પેટ્રોલ-ડીઝલ પર ઓછામાં ઓછો વેટ હાલ ગુજરાતમાં

પેટ્રોલ-ડીઝલ પર ઓછામાં ઓછો વેટ હાલ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પરના સેસને લઇ ગૃહમાં હંગામોપેટ્રોલ ડીઝલ પરના સેસને લઇને કોંગ્રેસના જોરદાર આક્ષેપ

અમદાવાદ,
તા. ૨૮
પેટ્રોલ ડીઝલ ઉપર ઓછામાં ઓછો રેટ ધરાવતી એકમાત્ર રાજ્ય ગુજરાત છે. નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હુતં કે, સમગ્ર દેશમાં અન્ય રસાયણિક ખાતર ઉપર માત્ર પાંચ ટકા વેરો અમલી છે. નાયબ મુખ્યમંત્રીએ વેટ પરની વિગતો ગૃહમાં આપી હતી. બીજી બાજુ ગુજરાત વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડિઝલ પરના સેસને લઇ જોરદાર હંગામો મચાવ્યો હતો અને સરકાર પર આકરા પ્રહારો કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. જેને લઇ ગૃહનું વાતાવરણ શોરબકોર અને ભારે હંગામા વચ્ચે ગરમાયું હતું. એક તબક્કે કોંગ્રેસના ધારાસભ્યો ભારે હોબાળો કરતાં વેલમાં ધસી જતાં ગૃહના અધ્યક્ષે આજ સાંજ સુધી તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહી, અધ્યક્ષે વિપક્ષના સભ્યોને ગૃહમાંથી ઉંચકીને બહાર લઇ જવાની સાર્જન્ટને સૂચના આપતાં કોંગી ધારાસભ્યો વિફર્યા હતા અને જોરશોરથી ખૂન થયુ ભાઇ, ખૂન થયુ, લોકશાહીનું ખૂન થયુના ગંભીર સૂત્રોચ્ચાર કરી ગૃહનું વાતાવરણ ગજવી મૂકયુ હતું. ગુજરાત વિધાનસભાના છેલ્લા છ દિવસથી ચાલી રહેલા બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા રોજેરોજ કોઇક ને કોઇક મુદ્દે ભાજપ સરકાર પર પસ્તાળ પાડવામાં આવે છે અને સંવેદનશીલ મુદ્દાઓને લઇ સરકારને ઘેરવાનો જોરદાર પ્રયાસ થઇ રહ્યો છે. વિપક્ષ આ વખતે મજબૂત સ્થિતિમાં અને ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો યુવા હોઇ વિધાનસભામાં વિપક્ષ સ્વાભાવિક રીતે જ શાસક પક્ષ પર હાવી થઇ રહ્યો છે. આજે પણ વિપક્ષ પેટ્રોલ-ડિઝલ પરના સેસને લઇ આક્રમક ભૂમિકામાં આવી ગયો હતો અને કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર આ મુદ્દાને લઇ આકરા પ્રહારો કર્યા હતા. જેને લઇ ફરી એકવાર વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો ચાલ્યો હતો. વિપક્ષે રાજયમાં પેટ્રોલ-ડિઝલ, સીએનજી પર લેવામાં આવતા વેરાને લઇ સરકાર પર હલ્લાબોલ કર્યું હતું. વિપક્ષના સભ્યોએ અધ્યક્ષ પાસે વેલમાં જઇ ધરણાં અને ધુન પણ યોજયા હતા. વેલમાં કોંગ્રેસના સભ્યો ધસી આવતાં અધ્યક્ષે ગંભીર નોંધ લીધી હતી અને વિપક્ષના સંબંધિત સભ્યોને આજે સાંજ સુધી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. એટલું જ નહી, અધ્યક્ષે ધાંધલ ધમાલ મચાવતાં કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાં ઉચકીને બહાર કાઢવા સાર્જન્ટને સૂચના આપી હતી. જેને લઇ કોંગ્રેસના ધારાસભ્યો વધુ ઉશ્કેરાયા હતા અને ઉગ્ર આક્રોશમાં આવી સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા કે, ખૂન થયુ ભાઇ, ખૂન થયું, લોકશાહીનું ખૂન થયું., જતન કરો ભાઇ જતન કરો, લોકશાહીનું જતન કરો., ખેડૂત વિરોધી યે સરકાર નહી ચલેગી, નહી ચલેગી, ગુજરાત વિરોધી, દલિત વિરોધી, આદિવાસી વિરોધી, પાટીદાર વિરોધી અને જનતા વિરોધી યે સરકાર નહી ચલેગી નહી ચલેગીના જોરદાર નારાઓ અને સૂત્રોચ્ચાર લગાવી ગૃહનું વાતાવરણ ગજવી મૂક્યું હતું. દરમ્યાન કોંગ્રેસના ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ દ્વારા અશોભનીય ઉચ્ચારણો સામે વાંધો ઉઠાવી સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મહિલા સભ્યને બે દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરતો પ્રસ્તાવ મૂકયો હતો, જેને અધ્યક્ષે મત પર મૂકી આશાબહેન પટેલને આખરે બે દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.