એસસી-એસટી એક્ટમાં તરત ધરપકડ ઉપર આખરે પ્રતિબંધ

જોગવાઈમાં જામીનને પણ સુપ્રીમ કોર્ટે આખરે મંજુરી આપી દીધી
એસસી-એસટી એક્ટમાં તરત ધરપકડ ઉપર આખરે પ્રતિબંધ
એસસી-એસટી એક્ટના આડેધડ ઉપયોગને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી : પોલીસને ૭ દિનની અંદર તપાસ કરી પગલાઓ લેવા જોઇએ : સુપ્રીમ

નવીદિલ્હી, તા. ૨૧
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી એક્ટના બિનજરૂરી ઉપયોગને લઇને ચિંતા વ્યક્ત કરીને તેના હેઠળ નોંધવામાં આવતા મામલામાં તરત ધરપકડ ન કરવા માટેનો આદેશ જારી કર્યો છે. આ ઉપરાંત એસસી એસટી એક્ટ હેઠળ દાખલ કરવામાં આવનાર કેસોમાં જામીનને પણ મંજુરી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કાયદા હેઠળ નોંધવામાં આવેલા મામલામાં ઓટોમેટિક ધરપકડના બદલે પોલીસે સાત દિવસની અંદર તપાસ કરવી જોઇએ અને ત્યારબાદ પગલા લેવા જોઇએ. જસ્ટિસ એકે ગોયેલ અને જસ્ટિસ યુયુ લલિતની બનેલી બેંચે જામીનની જોગવાઈ જોડીને આ મુજબનો આદેશ કર્યો છે. આ એક્ટની કલમ ૧૮ મુજબ તેના હેઠળ દાખલ કરવામાં આવેલા કેસોમાં જામીનની જોગવાઈ નથી. બેંચનું કહેવું ચે કે, નિર્દોષ લોકોના સન્માન અને તેમના હિતોની રક્ષાને ધ્યાનમાં લઇને આવી જોગવાઈ કરવામાં આવી છે. જજોએ કહ્યું છે કે, કોઇપણ એક્ટને બ્લેકમેઇલિંગ અથવા તો અંગત અદાવત કાઢવાને લઇને બાબત ખતરનાક છે. આવી સ્થિતિમાં ખુબ જ ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બેંચે એક અરજી ઉપર સુનાવણી કરીને કહ્યું છે કે, એસસી-એસટીએક્ટનો મતલબ જાતિવાદને જાળવી રાખવા માટેનો નથી. આની સમાજ અને બંધારણીય મૂલ્યો ઉપર પ્રતિકુળ અસર થઇ શકે છે. બેંચે કહ્યું છે કે, આ એક્ટના દુરુપયોગના મામલા સતત વધી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઇને એક નિશ્ચિત ઓથોરિટીથી મંજુરી મળી ગયા બાદ જ કોઇ સરકારી કર્મચારીને પકડવા માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. આ ઉપરાંત બિનસરકારી કર્મચારીને પકડવા માટે પણ એસએસપી તરફથી મંજુરી લેવાની બાબત ખુબ જરૂરી બની ગઈ છે. કોર્ટે કહ્યું છે કે, આ એક્ટના દુરુપયોગને રોકવા માટેની જરૂર છે. કારણ કે, તેના હેઠળ કરવામાં આવતા મામલામાં બીએસપી તરફથી પ્રારંભિક તપાસ થવી જોઇએ. આરોપ યોગ્ય છે કે કેમ તેમાં પણ તપાસ થાય તે ખુબ જરૂરી છે. બેંચે કહ્યું છે કે, જો કોઇ વ્યક્તિ કાયદાનો દુરુપયોગ કરે છે તો તેની સામે પગલા લેવા જોઇએ. જો કાયદાનો નિર્દોષ લોકોને ક્રિમિનલ કેસોમાં ફસાવવા માટે દુરુપયોગ કરવામાં આવે છે તો કોર્ટ મુક બનીને જોઇ શકે નહીં..