the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાકિસ્તાન સામે મોદી સરકારનું લચીલું વલણ : પાક.ના પ્રધાનને દિલ્હીનું આમંત્રણ

 

પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાન પરવેઝ મલિકને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની એક અનૌપચારીક બેઠકમાં દિલ્હી આવવાનું આમંત્રણ

નવીદિલ્હી
એક તરફ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરની સરહદ અને અંકુશ રેખા પર સતત શસ્ત્રવિરામ ભંગ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાન પરવેઝ મલિકને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની એક અનૌપચારીક બેઠકમાં દિલ્હી આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે અટકળો શરૂ થઈ છે કે શું મોદી સરકારે પોતાના કાર્યકાળના ચોથા વર્ષે પાકિસ્તાન સામેનું પોતાનું કડક વલણ થોડું લચીલું બનાવવાની કોઈ તૈયારી હાથ ધરી છે?
તાજેતરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પરંતુ ભારત સરકાર દ્વારા દિલ્હીમાં યોજાનારી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની પ્રધાનસ્તરીય વાતચીતમાં પાકિસ્તાન પ્રત્યે કૂટનીતિક નરમાશ દાખવવામાં આવી છે. ભારતે ડબલ્યૂટીઓની પ્રધાનસ્તરીય બેઠકમાં પાકિસ્તાનના વાણિજ્ય પ્રધાન પરવેઝ મલિકને આમંત્રિત કર્યા છે. ડબલ્યૂટીઓની આ અનૌપચારીક વાતચીત ૧૯ અને ૨૦ માર્ચે યોજાશે. અંગ્રેજી અખબારના અહેવાલમાં ભારત દ્વારા અત્યાર સુધી પાકિસ્તાન સાથે દાખવવામાં આવેલા ભારતના આકરા વલણ વચ્ચે આને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે શાંતિની કોશિશો ચાલી રહી છે. તેની પહેલા ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારો વચ્ચે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ પાકિસ્તાનની એક ચાર સદસ્યીય સુરક્ષા અને ગુપ્તચર ટીમ ૩૧ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી વચ્ચે ભારત આવી હતી. જેમાં પાકિસ્તાનના આતંકવાદ વિરોધી એકમના મહાનિદેશક પણ સામેલ હતા. તો ડિસેમ્બર-૨૦૧૬માં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના સલાહકાર સરતાજ અઝીઝે અમૃતસરમાં અફઘાનિસ્તાન પરના હાર્ટ ઓફ એશિયા સમિટમાં ભાગ લીધો હતો.ગત વર્ષ પાકિસ્તાનમાં આયોજિત થનારા સાર્ક સંમેલનમાં ભારત સહીતના ઘણાં સાર્ક દેશોએ ભાગ લેવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં આ સંમેલનને રદ્દ કરવામાં આવ્યું હતું. પઠાનકોટ હુમલાના બે વર્ષ ભારત પોતાની પાકિસ્તાન નીતિમાં ઝીણવટભર્યું કામ કરવાની કોશિશ કરી રહ્યું છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, કૂટનીતિક સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે બંને દેશોએ જેલમાં બંધ એકબીજાના કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. સૌથી પહેલા મહિલાઓ, માનસિકપણે નબળા લોકો અને બાળકોને મુક્ત કરવામાં આવશે. આવા લગભગ પચાસ કેદીઓ બંને દેશોની જેલોમાં દયનીય સ્થિતિમાં છે.ગત શુક્રવારે જ વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરે તુર્કેમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત વચ્ચેની પીસ પાઈપલાઈનના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એમ. જે. અકબર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘાની, પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસી અને તુર્કેમેનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ બર્દિમુખમદેવ સાથે જોવા મળ્યા હતા. આ પાઈપલાઈનને પીસ પાઈપલાઈનું નામ આપવામાં આવ્યું છે અને આશા વ્યક્ત કરાઈ છે કે દક્ષિણ એશિયામાં શાંતિને પ્રોત્સાહન મળશે.માનવામાં આવે છે કે મોદી સરકાર હવે પોતાના કાર્યકાળના ચોથા વર્ષે પાકિસ્તાન સાથેના સંબંધોમાં કંઈક લચીલુ વલણ અખત્યાર કરવાની તૈયારીમાં છે. કદાચ પાકિસ્તાન સાથેની વાતચીતની આકરી શરતો હટાવવાની વાત પણ આમા સામેલ થાય તેવી શક્યતા છે. આ પહેલા ઘણીવાર ભારત કહી ચુક્યું છે કે જ્યાં સુધી આતંકવાદ ચાલુ રહેશે અને પાકિસ્તાન આતંકવાદીઓના આકાઓ પર કાર્યવાહી નહીં કરે. ત્યાં સુધી વાતચીત થઈ શકશે નહીં.