સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીનાં મોતમાં જોડ્યું ‘દાઉદ’ કનેક્શન

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના દુબઇ ખાતે નિધન પર બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિવિધ સવાલ ઉઠાવ્યા છે. નોંધનીય છે કે 24મી તારીકે શ્રીદેવીનું મોત થયા બાદ હજી સુધી તેનો મૃતદેહ ભારત લાવી શકાયો નથી.

આ અંગે સ્વામીએ કહ્યું હતું કે, ‘મીડિયામાં સતત અલગ અલગ ફેક્ટ્સ સામે આવતા રહ્યા છે. તે ક્યારેય હાર્ડ ડ્રિંક કરતી ન હતી તો તેના લોહીમાં આલ્કોહોલ કેવી રીતે આવ્યું? શું તેણીને બળબજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો? હોટલના સીસીટીવી ફૂટેજ અંગે કોઈ વાત નથી કરી રહ્યું તો તેનું શું થયું? ડોક્ટર્સ અચાનક મીડિયા સામે રજૂ થયા હતા અને કહ્યું હતું કે હૃદયરોગના હુમલાને કારણે તેનું મોત થયું હતું. જો તમે મારું મંતવ્ય પૂછી રહ્યા છો તો હું એટલું જ કહીશ કે આ હત્યા છે.’

સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, ‘સિનેમાં અભિનેત્રીઓ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વચ્ચે જે ગેરકાયદે સંબંધો છે તેના પર આપણે ધ્યાન આપવું પડશે. મને ખબર છે ત્યાં સુધી શ્રીદેવી બીયરથી વધારે કોઈ ડ્રીંક કરતી ન હતી. આ અંગે કોઈ અધિકૃત વ્યક્તિએ સામે આવીને નિવેદન આપવું જોઈએ. કારણ કે અત્યાર સુધી પબ્લિક પ્રોસિક્યુશન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. તેઓ કહી રહ્યા છે કે અમે તપાસ કરી રહ્યા છીએ. આ લોકો સીસીટીવી કેમ નથી બતાવી રહ્યા? તેની સાથે કોણ હતું? તેના રૂમમાં કોણ હતું તેની પણ તપાસ થવી જોઈએ.’