the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આખી સિસ્ટમને રીબૂટ કરવી પડશે

આખી સિસ્ટમને રીબૂટ કરવી પડશે
કૃત્રિમ આફતનાં સમયે ઉપકરણોનો ઉપયોગ કરીને પહેલા કે પછી આફત ટાળી શકાતી ન હોય તો ગમે તેવી ટેકનોલોજી લાવવાથી કોઈ ફેર નહીં પડે. માનસિકતા બદલાશે તો ફર્ક પડશે આખી સિસ્ટમને રીબૂટ કરવી પડશે

ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ સત્તા સાંભળ્યા બાદ સમગ દેશને નવા યુગનાં, ૨૧મી સદીનાં સપનાઓ દેખાડ્યા હતા. ૨૧મી સદીમાં પહોંચ્યા પછી ભારત ક્યાંથી ક્યાં પહોંચી જશે તેના વિષે એટલાં બધાં સપના દેખાડ્યા હતા કે ઘણાં લોકોએ મનોમન ટેકનોલોજીના સહારે પ્રગતિની કલ્પના કરીને ૨૦૧૫-૨૦માં ચંદ્ર પર જમીન ખરીદીને એપાર્ટમેન્ટ બનાવવાના વિચારો પણ કરી લીધા હતા. ‘હમે દેખના હૈ ઔર હમ યે દેખેંગે’નો તેમનો તકિયાકલામ એ વખતે ખુબ લોકપ્રિય થયો હતો. નાખી દેતા પણ એ બધી વાતોને ત્રીસ-પાંત્રીસ વર્ષના વ્હાણાં વાઈ ચુક્યા છે. ઔર ઈસ વકત ‘હમ દેખ રહે હૈ કી’…ચંદ્ર પર તો ઠીક ભારતમાં પણ ક્યાંય જમીન ખરીદવી હોય તો દસ વખત વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ છે.તેમાં તેમનાં પક્ષનો ખુબ મોટો ફાળો છે. જો કે તેમના પક્ષના વડવાઓએ તો દેશ ગુલામ હતો, ત્યારે જે આંબા-આંબલીઓ બતાવ્યા હતાં.તે પ્રમાણે, આઝાદી પછીના થોડા વર્ષોમાં જ પ્રત્યેક ભારતીય પોતે કોઈ રાજા- મહારાજા બની જશે તેવા ખ્યાલમાં રાચતો હતો. એ વાતને પણ અત્યારે સિત્તેરથી વધુ વર્ષો થઇ ગયા. હજુ સરેરાશ ભારતીય સામાન્ય માણસ સરકારી કાયદા-કાનુન,વચેટીયા દલાલો, ભ્રષ્ટ રાજકારણીઓ, સગાવાદ, જ્ઞાતિવાદ, અરાજકતાના ગૂંચવાડાઓમાં ગૂંચવાયેલા છે. કોઈ વ્યક્તિ તેમને રાતોરાત કે બે-પાંચ વરસમાં બદલી નાંખે તેવી કોઈ કલ્પના નજીકનાં ભવિષ્યમાં કરવી લગભગ અશક્ય છે. પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવખત લોકોમાં આશા જગાડી છે. અનેક નવા અખતરાઓ કર્યા છે. કેટલાંકમાં તેઓ સફળ નીવડ્યા છે ,તો કેટલાકમાં ટીકાપાત્ર પણ બન્યા છે. ડીજીટલ ઇન્ડિયાનો તેમનો વિચાર પણ આમાંનો જ એક છે. તાજેતરની તેમની વિદેશી મુલાકાતે અનેક આશા- અરમાનો જગાડ્યાં છે. પરંતુ તાજેતરમાં જ બનેલા કેટલાક બનાવો આ વિચારો સામે ખુબ મોટો પડકાર બનીને ઉભા છે.