the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

આ વખતે રાતા પાણીએ રડાવશે ગરમી

માર્ચ મહિનો શરૂ જ થયો છે ત્યાં ગરમીએ તેનું રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આગામી દિવસોમાં વધુ કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ મહિનામાં ઉત્તર ભારતમાં ભિષણ ગરમી પડશે. માર્ચથી મે મહિના દરમિયાન તાપમાન છેલ્લા ૫૦ વર્ષોની સરખામણીમાં સામાન્ય કરતા ૧ ડિગ્રી સેલ્સિયસ વધારે રહેશે.ઉત્તર ભારતમાં સૌથી વધારે ગરમી પડવાની શક્યતા છે. તેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં સામાન્ય કરતા ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારે તાપમાન નોંધાશે. જ્યારે ઠંડી માટે જાણીતા હિમાચલ પ્રદેશ એન ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ સામાન્ય કરતા ૨.૩ ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન નોંધાઈ શકે છે.
દક્ષિણ ભારતમાં ઉત્તર ભારત જેટલો ગરમીનો પ્રકોપ સહન કરવાનો વારો નહીં આવે. તેમ છતાં પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં ધારણા કરતાં અડધો ડિગ્રી વધારે ગરમી રહેશે. હવામાન વિભાગની આ આગાહીથી એ બાબત તો સ્પષ્ટ છે કે ઉત્તર ભારતમાં આ વખતે ગરમીનો પારો વધારે ઉંચો જશે.દિલ્હીમાં આમ પણ ગરમીનો મીજાજ આકરો જ હોય છે. પરંતુ આ વખતે ઉત્તર ભારતમાં તાપમાન સામાન્ય કરતા ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારે રહેવાનું અનુંમાન છે. પરંતુ દિલ્હી અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં તો તાપમાન સામાન્ય કરતા ૧.૮ ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાય તેવું અનુંમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે માર્ચ થી મે મહિના વચ્ચે ‘હિટ વેવ ઝોન’માં તાપમાન તેના સર્વોચ્ચ સ્તર પર પહોંચે તેવી ૫૨ ટકા શક્યતા છે. આ ઝોનમાં દિલ્હી સહિત હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.મુંબઈમાં ગરમીએ અત્યારથી તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય રહે છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં છેલ્લા દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું હતું. મુંબઈ, રત્નાગિરી અને રાયગઢના ભીરામાં તાપમાન આ દિવસોમાં સામાન્ય કરતા ૫ ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું. હવામાન વિભાગનો અંદાજ છે કે મુંબઈ અને આસપાસના સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં ગરમ હવાઓનો સામનો કરવો પડી શકે છે. આઈએમડી મુંબઈના વૈજ્ઞાનિક અજય કુમારનું કહેવું છે કે, ગત રવિવારથી જ તાપમાને તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. ગઈ કાલે બુધવારે મુંબઈના કોલાબામાં તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૩.૫ ડિગ્રી સેલ્સિયસથી વધારે હતું.ઘરમાં, કારમાં અને ઓફિસમાં જે લોકો પાસે એસી છે એના માટે ગરમીનો પારો ટીવી અથવા તો મોબાઇલના સ્ક્રીન પર જોવાતો એક આંકડો છે. ઓહ, કેવી ગરમી છે નહીં? બધા લોકોના નસીબમાં આવી જાહોજલાલી નથી હોતી, એ લોકો તો ગરમીથી બચવા દેશી નુસખાઓ શોધે છે. મા કાચી કેરી અને ડુંગળીનું છીણ કરી આપે છે. છાશ અથવા ગોળનું પાણી ટિફિન સાથે લઇ જવાય છે. કોઇ વળી રૂમાલ ભીનો કરીને માથે બાંધી દે છે. સ્કિન કાળી ન પડી જાય એ માટે છોકરીઓ માથે દુપટ્ટો બાંધી દે છે અને હાથમાં ખભા સુધીના ગ્લોવ્ઝ પહેરી લે છે. હેલ્મેટ તો માથે ગરમાગરમ કૂકર મૂકી દીધું હોય એવો ત્રાસ આપે છે. બહાર જવું તો પડે ને. સેલ્સમેન કે ડિલિવરી બોય માટે આ કપરો સમય છે. હોમ ડિલિવરી વધી જાય છે, આવી ગરમીમાં બહાર કોણ નીકળે?બધા લોકો પોતપોતાના વિસ્તારના વાતાવરણની વાતો કરે છે. અમદાવાદ સિટીમાં તો અડધી રાતે પણ બફારો લાગે છે. જોકે બોપલ કે ઘુમામાં થોડીક ઠંડક હોય છે. રાજકોટવાળા કહેશે કે દિવસે ભલે ગમે એટલી ગરમી પડે, રાતે તો અમારે ત્યાં ઠંડક થઇ જ જાય. સુરતવાસીઓ માટે દરિયો નજીક છે એટલે ટેમ્પરેચર થોડુંક ઓછું હોય છે. વાતો કરવાનો સૌથી મોટો વિષય જ ગરમી છે.
ગરમીથી બચવાના ઉપાયો ચર્ચાતા રહે છે. શું ખાવું અને શું પીવું એની વાતો થતી રહે છે. મેડિકલ જગતના લોકો પણ પ્રિકોશનરી મેઝર્સ બતાવતાં રહે છે.
આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર પાણી તો પીવું જ જોઇએ. કિડનીની બીમારી હોય તો ૬ થી ૮ લિટર પાણી પીવું. આખું શરીર ઢંકાય એવાં સુતરાઉ કપડાં પહેરવાં જોઇએ. એસીમાંથી સીધું તડકામાં ન જવું એવી જ રીતે તડકામાંથી સીધા એસીમાં ન જવું. બોડીને જરાક સેટલ થવા દેવું. બહારથી આવીને તરત જ ઠંડું પાણી પણ ન પીવું. આ સિવાય બીજા જે પરંપરાગત નુસખાઓ છે એ અપનાવવા જોઇએ. ગરમી સામે લડવાનો એક માત્ર ઉપાય એ જ છે કે શરીરને એવી રીતે તૈયાર કરવું કે વાંધો ન આવે.ગરમી તો વધતી જ જાય છે એવું સતત સાંભળવા મળે છે. જોકે ગરમી તો પહેલાં પણ પડતી હતી. હવે કદાચ થોડીક વધુ પડે છે. કદાચ આપણે થોડાક વધુ કૂણા થઇ ગયા છીએ. લાઇફ સ્ટાઇલ પણ બદલાઇ છે. ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, ઓઝનનું પડ, સૂરજનાં સીધાં જ કિરણો અને ગ્રીનહાઉસ ગેસ જેવાં કારણો અપાતાં રહે છે. કારણો એ ઉપાય નથી. ઉપાય તો એક જ છે કે કાળજી રાખવી. ધ્યાન ન રાખીએ તો સનસ્ટ્રોક લાગી જાય અને આપણી હાલત દયાજનક થઇ જાય!
લૂ લાગી જાય તો માણસનું મોત પણ થઇ શકે છે. બાય ધ વે, આ લૂ કેમ લાગે છે? ચલો, સરળ ભાષામાં થોડુંક સમજી લઇએ. આપણા શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી હોય છે. ફેરનહીટમાં કહીએ તો ૯૮.૬ હોય છે. શરીરનું તાપમાન વધે અને થર્મોમીટર ૯૮.૬થી વધુ બતાવે તો આપણે કહીએ છીએ કે તાવ આવ્યો છે. એક આડ વાત.
મેડિકલ સાયન્સ એમ કહે છે કે તાવ એ કોઇ રોગ નથી પણ રોગનું લક્ષણ છે. વધુ તાવ એ કોઇ બીજા રોગની વધુ તીવ્રતા બતાવે છે.આપણા શરીરમાં એવી કુદરતી રચના છે કે અમુક ગરમી સુધી આપણને ટકાવી રાખે. ગરમી વધે એટલે શરીરનું પાણી પરસેવારૂપે બહાર આવે છે અને શરીરનું તાપમાન મેઇનટેઇન રાખે છે. ગરમી જો ૪૫ ડિગ્રી જેટલી થાય તો શરીરની કુદરતી રીતે ઠંડા થવાની પ્રક્રિયા અવરોધાય છે. શરીરનું તાપમાન ૩૭ ડિગ્રીથી વધવા માંડે છે. શરીરનું તાપમાન જો ૪૨ ડિગ્રી થઇ જાય તો લોહી ગરમ થવા લાગે છે. લોહીમાં રહેલું પ્રોટીન ઊકળવા લાગે છે. સ્નાયુઓ કડક થઇ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. લોહી જાડું થાય છે. પ્રેશર ઘટે છે. મગજમાં લોહીનો પુરવઠો પહોંચતો નથી. માણસ ચક્કર ખાઇને પડી જાય છે. લૂની અસર વધુ હોય તો શરીરનાં અંગો એક પછી એક કામ કરતાં બંધ થઇ જાય છે, અને મોત થાય છે. જોકે આ તો એક્સસ્ટ્રીમ સ્થિતિ છે. બધાને આવું ન થાય. એ પહેલાં તો રાહત મળે એવું કંઇક માણસ કરી લેતો હોય છે, હા, ઝાડા-ઊલટી કે ચક્કર આવી જવાં જેવું થઇ શકે છે. બેસ્ટ અને સાવ સરળ ઉપાય એ છે કે પૂરતું પાણી પીતા રહો.હવે થોડીક ગરમીની માનસિક અસરો વિશે વાત કરીએ. ઘણાને રાતા-પીળા જોઇને આપણે કહીએ છીએ કે એના મગજમાં ગરમી ચડી ગઇ છે, હા ખરેખર ગરમી મગજમાં ચડી જતી હોય છે. માણસનું કોઇ કારણ વગર અથવા તો સાવ સામાન્ય કારણોસર મગજ છટકે છે. જાણીતા સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, વધુ પડતી ગરમીથી ઇમોશન રેગ્યુલેટરી સિસ્ટમ ખોરવાય છે. પર્સનાલિટી ડિસઓર્ડર, મૂડ સ્વિંગ, સ્ક્રિન્ઝોફેનિયા અને બીજી કેટલીક બીમારીથી પીડિત લોકો વધુ આક્રમક બની જાય છે. સામાન્ય માણસો પણ ગરમીને લીધે મગજનું બેલેન્સ ગુમાવે છે. તેનું કારણ એ છે કે ગરમીથી મગજનાં રસાયણોમાં ફેરફાર થાય છે અને માણસ નાની-નાની વાતમાં ચીડાઇ જાય છે ને ઝઘડા ઉપર ઊતરી આવે છે.
તમે માર્ક કરજો. રોડ ઉપર કોઇ વાહન સાથે સામાન્ય ટચ થાય કે કોઇએ ખોટી રીતે વાહન પાર્ક કર્યું હોય તો પણ ગરમીમાં આપણું મગજ છટકે છે. આવા સમયમાં બને ત્યાં સુધી આર્ગ્યુમેન્ટમાં ન પડવું કારણ કે ગરમીની અસર સામા માણસને પણ થતી જ હોય છે. વાતનું વતેસર થઇ જતાં વાર નથી લાગતી! એમાં પણ જે લોકોને વધુ પડતો ગુસ્સો આવતો હોય એણે પોતાની મેળે જ પોતાના માટે સેલ્ફ વોર્નિંગ સિસ્ટમ ડેવલપ કરવી જોઇએ અને પોતાની જાતને કહેતા રહેવું જોઇએ કે તારે ગુસ્સો કરવાનો નથી. આંખને બ્રેઇન સાથે સીધો સંબંધ છે એટલે સારા માયલા ગોગલ્સ પહેરી રાખવાની પણ ડોક્ટર સલાહ આપે છે.અગાઉના સમયમાં પાઘડી કે ટોપી પહેરાતી, બહેનો માથે ઓઢતી, લોકો ફાળિયું બાંધતા એટલે ગરમીથી રક્ષણ મળતું હતું. હવે સમય બદલાયો છે એટલે રક્ષણના રસ્તા પણ બદલાયા છે. ગરમી સામે ફરિયાદો કરવાથી ગરમી ઘટવાની નથી કે એની અસર પણ ઓછી નથી થવાની. પચાસ ડિગ્રી કરતાં પણ વધુ ગરમી જ્યાં પડે છે ત્યાં પણ માણસો આરામથી રહે છે. જરૂર હોય છે, થોડીક સાવધાની વરતવાની.ગરમીથી બચવા ઘણા લોકો બપોરના સમયે મોલમાં ચાલ્યા જાય છે એવી મજાક પણ થાય છે. નથિંગ રોંગ. ભલેને જાય. ઘરે એસી ન હોય અને ઓફિસ સેન્ટ્રલી એસી હોય ત્યારે કર્મચારીઓ ઓફિસે વહેલા પહોંચી જાય છે અથવા તો ઓફિસમાં ગયા પછી બહાર ભટકવાનું ટાળે છે. બધા પોતપોતાની રીતે રાહત મેળવવાના પ્રયાસો કરતા રહે છે. બસ એ જ તો ગરમી સામે લડવાનો બેસ્ટ ઉપાય છે. આમ તો કુદરતે આપણા શરીરમાં જ એટલી ક્ષમતા મૂકી છે કે અમુક હદ સુધી આપણે સર્વાઇવ થઇ જઇએ. બાકીનું ધ્યાન આપણે રાખવાનું.