સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 55 તાલુકામાં પાણીની કપરી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં વેંત પાણીની તીવ્ર તંગી વરતાવા માંડી છે. સૌરાષ્ટ્રમાં જમીનનું બંધારણ જ એવું છે કે ચોમાસામાં નદીઓ પાણીથી ફાટ ફાટ થતી હોય અને ઉનાળામાં સુક્કી ભઠ્ઠ બની જાય છે. પરંતુ પાણીના વ્યવસ્થાપન અંગે આજ સુધી કોઇ સરકાર ગંભીર ન હોવાથી આ વખતે ઉનાળો આકરો બનવાનો છે. ત્યારે આવો જોઇએ. સૌરાષ્ટ્રની ગ્રાઉન્ડ રિયાલીટી.

ઉનાળાના પગરવની સાથે જ સૌરાષ્ટ્રમાં પાણીની તંગી દસ્તક દેવા લાગી છે. સૌરાષ્ટ્રના ૮ જિલ્લાના કુલ ૫૫ તાલુકા મથકોમાં પાણી પ્રશ્ને ઉનાળામાં કપરી પરિસ્થિતિ સર્જાવાની ભીતિ છે. સ્થાનિક ડેમો, તળાવોના પાણી ઉનાળો પાર કરાવી દેવા સક્ષમ નથી. બોર, કૂવા, દારમાં પાણીની આવક ઓછી થવા લાગી છે. નર્મદાના નીર ઉપર પણ સંપૂર્ણ દારોમદાર રાખી શકાય તેમ નથી કેમ કે અનિયમિત આવક છે.

અત્યારની સ્થિતિએ સૌરાષ્ટ્રના ૫૫ શહેરો પૈકી ૧૦ ટકા શહેરોને ૫ થી ૬ દિવસે, ૧૮ ટકા શહેરોને ૪ દિવસે, ૧૬ ટકા શહેરોને ૩ દિવસે, ૩૮ ટકા શહેરોને એકાંતરા પાણી મળે છે. માત્ર 18 ટકા જ શહેરો નસીબદાર છે કે ત્યાં રોજ પાણી વિતરણ થાય છે. મોટાભાગના શહેરોમાં પાણીની તંગીની પાછળ પાણીની અછતની સાથે ખામીયુક્ત વિતરણ વ્યવસ્થા પણ જવાબદાર છે. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા મથકો પૈકી માત્ર રાજકોટ અને પડધરીમાં જ રોજ પાણી વિતરણ થાય છે. કેમ કે અહીં સ્થાનિક સ્રોતો ઉપરાંત નર્મદા નીરનો સારો એવો ટેકો છે. જ્યારે લોધિકામાં ૪ થી ૫ દિવસે વિતરણ થાય છે. કેમ કે સ્થાનિકે પાણી નથી માત્ર નર્મદા નીર ઉપર મદાર રાખવો પડે છે.

સૌરાષ્ટ્રના 55 શહેરોમાં પાણીની સ્થિતિ

ધોરાજી, ગોંડલ, વિંછીયામાં ૪ દિવસે આ શહેરોમાં ફોફળ ડેમ, વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ,શેવણીયા તળાવ તથા મહી પરીએજ યોજનાનું પાણી મળેછે. જસદણ, જેતપુર, કોટડા સાંગાણી અને ઉપલેટામાં ૩ દિવસે અને આલણસાગર ડેમ, ભાદર-૨ ડેમ,ગોંડલી તથા વાછપડી ડેમ,પાતાળ કૂવા અને મોજ તથા વેણું ડેમમાંથી પાણી મળે છે. જામકંડોરણામાં એકાંતરા પાણી વિતરણ દુધીવદર, ફોફળ ડેમમાંથી થાય છે.

મોરબી જિલ્લામાં પાંચ તાલુકા મથકો પૈકી મોરબી તથા હળવદમાં રોજ પાણી વિતરણ થાય છે. મોરબીને મચ્છુ-૨ ડેમમાંથી અને હળવદને નર્મદાના નીર મળે છે. જ્યારે ટંકારામાં ૪થી ૫ દિવસે પોણી કલાક પાણી મળે છે કેમકે નર્મદા નીર પૂરતા મળતા નથી. માળિયા મિંયાણામાં ૩ દિવસે જ્યારે વાંકાનેરને એકાંતરા પાણી મચ્છું ૧ ડેમમાંથી મળે છે.

જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકા મથકો પૈકી ભેંસાણમાં ૫ દિવસે પાણી મળે છે અહીં નર્મદા નીર એકમાત્ર આધાર છે. કેશોદમાં ૪ થી ૫ દિવસે પાણી મળે છે. અહીં ઓઝત-૨ ડેમમાંથી પાણી અપાય છે. જિલ્લા મથક જૂનાગઢમાં એકાંતરા પાણી મળે છે. વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમમાંથી પાણી મળે છે. મેંદરડા, વંથલી, વિસાવદરમાં પણ એકાંતરા પાણી મળે છે. ત્રણેય શહેરોમાં સ્થાનિક દાર બોરમાંથી પાણી મળે છે. માણાવદર અને માંગરોળમાં 4 દિવસે પાણી મળે છે. અહીં પણ સ્થાનિક પાતાળ કૂવાઓનો આધાર છે જ્યારે માળિયા હાટિનામાં રોજ પાણી વિતરણ ગ્રા.પં.ના કૂવામાંથી થાય છે.

ગીર સોમનાથ જિલ્લામાં ૬ તાલુકા પૈકી જિલ્લા મથક વેરાવળમાં ૪ દિવસે પાણી મળે છે. અમુક વિસ્તારોમાં ૭ દિવસ પણ થઈ જાય છે. વેરાવળને હિરણ-૨ ડેમમાંથી પાણી મળે છે. જ્યારે ગીરગઢડામાં પણ ૪ દિવસે અને વસુંધરી ડેમમાંથી પાણી મળે છે. કોડીનારમાં એકાંતરા પાતાળ કૂવામાંથી જ્યારે તાલાલા, સુત્રાપાડા અને ઉનામાં રોજ પાણી વિતરણ થાય છે. અહીં સ્થાનિક પાતાળ કૂવા તથા હિરણ ૨ ડેમમાંથી પાણી અપાય છે.

જામનગર જિલ્લાના ૬ તાલુકા પૈકી ધ્રોલ તથા જોડિયામાં ૪ દિવસે ૪૫ મિનિટ પાણી વિતરણ થાય છે. અહીં ઉંડ-૨ ડેમ અને નર્મદાના પાણી આધારીત યોજના છે. કાલાવડમાં બાલંભડી ડેમ તથા નર્મદા પાઈપલાઈન આધારીત યોજના હોઈ દર ૩ દિવસે પાણી મળે છે. તો જિલ્લા મથક જામનગરમાં એકાંતરા રણજીતસાગર,સસોઇ, ઉંડ, આજી ડેમમાંથી પાણી એકત્ર કરીને વિતરણ થાય છે. ઉપરાંત જામજોધપુર અને લાલપુરમાં એકાંતરા પાણી નસીબ થાય છે. કોડટાબાવીસી ફલઝર ડેમ, સસોઇ ડેમ ,બોર તથા નર્મદાના પાણી મળે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ૩ દિવસે ૩૦ મિનિટ પાણી સતસાગર ડેમમાંથી અપાય છે. જ્યારે દ્વારકા, કલ્યાણપુરમાં નર્મદાનું, ખંભાળિયામાં ઘી ડેમમાંથીપાણી મળે છે. આ ત્રણેય શહેરોમાં એકાંતરા પાણી મળે છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણામાં એકાંતરા પાણી વિતરણ થાય છે.

અમરેલી જિલ્લામાં ૧૧ તાલુકા પૈકી ધારી, લીલિયાને બાદ કરતા રોજ ક્યાંય પાણી મળતું નથી. જિલ્લા મથક અમરેલીમાં ૫થી ૬ દિવસે પાણી મળે છે. મહીપરીએજ યોજના ઠેબીડેમ, વરૃડી ગામના પાતાળ કૂવામાંથી પાણી લેવાય છે છતાં બે છેડા ભેગા થતા નથી. કુંકાવાવમાં ૪ દિવસે સ્થાનિક દારના પાણી અપાય છે. રાજુલા જાફરાબાદમાં ૩ દિવસે જ્યારે બાબરા, લાઠી, બગસરા, ખાંભા, સાવરકુંડલામાં એકાંતરા પાણી મળે છે.