the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ માનવજાતનો અંત લાવશે

મહાન ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ)ના પ્રખર વિરોધી છે. એ માટે એમની પાસે પૂરતા કારણો છે. એમને ડર છે કે એ.આઈના પૂર્ણ વિકાસથી માનવજાતના અંતનો આરંભ થઈ શકે છે

વિશ્વમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધતું જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ) એટલે કૃત્રિમ રીતે વિકસાવેલી બૌદ્ધિક ક્ષમતા! આનો પ્રારંભ ૧૯પ૦ના દશકામાં થયો હતો. આનો મુખ્ય હેતુ કોમ્પ્યુટર્સ અને મશીન માણસની જેમ બૌદ્ધિક રીતે વર્તે એવી ટેકનોલોજી વિકસાવવાનો હતો. સામાન્ય ગણિતિક ગણતરીઓ કરી શકે એવા કમ્પ્યુટરથી શરૃ થયેલી આ યાત્રા ગેમ્સ, ઓટોમેટિક વાહનો, ડ્રોન્સ, ડ્રાઈવર વિનાની સેલ્ફ ડ્રાઈવિગ કાર, તબીબી નિદાન, સર્ચ એન્જીન્સ (દા.ત. ગુગલ), ઓનલાઈન આસિસ્ટન્સ, ફોટોમાં ઇમેજની ઓળખ, સ્પામ ફીલ્ટરીંગ અને ઓનલાઈન જાહેરાતોને ટાર્ગેટ કરવા સુધી પહોંચી ગઈ છે. તબીબી ક્ષેત્રે કેન્સરને ઓળખી એની ટ્રીટમેન્ટ કરવા સુધી એ.આઈનો વિકાસ થયો છે. ૧૯૯૭માં ચેસના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક એવા ગેર કાસ્પારોવને ડીપબ્લ્યુ નામના કોમ્પ્યુટરે ચેસમાં હરાવી દીધો હતો. ૧૧મી નવેમ્બરે ચીનમાં ઓનલાઈન વેચાણનો વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર અલીબાબાના માલિક જેક માએ એ.આઈને ત્રીજી ક્રાંતિ તરીકે ઓળખાવી છે.ઔદ્યોગિક ઉત્પાદનમાં એ.આઈનું પ્રમાણ વધી રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૂર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાન, તાઈવાન, ચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.એ.આઈ સંચાલિત યંત્રો/રોબોની ઘણીબધી ઉપયોગીતા છતાં કેટલાક વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ એનો વિરોધ કરી રહ્યા છે. અલીબાબાના માલિક જેક-માએ કહ્યું હતું કે આવનારા ૩૦ વર્ષોમાં યંત્રોની બુદ્ધિમત્તા માનવોની બુદ્ધિમત્તાને પછાડી દેશે જેનાથી વિશ્વભરમાં માણસો માટે નોકરીઓની અછત ઉભી થશે. એમણે કહ્યું હતું કે, ઓટોમેશન કે સ્વચાલનના પ્રભાવના કારણે શકય છે કે લોકોને દિવસભરમાં ચાર કલાક કે સપ્તાહમાં ચાર દિવસ જ કામ કરવું પડે. જેકમા તો અહીં સુધી માને છે કે એઆઈ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ પણ બની શકે છે. કેમ કે જ્યારે પણ તકનીકી ક્રાંતિ થઈ છે ત્યારે વિશ્વયુદ્ધ થયા છે. એમના અનુસાર એ.આઈ ત્રીજી ક્રાંતિ છે.મહાન ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ)ના પ્રખર વિરોધી છે. એ માટે એમની પાસે પૂરતા કારણો છે. એમને ડર છે કે એ.આઈના પૂર્ણ વિકાસથી માનવજાતના અંતનો આરંભ થઈ શકે છે. એકવાર માણસે એ.આઈનો વિકાસ કર્યો તો (એ.આઈ) પોતાની મેળે રિ-ડિઝાઈન કરી લેશે અને ઝડપથી આગળને આગળ વધતી જશે. માણસો જૈવિક ઉત્ક્રાંતિમાં ધીમા હોવાથી આ (એ.આઈ)ની ઉત્ક્રાંતિની સ્પર્ધા કરી નહીં શકે અને માનવજાતનું સ્થાન બૌદ્ધિકતા ધરાવતા યંત્રો લઈ લેશે.