the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઉત્સુકતા વચ્ચે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પરિપૂર્ણ

અંધાધૂંધી વચ્ચે ગુજરાત કલબ ખાતેનું મતદાન રદ
ઉત્સુકતા વચ્ચે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પરિપૂર્ણ
ઇતિહાસમાં સૌપ્રથમવાર મતદાન રદની ઘટના બની ગઇ મતદાન બાદ ૯૯ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ

અમદાવાદ,તા. ૨૮
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે ભારે ઉત્તેજનાભર્યા અને ઉત્સાહના માહોલ વચ્ચે ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી અને અત્યંત રસાકસીભરી ચૂંટણી યોજાઇ હતી. સમગ્ર રાજયમાં બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. જો કે, ભદ્ર ખાતેના ગુજરાત કલબના મતદાન મથક પર વકીલોની ભારે ભીડ, અંધાધૂંધી અને અવ્યવસ્થાને લઇ એક તબક્કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઓર્બ્ઝર્વર દ્વારા એક કલાક સુધી મતદાન અટકાવાયું હતુ પરંતુ પરિસ્થિતિ નહી સુધરતાં આખરે બીસીઆઇના ઓર્બ્ઝર્વર એવા નિવૃત્ત હાઇકોર્ટ જજ ડી.કે.ત્રિવેદી દ્વારા વ્યથિત હૃદયે ગુજરાત બાર કાઉન્સીલના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ મતદાનમથકનું મતદાન આખરે રદ જાહેર કરાયું હતું. હવે મતગણતરીની તારીખ ૭મી એપ્રિલ પહેલાના કોઇપણ દિવસે આ મતદાનમથકનું મતદાન યોજવામાં આવશે. રાજયભરના વકીલઆલમમાં આજે માત્ર બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ચૂંટણીની જ ચર્ચા ચાલી હતી. આ સાથે જ ૯૯ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા છે. હવે તા.૭મી એપ્રિલથી બાર કાઉન્સીલની આ ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. ભદ્ર કોર્ટ સ્થિત ગુજરાત કલબ ખાતેના મતદાન મથક પર આજે વકીલોના મતદાન દરમ્યાન ડુપ્લીકેટ મતદાર સ્લીપો રીતસરની મતદાનમથકની બહાર ફરતી હતી, જો જોઇ ચૂંટણી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. એટલું જ નહી, ગુજરાત કલબ ખાતેના મતદાન મથકે બપોરના સમયે વકીલોની ભારે ભીડ અને અરાજકતા જોવા મળી હતી. મતદાન મથકમાં મતદાન કર્યા બાદ પણ કેટલાક વકીલો અંદર જ ઉભા રહી જતા હતા, તો કેટલાક ઉમેદવારોના પોલીંગ એજન્ટ એકથી વધુ તૈનાત કરાયા હતા.
મતદાનમથક પર ચૂંટણી કમિશનર તરફથી જારી કરાતી સૂચના અને નિર્દેશોનું પણ ખુદ ચૂંટણી સ્ટાફ દ્વારા જ પાલન કરવામાં આવતુ ન હતું, જેના કારણે આખરે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ઓર્બ્ઝર્વર અને નિવૃત્ત હાઇકોર્ટ જજ ડી.કે.ત્રિવેદી દ્વારા એક બહુ બાહોશીભર્યો નિર્ણય લઇ આ સમગ્ર બુથનું જ મતદાન રદ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. જેને લઇ વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ગુજરાત કલબનું મતદાન રદ થતાં રાજયભરના વકીલઆલમમાં આ મામલો બહુ મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. નિવૃત્ત હાઇકોર્ટ જજ ડી.કે.ત્રિવેદી દ્વારા આજની સમગ્ર ઘટનાને લઇ વિગતવાર રિપોર્ટ પણ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને મોકલી અપાયો હતો. ગુજરાત કલબ ખાતેના મતદાન મથકનું મતદાન રદ થતાં આશરે ૧૨ હજારથી વધુ વકીલોને ફરીથી મતદાન કરવું પડશે. બીજીબાજુ, ગુજરાત હાઇકોર્ટ ખાતેના મતદાન મથક પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. આ જ પ્રકારે રાજયના ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના જિલ્લા-તાલુકા કક્ષાના મતદાન મથકો પર પણ વકીલોએ આજની બાર કાઉન્સીલની ચૂંટણીમાં ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત બાર કાઉન્સીલની આજની ચૂંટણીને લઇ વકીલ ઉમેદવારોમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળતો હતો. રાજયભરમાં આશરે ૧૩૮થી વધુ મતદાનમથકો પર આજે મતદાન યોજાયું હતું. અમદાવાદમાં ભદ્ર કોર્ટ સ્થિત ગુજરાત કલબ અને ગુજરાત હાઇકોર્ટના ખાતેના મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જો કે, ભદ્ર કોર્ટ સ્થિત ગુજરાત કલબ ખાતેના મતદાન મથક પર બપોરે એકાએક પરિસ્થિત બગડી હતી અને મતદાન દરમ્યાન ભારે અવ્યવસ્થા, અંધાધૂંધી અને અરાજકતાના દ્રશ્યો સર્જાયા હતા. એટલે સુધી કે, બોગસ-ડુપ્લીકેટ મતદાર સ્લીપો મતદાનથકની બહાર ફરતી જોવા મળતી હતી. વકીલોની ભારે ભીડ અને અવ્યવસ્થા કાબૂમાં નહી આવતાં આખરે બીસીઆઇના ઓર્બ્ઝર્વર નિવૃત્ત હાઇકોર્ટ જજ ડી.કે.ત્રિવેદીએ ગુજરાત કલબ ખાતેના મતદાન મથકનું આજનું મતદાન જ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેને લઇ વકીલઆલમમાં સોપો પડી ગયો હતો. બાર કાઉન્સીલની આજની ચૂંટણી દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ભાજપના પૂર્વ સાંસદ/ધારાસભ્ય વિજયભાઇ એચ.પટેલ, અનિલ સી.કેલ્લા, મનોજ અનડકટ, બકુલેશ પંડયા, ગુલાબખાન પઠાણ સહિતના સંખ્યાબંધ ઉમેદવારો વિવિધ મતદાન મથકો પર જોવા મળતા હતા અને વકીલ મતદારોનો મતદાન કરવા બદલ આભાર માનતા નજરે પડતા હતા. જો કે, ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઇ મતદાન મથકનું અને એ પણ અમદાવાદના ભદ્ર સ્થિત ગુજરાત કલબ ખાતેના મતદાન મથકનું મતદાન જ રદ કરાયુ હોય તેવી ઘટના સામે આવી હતી, જેને લઇ વકીલઆલમમાં જોરદાર ચર્ચા ચાલી હતી.