અવિરત મંદી : સેંસેક્સમાં વધુ ૨૫૩ પોઇન્ટનો થયેલો ઘટાડો

આઈઓસી અને બીપીસીએલના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો
અવિરત મંદી : સેંસેક્સમાં વધુ ૨૫૩ પોઇન્ટનો થયેલો ઘટાડો
સેંસેક્સ ઘટીને ૩૨૯૨૩ અને નિફ્ટી ૧૦૧ પોઇન્ટ ઘટી ૧૦૦૯૪ની નીચી સપાટી પર રહ્યા : રાજકીય ઘટનાક્રમ પર પણ કારોબારીઓની નજર કેન્દ્રિત

મુંબઇ,તા. ૧૯
શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલી ગયો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ લિમિટેડ જેવા એનર્જીના શેરમાં તીવ્ર મંદી રહી હતી જેના લીધે અફડાતફડી રહી હતી. રિફાઇનરીઓ ગેઇલ ઇન્ડિયામાં હિસ્સેદારી ખરીદી શકે છે તેવા અહેવાલ વચ્ચે આ સ્થિતિ સર્જાઈ હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૫૩ પોઇન્ટ ઘટીને ૩૨૯૨૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૧ પોઇન્ટ ઘટીને ૧૦૦૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો. આઈઓસી અને બીપીસીએલના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. આઈઓસીના શેરમાં જાન્યુઆરી ૨૦૧૭ બાદથી સૌથી નીચી સપાટી જોવા મળી હતી. બજાર સાથે જોડાયેલા લોકો સંસદમાં ઘટનાક્રમ ઉપર પણ નજર રાખી રહ્યા છે. મોટા રાજકીય ઘટનાક્રમના ભાગરુપે ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપી અને જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવા તૈયારી કરી છે. આના લીધે રોકાણકારો સાવચેત બનેલા છે. એશિયન શેરબજારમાં આજે મંદી રહી હતી. શુક્રવારના દિવસે ઇક્વિટી માર્કેટમાં વેચવાલીનું મોજુ રહ્યું હતુ ંજેથી તેમાં ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ ૦.૩૯ ટકા ઘટીને ૩૩૧૭૬ની સપાટીએ સાપ્તાહિક આધાર પર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૦.૩૦ ટકા ઘટીને ૧૦૧૯૫ની સપાટી ઉપર રહ્યો હતો. અમેરિકામાં નવા ફેડના ચેરમેન જેરોમ પોવેલના નેતૃત્વમાં પ્રથમ વખત અમેરિકાની સેન્ટ્રલ બેંકની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક ૨૦મી અને ૨૧મી માર્ચના દિવસે યોજાશે જેના પરિણામ ૨૧મી માર્ચે જાહેર કરાશે. આ ઉપરાંત સ્થાનિક પરિબળો રહેલા છે. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે.હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાના આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.શેરબજારમાં પ્રવાહી સ્થિતીનો દોર હાલમાં જારી રહી શકે છે. કારણ કે સ્થાનિક અને વૈશ્વિક પરિબળોન સીધી અસર જોવા મળી રહી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આના સંકેત મળી ચુક્યા છે. જાપાનના નિક્કીમાં ૧.૩ ટકાનો વધુ ઘટાડો આજે નોંધાયો હતો.