આ જ વાતને આગળ વધારતા હોકિંગે એક બીજી જગ્યાએ કહ્યું હતું કે ફેકટરીઓમાં ઓટોમેશનને લીધે લોકો બેરોજગાર થઈ રહ્યા છે. એ.આઈના કારણે બેરોજગારી ઘણી વધી શકે છે, જેનો સૌથી મોટો પ્રભાવ મધ્યમવર્ગ ઉપર પડશે.એમણે આ બાબતને વિનાશક બતાવી છે. એમના મતાનુસાર માત્ર ભાવનાત્મક, રચનાત્મક અને સુપરવિઝનવાળી નોકરીઓ જ માણસોના ભાગે આવશે. બાકી બધા કામ એ.આઈ દ્વારા કરવામાં આવશે. પોર્ટુગલની એક વેબ કોન્ફરન્સમાં હાલમાં જ સ્ટીફન હોકીંગે માનવજીવનમાં ટેકનોલોજીની વધતી દખલગીરી સામે ચિંતા વ્યકત કરતાં કહ્યું હતું કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને લઈને વધારે ઉત્સુક છીએ, પરંતુ આગામી પેઢી તેને માનવીય સભ્યતાના ઇતિહાસની સૌથી ખરાબ ઘટના તરીકે યાદ કરશે. તેનાથી બચવાની એક જ રીત છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે સાથે તેને માનવતા માટે ઊભા થનારા સંભવિત ખતરા વિશે પણ જાણીએ.. એ.આઈમાં આખી પૃથ્વીને નષ્ટ કરવાની શક્તિ છે તો સાથે જ મોટા રોગોની સારવાર કરવાની ક્ષમતા છે. એ.આઈ ભવિષ્યમાં માનવીને જ રિ-પ્લેસ કરી શકે છે અર્થાત્‌ માનવજાતને નષ્ટ કરી પોતે એનું સ્થાન લઈ લેશે.કમ્પ્યૂટરે માનવીઓને એક મોટી દિમાગી લડાઇમાં પરાજય આપ્યો છે. ગૂગલના આર્ટિફિશયલ ઇન્ટેલિજેન્સ પ્રોગામે ચીનની અઢી હજાર વર્ષ જૂની રમત ‘ગો’માં ત્રણ વખતના ચેમ્પિયન ફાનને હરાવી દીધો હતો. આ રમતને અત્યાર સુધી કમ્પ્યૂટર માટે સૌથી જટિલ માનવામાં આવતી હતી. ગૂગલના પ્રોજેક્ટ ડીપ માઇન્ડના અનુસાર તેના સોફ્ટવેરે પોતાના માનવી હરીફને શૂન્યના મુકાબલે પાંચ પોઇન્ટથી હરાવી દીધો હતો. ડીપ માઇન્ડના ચીફ એક્ઝિક્યૂટિવ ડેમિસ હૈસાબિસે જણાવ્યું હતું કે તેમનું આલ્ફા ગો સોફ્ટવેર ત્રણ તબક્કાની પ્રક્રિયામાં રમાયું હતું. તેમાં ત્રણ કરોડ મુવ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે માનવી રમી શકે છે.નિષ્ણાતોના અનુસાર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમતાની આ મોટી સફળતા છે અને તેના દૂરગામી પરિણામ મળશે. ડીપ માઇન્ડનો ઇરાદો હવે સિઓલ ખાતે માર્ચમાં વર્લ્ડના ટોચના ગો ખેલાડી લી સેડોલ સામે એલ્ફા ગો સોફ્ટવેરને રમાડવાનો છે. સેડોલ તથા કમ્પ્યૂટર વચ્ચે પાંચ મેચ રમાશે. આ સોફ્ટવેર પ્રત્યેક સરસાઇ સાથે વધારે મજબૂત બની રહ્યું છે અને પોતાની ભૂલોથી શીખી રહ્યું છે.૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે.અત્યારે સ્માર્ટ ફૉનથી જનતા ખૂબ જ ખુશ છે. તેમાંય હવે તો કી બૉર્ડમાં ટાઇપ કરવાં કેટલાક શબ્દો આપોઆપ આવી જાય છે. જીમેઇલમાં જવાબો હવે તૈયાર અપાય છે. આ બધું આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે. બધું ઑટોમેટિક. પરંતુ આ ખતરનાક પણ છે. એ.આઈ. અંગે નિષ્ણાતો વારંવાર ચેતવતા રહ્યા છે. નવી ચેતવણી એ છે કે આનાથી ઑટોમેટેડ હેકિંગ એટેક થઈ શકે, ડ્રાઇવર વિનાની કાર અથડાઈ શકે અથવા કૉમર્શિયલ ડ્રૉનને શસ્ત્રમાં બદલી શકે.