અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં વિપક્ષ ફ્લોપ

જાણી જોઇને ધાંધલ ધમાલ કરવાનો અન્નાદ્રમુક પર આક્ષેપ

અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં વિપક્ષ ફ્લોપ : ભારે હોબાળો થયો ધાંધલ ધમાલના કારણે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ : સરકારે ચર્ચા માટે તૈયારી દર્શાવી હોવા છતાં પણ વિરોધ પક્ષો એકમત ન થઇ શક્યા

ધાંધલ ધમાલના કારણે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ : સરકારે ચર્ચા માટે તૈયારી દર્શાવી હોવા છતાં પણ વિરોધ પક્ષો એકમત ન થઇ શક્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત આજે રજૂ કરી શકાઈ ન હતી. લોકસભામાં સતત ધાંધલ ધમાલનો દોર જારી રહ્યો હતો જેના લીધે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ કરી દેવામાં આવી હતી. વિરોધ પક્ષો અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં ફ્લોપ રહ્યા હતા. સરકારે કોઇપણ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે તૈયારી દર્શાવી હોવા છતાં વિરોધ પક્ષો આ દરખાસ્ત રજૂ કરી શક્યા ન હતા. આજે મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં સફળતા ન મળતા કેટલીક વિરોધ પક્ષોએ અન્નાદ્રમુક ઉપર આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે, ગૃહમાં જાણીજોઇને હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેલુગુ દેશમ પાર્ટી અને વાયએસઆર કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શક્યા ન હતા. કારણ કે ધાંધલ ધમાલ જારી રહી હતી. અંતે ગૃહને મોકૂફ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે પણ આને મંજુરી અપાશે ત્યારે મોદી સરકાર સરકાર સામે આ પ્રથમ દરખાસ્ત રહેશે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, અવિશ્વાસ દરખાસ્ત પર વિરોધ પક્ષો ચર્ચા માટે તૈયાર હતા પરંતુ અન્નાદ્રમુકે કેન્દ્ર સરકાર તરફથી કામ કર્યું હોવાનું લાગે છે. કારણ કે, ગૃહની કામગીરી ચાલવા દેવામાં આવી ન હતી. અન્નાદ્રમુક ૩૭ સાંસદો ધરાવે છે. જે પાર્ટી તટસ્થ રહી છે જેમાં બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિનો સમાવેશ થાય છે. બીજુ જનતાદળના ૨૦ અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના ૧૧ સાંસદો છે.
આજે આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે પ્લેકાર્ડ લઇને દેખાવો કરવામાં આવ્યા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થાય તેમ અમે ઇચ્છીએ છીએ તેમ કેન્દ્ર સરકારના પ્રધાનોએ પ્રતિક્રિયા આપી હતી. હાલમાં તક મળતાની સાથે સરકારની સામે માહોલ બનાવવાના વિપક્ષ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ દરખાસ્તને હવે મંજુરી મળી શકે છે. કારણ કે, મોટાભાગના વિરોધ પક્ષોએ આને ટેકો આપવાની જાહેરાત કરી દીધી હતી. વાયએસઆર કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મોટાભાગના વિરોધ પક્ષોનો ટેકો મળ્યો હતો. કોંગ્રેસ, અન્નાદ્રમુક, ટીએમસી, એનસીપી અને સીપીએમ જેવા મોટા પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી. અલબત્ત વર્તમાન સ્થિતિમાં ભાજપ એકલા દમ પર બહુમતિ પુરવાર કરવાની સ્થિતિમાં તેની સામે કોઇ સંકટ નથી. લોકસભામાં ભાજપ બહુમતિ ધરાવે છે તેના ૨૭૫ સભ્યો છે. ૫૩૯ સભ્યોના ગૃહમાં બહુમતિનો આંકડો ૨૭૧નો છે. કેટલાક સાથી પક્ષોનો પણ ભાજપને ટેકો છે. આજે ભાજપે ધાંધલ ધમાલ માટે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. રાજ્યસભામાં પીયુષ ગોયેલે કહ્યું હતું કે, કોઇપણ સરકાર વર્તમાનની મોદી સરકારથી આંધ્રપ્રદેશના લોકોની જરૂરિયાતો અને માંગોને લઇને વધારે સંવેદનશીલ હોઈ શકે નહીં. સરકાર ખુબ જ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. આંધ્રપ્રદેશ તમામ મદદ કરવામાં આવી રહી છે.આમ આદમી પાર્ટીએ પણ મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપવાની જાહેરાત કરી છે. ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસની દરખાસ્તને શિવસેના પણ ડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ પક્ષોએ તેમના નિર્ણયની જાહેરાત કરી હતી.લોકસભામાં કોંગ્રેસના ૪૮ સાંસદો છે. અન્નાદ્રમુકના ૩૭, ટીડીપીના ૧૬, વાયએસઆર કોંગ્રેસ અને સીપીએમના ૯-૯ સભ્યો રહેલા છે. એઆઈએમઆઈએમ એક સાંસદ ધરાવે છે. ભાજપ આને લઇને કોઇપણ પ્રકારથી ચિંતિત નથી. ભાજપ પોતાની તાકાત પર બહુમતિ ધરાવે છે પરંતુ તેની સાથે સાથી પક્ષો અલગથી છે. જેથી તેની સામે વિરોધ પક્ષોને કોઇ ફાયદો થનાર નથી. મોદી સરકારને એલજેપી છ સભ્યો ધરાવે છે. અકાળી દળના ચાર, આરએલએસપીના ત્રણ, જેડીયુના બે અને અન્યોના છ સભ્યો રહેલા છે.