટ તમામ પરીક્ષાર્થીઓને મળે તે જોવાની જવાબદારી આચાર્યની જવાબદારી રહેશે.