ઈન્ટરનેટની સેવાઓએ ભારતમાં છેલ્લા થોડા વર્ષમાં જે હરણફાળ ભરી તેમાં સૌથી મોટો ફાળો સ્માર્ટ ફોનનો છે. લોકો લેપટોપ કે ડેસ્કટોપ પરથી સોશ્યલ નેટવર્કનો જેટલો ઉપયોગ નથી કરતા તેટલો સ્માર્ટ ફોન અને લેપટોપથી કરે છે. જો માઈક્રોમેક્સ, ઇન્ટેકસ, લાવા,નોકિયા,ચાઈનાના કે અન્ય મોબાઈલ સસ્તા દરે ભારતમાં વેચાતા ન થયાં હોત તો લોકો ઈન્ટરનેટનો આટલો બધો ઉપયોગ કરતાં ન થયાં હોત. કોઈ સરકારી યોજનાના ભાગરૂપે વર્ષો સુધી લોકોને કોમ્પ્યુટર કે અંગ્રેજી શીખવવાના વર્ગોની જેમ સ્માર્ટ ફોન એટલે શું? તે કેટલા ઉપયોગી છે તેના વિષે સેમીનાર અને વર્ગો ચલાવ્યાં કર્યા હોત તો જેમ હજુ પણ કોઈને પૂરું કોમ્પ્યુટર કે સાચું અંગ્રેજી નથી આવડતું તેમ સ્માર્ટ ફોન વાપરતા પણ ન આવડ્યું હોત.પણ, તેને બદલે સસ્તાં ફોન આવ્યા. તેમાં વિવિધ સોશ્યલ નેટવર્ક પરની ગેમ્સ,ફેસબુક જેવા માધ્યમથી અપરિચિત વ્યક્તિ સાથે સંબંધો બાંધવાની લોકોની ઘેલછા અને વ્હોટ્‌સએપ પર ફ્રી માં ઓડિયો,વિડીયો અને ટેક્ષ્ટ મેસેજ મોકલવાની સુવિધાનાં કારણે દેખાદેખીમાં કે મને કમને પણ આબાલ વૃદ્ધ સૌ કોઈ તેના તરફ વળવા અને ઢળવા લાગ્યાં. તીન પત્તી જેવી ગેમ રમવા માટે પણ ફેસબુક એકાઉન્ટ અનિવાર્ય હોવાને કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાવાળાથી માંડીને રિક્ષાવાળા, લારીવાળા, શાકવાળા,દુધવાળા બધાજ સ્માર્ટ ફોન વાપરતા થઇ ગયા. સાથોસાથ ફિલ્પકાર્ટ,સ્નેપડીલ જેવી ઈ કોમર્સની કંપનીઓ દ્વારા ઓનલાઈન શોપીંગમાં જંગી ડિસ્કાઉન્ટ આપવાને કારણે જે લોકો ઓનલાઈન શોપિંગથી કિલોમીટર દૂર હતા. તે બધા જ ઓનલાઈન શોપિંગ તરફ વળી ગયાં છે.ભારતમાં યુવાનોની સૌથી વધુ વસ્તી છે અને તે યુવા પેઢી સતત પોતાના સ્માર્ટ ફોન પર ચીપકેલી રહે છે. હમણાં અનામત આંદોલન વખતે જયારે સરકારે ગુજરાત ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો ત્યારે બધી જ કંપનીઓએ પોતાનો વપરાશ બંધ રાખ્યો હતો. પરંતુ જયારે પ્રતિબંધ ઉઠાવી લેવાયો ત્યારે બધી કંપનીઓએ ગ્રાહકોને અંગુઠો બતાવી દીધો. આ મામલે સરકારની ચુપકીદી સરકાર અને કંપનીઓની મિલીભગત હોવાનું ગ્રાહકોને પ્રથમ નજરે સ્પષ્ટ દેખાઈ ગયું છે. જે સરકાર ઈન્ટરનેટ ચાલુ કે બંધ કરાવીને પોતાની તાકાત દર્શાવી દે, તે જ સરકાર ધોકો પછાડીને ગ્રાહકોએ ગુમાવેલો ડેટા પાછો અપાવવાની કંપનીઓને