કેમ્બ્રિજ, ઑક્સફર્ડ અને યેલ યુનિવર્સિટીના ૨૫ ટૅક્નિકલ અને પબ્લિક પૉલિસી સંશોધકોએ પ્રસિદ્ધ કરેલા અભ્યાસમાં આ ચેતવણી આપવામાં આવી છે. આ અભ્યાસમાં નિજતા (પ્રાઇવસી) તથા સેનાના નિષ્ણાતો પણ છે. તેમણે આ.ઇ.ના દુરુપયોગ સામે લાલબત્તી ધરી છે. અપરાધીઓ અને એકલ પેટા હુમલાખોરો (લૉન વુલ્ફ એટેકર) આ ટૅક્નૉલૉજીનો દુરુપયોગ કરી શકે છે.સંશોધકોએ કહ્યું કે આ.ઇ.ના દુરુપયોગના ઝળુંબતા પડકારો ડિજિટલ, ભૌતિક અને રાજકીય સુરક્ષા સામે છે. મોટા પાયાના, સારી રીતે લક્ષ્યાંકિત કરીને, ઉચ્ચ અસરકારકતાવાળા હુમલાઓ કરાવીને આ પડકારો ફેંકી શકાય છે. અભ્યાસે પાંચ વર્ષની અંદર થઈ શકે તેવા ઘટનાક્રમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ઑક્સફર્ડના ફ્યુચર ઑફ હ્યુમાનિટી ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક સંશોધક ફેલો માઇલ્સ બ્રુન્ડેજે કહ્યું કે “અમે બધા સંમત છીએ કે આ.ઇ.ની ઘણી બધી સકારાત્મક ઉપયોગિતા છે. પરંતુ તેના દુરુપયોગની સંભાવના અંગેના સાહિત્યમાં અંતર છે.”આ.ઇ.માં કમ્પ્યૂટરોનો ઉપયોગ એવાં કામો કરવામાં કરાય છે જે સામાન્યતઃ માનવ બુદ્ધિમતાથી કરાય છે. તેમાં નિર્ણય લેવાનો કે ભાષા, લખાણ કે દૃશ્યાત્મક છબીઓ ઓળખવાની વાત હોઈ શકે છે. તમામ પ્રકારની ટૅક્નિકલ સંભાવનાઓને ખોલવા માટે તે શક્તિશાળી બળ છે તેમ મનાય છે પરંતુ વ્યાપક ઑટોમેશનના પરિણામે બેરોજગારી અને અન્ય સામાજિક વિખવાદો પણ મોટા પાયે સર્જાઈ શકે છે કે કેમ તેની વિશ્વસ્તરે ભીષણ ચર્ચા છેડાઈ ગઈ છે.૯૮ પાનાના પત્રમાં ચેતવણી અપાઈ છે કે આ.ઇ.ના કારણે હુમલા પાછળ થતો ખર્ચ ઘટી જાય છે. નહીંતર હુમલામાં મજૂરો અને નિષ્ણાતોને જોડવા પડે. હવે હુમલા થશે તો એવા થશે જે કદાચ એકલા માનવને કરવા અઘરા જ નહીં, અશક્ય હોઈ શકે. અને આ હુમલા આ.ઇ.નો દુરુપયોગ કરીને થઈ શકે છે.આ પત્રએ આ.ઇ. દ્વારા ઊભા થયેલાં સુરક્ષા જોખમો અંગે એકેડેમિક રિસર્ચની સમીક્ષા કરી છે અને સરકારો, નીતિ તેમજ ટૅક્નિકલ નિષ્ણાતોને આ જોખમો ઘટાડવા માટે સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો છે.સંશોધકોએ આ.ઇ.ની શક્તિનું વર્ણન કર્યું છે કે કઈ રીતે આ.ઇ.ના લીધે વ્યક્તિઓની ડુપ્લીકેટ થઈ શકે છે જે તેના જેવી જ છબી ધરાવતી, લખાણ અને ધ્વનિ ધરાવતી હોઈ શકે છે, તેના કારણે લોકમત બદલી શકાય છે, અને સરમુખત્યારશાહી વાળા દેશો આ ટૅક્નૉલૉજીનો દુરુપયોગ કરી શકે છે.આ અહેવાલ અનેક ભલામણો કરે છે જેમાં આ.ઇ.નો ઉપયોગ સેનામાં કે વ્યવસાયિક કરવામાં નિયંત્રણો મૂકવાનો સમાવેશ થાય છે. તેમાં પ્રશ્નો પણ પૂછાયા છે કે એકેડેમિક્સ અને અન્યોએ તેઓ આ.ઇ.ના નવા ઘટનાક્રમ અંગે જે પ્રકાશિત કરે છે અને જાહેર કરે છે તેના પર અંકુશ મૂકવો જોઈએ કે કેમ.બ્રુન્ડેજે કહ્યું કે અંતે અમે નિરાકરણ પર આવવાના બદલે વધુ પ્રશ્નો જ સર્જી શક્યા. ગયા વર્ષના ઉત્તરાર્ધમાં કથિત ‘ડીપફૅક’ પૉર્નોગ્રાફિક વિડિયો ઑનલાઇન આવવા લાગ્યા હતા જેમાં સેલિબ્રિટીઓના ચહેરા અલગ શરીર પર ફિટ કરી દેવાયા હતા. આમ, ટૅક્નૉલૉજીના દુરુપયોગના ગંભીર પડકારો છે જ.