આતંકવાદ વિરુદ્ધની લડાઈ કોઈ ધર્મ કે મુસલમાનો વિરુદ્ધ નથીઃ મોદી, કિંગ અબ્દુલ્લાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વિજ્ઞાન ભવનમાં ઈસ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં આતંકવાદ પર નિશાન સાધતા ભારતની બહુરંગી સંસ્કૃતિની પ્રશંસા કરી

એજન્સી દ્વારા નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વિજ્ઞાન ભવનમાં ઈસ્લામિક હેરિટેજ કોન્ફરન્સમાં આતંકવાદ પર નિશાન સાધતા ભારતની બહુરંગી સંસ્કૃતિની પ્રશંસા કરી હતી. જોર્ડનના કિંગ સામે બોલતા મોદીએ કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈ કોઈ પંથ વિરુદ્ધની લડાઈ સમજવી જોઈએ નહીં. આતંકવાદ સામેની લડાઈ કોઈ પંથ સામેની લડાઈ છે તેવી માનસિકતા અયોગ્ય છે.વડાપ્રધાને કહ્યું હતુંકે ભારતની સંસ્કૃતિ વિવિધતામાં એકતા ધરાવે છે અને તેમાં તમામ ધર્મોને વિકાસની તક મળી છે. જ્યારે જોર્ડનના કિંગ અબ્દુલ્લાહએ પણ કહ્યું હતું કે આતંકવાદની લડાઈ કોઈ ધર્મ કે મુસલમાનો વિરુદ્ધની લડાઈ નથી.જોર્ડનના કિંગે કહ્યું હતું કે મોહમ્મદ પયગંબરે માનવતા અને દયાનો સંદેશ આપ્યો હતો. આ મારો વિશ્વાસ છે અને હું તે વિશ્વાસને મારા બાળકોને શીખવાડી રહ્યો છું. આ જ વિશ્વાસ હું વિશ્વના ૧.૮ બિલિયન મુસ્લિમો પાસે લઈ જઈ રહ્યો છું. વિશ્વમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે તે કોઈ ધર્મ કે મુસલમાનો વિરુદ્ધ નથી. આ લડાઈ નફરત અને હિંસા સામેની લડાઈ છે. જે લોકો આતંકવાદની લડાઈનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે તેમને આપણે શોધી કાઢવા પડશે.
વડાપ્રધાને જોર્ડનના કિંગને કહ્યું હતું કે તમારૂ વતન અને અમારો મિત્ર દેશ જોર્ડન એક એવી પવિત્ર ભૂમિ પર વસેલો છે જ્યાંથી પયંગમ્બરો અને સંતોનો અવાજ દુનિયાભરમાં ગુંજ્યો છે. તમે પોતે વિદ્વાન છો અને ભારતને સારી રીતે જાણો છો. તમે સારી રીતે જાણો છો કે દુનિયાના તમામ ધર્મોનો વિકાસ ભારતમાં થયો છે. દુનિયાભરના ધર્મો અને મત ભારતની માટીમાં મોટા થયા છે. ભલે ભગવાન બુદ્ધ હોય કે પછી ગત શતાબ્દિના મહાત્મા ગાંધી હોય અહીંની આબોહવામાં તમામ લોકોએ જીવન મેળવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારો વારસો અને ધર્મોનો સંદેશ છે જેના દમ પર અમે હિંસા અને આતંકવાદ સામે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. માનવતા વિરુદ્ધ આંતકનો હુમલો કરનારા સમજતા નથી કે નુકસાન તે ધર્મનું થાય છે જેના માટે તેઓ લડતા હોવાનો દાવો કરી રહ્યા છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈ કોઈ પંથ સામેની લડાઈ નથી. આ તે માનસિકતા વિરુદ્ધ છે જે આપણા યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને હિંસાના માર્ગ પર લઈ જઈ રહ્યા છે.
વડાપ્રધાને મુસ્લિમ સમુદાયને જ્ઞાન-વિજ્ઞાન અને શિક્ષાને જોડવાની વાત કી હતી. તેમણે કહ્યું હતું કે અમારૂ સપનુ છે કે મુસ્લિમ યુવાનોના એક હાથમાં કુરાન હોય અને બીજા હાથમાં કોમ્પ્યુટર. અમે ઈચ્છીએ છીએ કે અમારા મુસ્લિમ યુવાનો આધુનિકરણ અને જ્ઞાન-વિજ્ઞાનની દુનિયા સાથે જોડાયેલા રહે અને ત્યાં પોતાની પ્રતિભાને બહાર લાવે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં છે અને આ ફક્ત રાજકિય વ્યવસ્થા નથી પરંતુ સમાનતા, વિવિધતા અને સામંજસ્યનો મૂળ આધાર છે.
મોદીએ ભારતની ગંગા-જમનાની સંસ્કૃતિની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે દર્શન અને ધર્મની વાત તો છોડી દો ભારતના જનમાનસમાં તમામ ધર્મોના આદરની ભાવના રહેલી છે. જૂની માન્યતાઓ મુજબ આ દિલ્હી ઈન્દ્રપ્રસ્થ છે અને સૂફિયાના કળાઓની ભૂમિ પણ છે. હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ અહીં છે. ભારતની વિવિધતામાં એકતાની સંસ્કૃતિનું પ્રવેશદ્વાર દિલ્હી છે. હાલમાં ભારતમાં હોળીનો રંગ ભરેલો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા બોદ્ધ નવવર્ષ અને આ મહિનાના અંતમાં ગુડ ફ્રાઈડ તથા બૌદ્ધ જયંતિ સમગ્ર દેશમાં મનાવવામાં આવશે. ત્યારબાદ રમઝાનનો પવિત્ર મહિનો આવશે અને તેના અંતમાં ઈદની ઉજવણી કરવામાં આવશે.