ફરજ ન પડી શકે? ઉલ્લેખનીય છે કે આ દરેક કંપનીઓ ફેસબુક, ટ્‌વીટર જેવા સોશ્યલ નેટવર્ક પર પોતાના પેજીસ ધરાવે છે. અસંખ્ય ગ્રાહકોએ આ પેજીસ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જાગો ગ્રાહક ગ્રાહક જેવા સંગઠનો પણ તેનાં પર કોઈ નિયંત્રણ ધરાવતાં નથી. થોડા સમય પહેલાં નેટ ન્યુટ્રલીટીનો મુદ્દો પણ ખુબ ચગ્યો હતો. ફોન વપરાશ પર સતત ભાવ વધારો, સર્વિસ ટેક્ષ વગેરે દ્વારા જયારે સરકારથી માંડીને સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ બધા જ લૂંટવા બેઠા હોય ત્યારે ગ્રાહકો તેમનો વપરાશ વધારી દેશે અને ડીજીટલ ક્રાંતિ આવશે તેવાં સપનાંઓ જોવાં માત્ર શેખચલ્લીઓને શોભે. આવા સંજોગોમાં ભલે માર્ક ઝુકરબર્ગથી માંડીને બીલ ગેટ્‌સ ભારતની સેવામાં આળોટવા તૈયાર હોય. જ્યાં સુધી લોકો વપરાશ નહી વધારી શકે ત્યાં સુધી કોઈ ખાસ મોટો ફર્ક નહી પડે.ઉપરાંત,સરકાર માટે કે વડાપ્રધાન મોદી માટે સૌથી મોટો ચિંતાનો વિષય આ ટેકનોલોજીનો થતો દુરુપયોગ છે.જે ટેકનોલોજીના સહારે વ્હોટ્‌સએપથી માંડીને સોશ્યલ મીડિયાની મદદથી સત્તાગ્રહણ કરી એજ જયારે બુમરેંગ થાય ત્યારે શું થાય તેનો પરચો તાજેતરમાં મળી ચુક્યો છે. ‘કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષબાણ’વાળી પંક્તિ તાજેતરના બનાવો સાથે સરખાવીને જોવાથી પરિસ્થતિની ગંભીરતા સમજાશે. સરકાર આકાશ-પાતાળ બધે ટેકનોલોજીની જાળ બિછાવી દેશે તો પણ કરચલાની જેમ થતી ટાંટિયાખેંચથી કેમ બચી શકશે? અનામત આંદોલન સામે પાટીદારોએ ટેકનોલોજીનો જે ઉપયોગ કર્યો તેને પરિણામે સાત દિવસનો કર્ફ્યું બધાએ વેઠવો પડ્યો. દોરીસંચાર ગમે તેનો હોય કે હેતુ ગમે તે હોય. જે યૌવન ‘ધન’ના ગાણાંઓ મોદીજી વિદેશમાં ગાઈને મૂડી રોકાણ લાવવાની વાતો કરે છે .તે યૌવન ‘ધણ’ સાબિત થયું. જો ખૂંટીયાઓના ધણને બાંધી રાખતાં ન આવડે તો માર્કેટમાં ધંધો કરવા ન બેસી શકાય. આ વખતે પાટીદારો આવ્યા પછી બીજા લોકો આવશે. ભારતને દુશ્મનોની કમી નથી. અને ઘરના દુશ્મનોને તો શોધવા જવાની પણ જરૂર નથી.પહેલાં લોકો પાણી માટે રડતા પછી ઈન્ટરનેટ માટે રડશે. ભવિષ્યમાં ચુંટણી ઢંઢેરામાં પ્રતિબંધ વિના ૨૪ કલાક ઈન્ટરનેટ સુવિધાના વચનો પણ અપાશે. એટલું જ નહીં,પ્રતિબંધ સમયે પણ ચોક્કસ જ્ઞાતિઓને છૂટછાટ જેવા વચનો પણ અપાઈ તો નવાઈ નથી.
