પુંચમાં આતંકીઓના બે અડ્ડાનો સફાયોઃ શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત

 

આતંકીઓના બે અડ્ડા પરથી બે પિસ્તોલ, રોકેટ પ્રોપેલ્ડ અને યુબીજીએલ સહિત વિવિધ પ્રકારના ગ્રેનેડ, સંપર્ક સાધી શકાય તેવાં સાધનો, જીપીએસ, ૧૧ વિસ્ફોટક, એકે-૪૭નાં કારતૂસ અને અન્ય હથિયારો મળી આવ્યા

મ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લામાં આતંકવાદીઓએ ફરી વાર યુદ્ધવિરામ ભંગ કરતાં સેના અને પોલીસની સંયુક્ત ટીમે મેંઢર અને સુરનકોટમાં આવેલા આતંકવાદીઓના બે અડ્ડા પર હુમલો કરી અડ્ડાનો સફાયો કરી નાખ્યો હતો. બાદમાં અડ્ડા પર તપાસ કરતાં મોટી માત્રામાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે સેના અને પોલીસની સંયુક્ત ટીમના જણાવ્યા અનુસાર આતંકીઓના બે અડ્ડા પરથી બે પિસ્તોલ, રોકેટ પ્રોપેલ્ડ અને યુબીજીએલ સહિત વિવિધ પ્રકારના ગ્રેનેડ, સંપર્ક સાધી શકાય તેવાં સાધનો, જીપીએસ, ૧૧ વિસ્ફોટક, એકે-૪૭નાં કારતૂસ અને અન્ય હથિયારો મળી આવ્યાં હતાં.દરમિયાન પાકિસ્તાને ફરી આ વિસ્તારમાં યુદ્ધવિરામ ભંગ કરતાં ભારતીય સેનાએ પણ તેનો વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાને બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું, જેનો ભારતીય સેનાએ પણ જવાબ આપી આતંકીઓના બે અડ્ડાનો સફાયો કરી નાખ્યો હતો. બીજી તરફ કાશ્મીરના ત્રાલમાં પોલીસમથક પર ગ્રેનેડથી હુમલો કરી ફરાર થયેલા બુરખાધારી હિઝબુલનો આતંકવાદી ઠાર થયો હતો.પોલીસમથક પર જ્યારે હુમલો થયો હતો ત્યારે તેનો લાભ ઉઠાવીને બુરખો પહેરીને નાસવા ગયેલા હિઝબુલ મુજાહિદીનના આતંકવાદી મુસ્તાક અહમદને પોલીસે રોકાઈ જવા ચેતવણી આપી હતી તેમ છતાં તે નહિ રોકાતાં તેની નજીક જ ગ્રેનેડ ફાટતાં તેનું મોત થયું હતું. આ અંગે ડીજીપી એસ. પી. વૈદ્યે જણાવ્યું કે આતંકી મુસ્તાક અહેમદનું જે રીતે મોત થયું છે તે અંગે તેના ફરાર થવાના મામલે મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આ હુમલામાં ઘવાયેલા પોલીસ કોન્સ્ટેબલ મેહરાજ દીનને સેનાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્તાકને ગત મહિનામાં જ પોલીસે બારામુલાના સોપોરમાંથી પકડ્યો હતો અને તેને થોડા દિવસ પહેલાં જ આતંકી ઘટનાની તપાસ માટે ત્રાલ પોલીસમથકે લાવવામાં આવ્યો હતો.બીજી તરફ તાજેતરમાં બાંદીપોરાના હાજિન વિસ્તારમાં આતંકીઓએ સિક્યોરિટી દળ પર ફાયરિંગ કર્યું હતું, તેના કારણે હજુ પણ આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકાથી સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.