‘આશાબહેને આંખમાં આંખ પરોવીને એવું કહ્યું કે મને ઊંઘ ન આવી’:સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આજે ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલના ઉચ્ચારણો અંગે ઉલ્લેખ કરીને ગૃહને જણાવ્યું હતું કે, આશાબેને આંખમાં આંખ નાંખીને બોલેલા શબ્દોને કારણે હું આખી રાત ઊંઘી શક્યો નથી. જો આવા શબ્દો જાહેરમાં બોલવામાં આવ્યા હોત તો ખૂન ખરાબા થઈ શકે છે. અધ્યક્ષના આવા ઉચ્ચારણોથી ગૃહમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. માત્ર એટલું જ નહીં, અધ્યક્ષની આ વાતથી મુખ્યમંત્રીથી માંડીને વિરોધ પક્ષના સભ્યો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આશા બેને કહેલા શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

ધાનાણીએ કરી આશા બેનનું સસ્પેન્શન પાછું ખેંચવા માગ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ બાદ ઝીરો અવરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલને બે દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા અંગેના અધ્યક્ષના નિર્ણયનો મુદ્દો ઉપસ્થિત કરી સસ્પેન્શન પાછું ખેંચવા માટેની માગણી કરી હતી .

સસ્પેન્શન પાછું ખેંચવા અધ્યક્ષ ના થયા તૈયાર

પરેશ ધાનાણીના આ મુદ્દાની ગૃહમાં લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષના સભ્યો અને સત્તા પક્ષના સભ્યોએ સંસદીય બાબતોની ટાંકીને સસ્પેન્શન અંગેની ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગઈકાલે ગૃહમાં ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ કરેલા ઉચ્ચારણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આશાબેન પટેલે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો અને મારી આંખોમાં આંખ પરોવી જે બોલ્યા હતા તેના કારણે હું આખી રાત ઊંઘી શક્યો નથી. જો આવા શબ્દો જાહેરમાં બોલાયા હોય તો ખૂન ખરાબા થઈ શકે તેથી આશાબેનનું સસ્પેન્શન પાછું ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી.