ઇરાકમાં લાપત્તા ૩૯ ભારતીય લોકોના મોત થઇ ચુક્યા : સુષ્મા

લોકસભામાં નિવેદન કરીને સુષ્માએ કબૂલાત કરતા આઘાતનું મોજુ
ઇરાકમાં લાપત્તા ૩૯ ભારતીય લોકોના મોત થઇ ચુક્યા : સુષ્મા
ભારતીયોને બચાવવા, તેમને ભારત લાવવાના અભૂતપૂર્વ પ્રયાસો થયા હતા વ્યાપક ટેસ્ટ બાદ ભારતીય હોવાની ખાતરી : તમામના મૃતદેહ ભારત લાવશે

નવીદિલ્હી, તા. ૨૦
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઇરાકમાં લાપત્તા થયેલા ૩૯ ભારતીયોના મોત અંગે વાત કરતા આઘાતનું મોજુ ફરી વળ્યું છે. ૩૯ ભારતીયોના મોતના અહેવાલને આજે સમર્થન આપી દેવામાં આવ્યું હતું. આ લોકોના મોતના સમર્થન બાદ ઉઠી રહેલા પ્રશ્નો અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પત્રકાર પરિષદ યોજીને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સુષ્મા સ્વરાજે લોકસભામાં આની સાથે જોડાયેલા પોતાના નિવેદન વેળા વિપક્ષી સભ્યો અને ખાસ કરીને કોંગ્રેસના ધાંધલ ધમાલને હળવી કક્ષાની રાજનીતિ તરીકે ગણાવી હતી. તેઓએ વિપક્ષની સંવેદનહિનતા માટે કોંગ્રેસ માટે પ્રહારો કર્યા હતા. સુષ્મા સ્વરાજે લાપત્તા ભારતીયોના સંદર્ભમાં દેશને અંધારામાં રાખવા અને મોડેથી આક્ષેપોનો જવાબ આપવા બદલ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. વિપક્ષના પ્રહાર બાદ સુષ્મા સ્વરાજે આના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૩૯ પૈકી ૩૮ મૃતદેહને લાવવા માટે વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ ઇરાક જશે. ૩૯ ભારતીયોના મોતને લઇને ધાંધલ ધમાલનો દોર જારી રહ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે પણ પ્રહારો કર્યા હતા. સુષ્માએ કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો હળવી રાજનીતિ રમી રહ્યા છે. મોત પર રાજનીતિ કમનસીબ છે. રાજ્યસભામાં દરેક વ્યક્તિએ તેમની વાતને ગંભીરતાપૂર્વક સાંભળી હતી. દરેક વ્યક્તિએ શ્રદ્ધાંજલિ આપી હતી. લોકસભામાં પણ આવું થશે તેમ તેઓ માની રહ્યા હતા પરંતુ આજે કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાના નેતૃત્વમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. સુષ્મા સ્વરાજ આજે લોકસભામાં ઇરાકમાં માર્યા ગયેલા ૩૯ ભારતીયોના મોત અંગે માહિતી આપી રહ્યા હતા ત્યારે વિપક્ષે ધાંધલ ધમાલ કરીને સ્થિતિને વધારે બગાડી હતી. વિપક્ષની ધાંધલ ધમાલથી સ્પીકર પણ દુખી દેખાયા હતા. તેઓએ સંવેદનશીલતા જાળવવા અપીલ કરી હતી. સુષ્માએ કહ્યું હતું કે, ૨૦૧૪ની ઘટના છે. જૂન મહિનાની અને આજે ૨૦૧૮નો ગાળો છે. આ ગાળા દરમિયાન અમે તમામ પ્રયાસો કરી રહ્યા હતા. જે કંઇ પણ શક્ય હતું તે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને બનતા તમામ પ્રયાસો કર્યા હતા. તેઓએ પોતે વિદેશમંત્રીઓ સાથે વાત કરી હતી. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે જ્યાં સુધી પુરાવા મળશે નહીં ત્યાં સુધી અમે લાપત્તા ભારતીયોને મૃતક તરીકે ગણી શકીએ નહીં. જ્યારે પુરાવા હાથ લાગ્યા છે ત્યારે આની કબૂલાત કરી રહ્યા છે. સુષ્માએ પીડિત પરિવારો તરફથી મુકવામાં આવેલા આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પરિવારવાળાને પહેલા કેમ જાણ કરવામાં આવી નથી. તેવા પ્રશ્નનો જવાબ એ છે કે, સંસદની આ પરંપરા રહી છે. સત્ર ચાલે ત્યારે મહત્વની માહિતી સંસદ સત્રમાં આપવામાં આવે છે. તેમણે પહેલા જ કહ્યું હતું કે, જેમ જ કોઇ પુરાવા હાથ લાગશે સત્રમાં માહિતી આપવામાં આવશે. લાખો મૃતકોમાંથી ભારતીય મૃતકોની ઓળખ કઇ રીતે થઇ તેવા પ્રશ્નના જવાબમાં સુષ્માએ કહ્યું હતું કે, જ્યારે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે આની માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મોસુલની મુક્તિના ૨૦-૨૫ દિવસ બાદ પણ જ્યારે ભારતીયો અંગે માહિતી ન મળી ત્યારે મૃતદેહોની તપાસનો નિર્ણય કર્યો હતો જેથી ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઇરાકી વિદેશમંત્રીને અપીલ કરવામાં આવી હતી જેથી તેઓએ ડીએનએ સેમ્પલ આપવાની વાત કરી હતી. પશ્ચિમ બંગાળ, હિમાચલ, પંજાબ અને બિહાર ચારેય રાજ્યોથી પરિવારના સભ્યોના ડીએનએ એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુષ્માએ એમ પણ કહ્યું હતું કે, લાપત્તા ભારતીયોના મૃતદેહ કબ્રસ્તાનમાં મળ્યા નથી. બલ્કે એક પહાડી વિસ્તારમાં મળ્યા છે. આ માહિતી એ વખતે મળી જ્યારે વીકેસિંહ બદુશ ગયા હતા. તેમને જાણવા મળ્યું કે, એક પહાડી ઉપર અનેક મૃતદેહોની દફનવિધિ કરવામાં આવી છે. ઇરાકી સરકારને આમા તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરવામાં આવી ત્યારે પહાડી વિસ્તારમાં દફનવિધિના સ્થળે નીચે મૃતદેહ છે. ત્યારબાદ ખોદકામની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાં દફનવિધિ કરવામાં આવેલા લોકોની સંખ્યા ૩૯ હતી. કેટલાક લાંબા વાળ નિકળ્યા હતા. આનાથી જાણવા મળ્યું કે, આ લોકો ભારતીય હોઇ શકે છે. ત્યાંથી મૃતદેહોને બગદાદ લાવવામાં આવ્યા હતા. માસગ્રેવ માટે આપવામાં આવેલા ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવા કહેવામાં આવ્યું હતું. સૌથી પહેલા મેચ સંદીપકુમાર નામના વ્યક્તિની થઇ હતી. ધીમે ધીમે તમામ મેચ થતાં રહ્યા હતા. ગઇકાલે રાત્રે જ અમને કહેવામાં આવ્યું હતું કે, ૩૮ ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ૩૯માંનો ડીએનએ ટેસ્ટ થયો નથી. કારણ કે, મૃતકના માતા-પિતા ન હતા. નજીકના સંંબંધીના ડીએનએ મેચ કરવામાં આવ્યા હતા. સુષ્માએ કહ્યું હતું કે, અમે દેશને અંધારામાં રાખી રહ્યા નથી. ગેરમાર્ગે દોરવાના પ્રયાસ પણ કરી રહ્યા નથી. કોઇના પણ ૩૮ મૃતદેહ લાવવાનું પાપ કરવા માંગતા નથી. ૧૦૦ ટકા ખાતરી કરવામાં આવી છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, તેઓએ બે વખત સંસદમાં નિવેદન કર્યું હતું. ખોટી કોઇ ખાતરી પણ આપવામાં આવી ન હતી. અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવ્યા હતા. મોકુલની મુક્તિ બાદ વીકે સિંહ ત્રણ વખત ઇરાક ગયા હતા. ૯મી જુલાઈ ૨૦૧૭ના દિવસે મોસુલ મુક્ત થયું ત્યારે ૧૦મીએ વીકે સિંહ પહોંચી ગયા હતા. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ભારત એવું પ્રથમ દેશ છે જે આઈએસના હાથે માર્યા ગયેલા તમામ લોકોના મૃતદેહને સ્વદેશ લાવી રહ્યું છે.