ભૂતકાળમાં ડોકિયા કરશો તો પહેલાં માત્ર હિંદુ- મુસ્લિમ વચ્ચેનાં વૈમનસ્યના સંદેશાઓ ફરતા હતા. છેલ્લાં ત્રણ- ચાર વર્ષથી હિન્દુઓની બ્રાહ્મણ, ક્ષત્રિય, રઘુવંશી, પાટીદાર, વણિક,કોળીસમાજ આવા વિવધ સમાજોના સંગઠનો વધ્યાં છે. વ્હોટ્‌સએપ પર આવા જ્ઞાતિ પ્રશસ્તિના મેસેજીસ ફરતા થયા છે. આ બધાને ડામવાની ક્ષમતા જો શાસકો નહી ધરાવે તો વિશ્વ સત્તા બનવાના સપના જોવા નકામાં સાબિત થશે.છાશવારે જ્યાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાની જરૂર પડે ,જ્યાં સતત લોકો ભયના ઓથાર નીચે જીવતા હોય. જ્યાં રાજ્યે રાજ્યે અનેક જ્ઞાતિઓ ફૂટી નીકળતી હોય અને એ બધી જ જ્ઞાતિઓ મન ફાવે ત્યારે રસ્તાઓ પર ઉતરી જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતી હોય. વિદેશમાં પોતાનાં દેશના વડાપ્રધાન માટે જાહેરમાં ઉમટી પડીને લાખો- કરોડો રૂપિયા વહાવનારા લોકો પોતાની માંગ પૂરી ન થયે જો એ પૈસા પાછા માગવાની ધમકીઓ આપતી ઉઘરાણી કરતા હોય એ દેશના નાગરિકો,વડાપ્રધાન કે યૌવનધન પર વિશ્વાસ કરીને વિદેશી કંપનીઓ રોકાણ કરશે?સ્કુલ- કોલેજને બ્રોડબેન્ડથી જોડી દેવાની ભલે વાતો થતી હોય.જ્યાં વિદ્યાસહાયકો ફિક્સ પગારથી કામ કરતા હોય. જ્યાં સરકારી અધિકારીઓ ફેસ ડિટેકટરથી હાજરી પુરાવવાની હોય ત્યાં પણ હાજર ન રહેતા હોય. વર્ષે કરોડો રૂપિયાનો પગાર લેતા સરકારી કર્મચારીઓ લેઈટેસ્ટ ટેકનોલોજીના કોમ્પ્યુટર બેસીને કામ કરવાને બદલે ગેઈમ રમતા હોય. અબજો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ જો કુદરતી કે કૃત્રિમ આફતનાં સમયે ઉપકરણોનો ઉપયોગ કરીને પહેલા કે પછી આફત ટાળી શકાતી ન હોય તો ગમે તેવી ટેકનોલોજી લાવવાથી કોઈ ફેર નહીં પડે. માનસિકતા બદલાશે તો ફર્ક પડશે. આખી સિસ્ટમને રીબૂટ કરવી પડશે. જેમ સસ્તાં ફોન આવ્યા તેમ ઈન્ટરનેટ સસ્તું થવું જોઈએ. લોકોને તેના વપરાશ વિશેની સમજણ મળે તેવા પ્રયત્નો થવા જોઈએ. સાઈબર ક્રાઈમ પ્રિવેન્શન માટેની સ્ટ્રોંગ સિસ્ટમ હોવી જોઈએ. અંગત લાભ માટે જ્ઞાતિવાદ ભડકે નહી તેવા પ્રયત્નો થવાં જોઈએ.