કડીમાં ડીવાયએસપી મંજીતા વણઝારાની જીપ પર હુમલા

કડીમાં ડીવાયએસપી મંજીતા વણઝારાની જીપ પર હુમલા

પોલીસ પર હુમલાના બનાવો ચિંતાજનક હદે વધ્યા

મારામારી-લૂંટના ગુનામાં આરોપીને તપાસ માટે લવાયા ત્યારે ટોળા દ્વારા વણઝારાની ગાડી પર પથ્થરમારો કરાયોે
દાવાદ શહેર સહિત રાજયભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. ગુનાખોરીનું પ્રમાણ વધવાની સાથે સાથે ગુનેગારો પણ એટલી હદે બેફામ અને ઝનુની બન્યા છે કે, હવે તો પોલીસ પર હુમલા અને મારામારીની ગંભીર ઘટનાઓ જાણે સામાન્ય બની છે. આજે કડીના કસ્બા વિસ્તારમાં આજે ડીવાયએસપી મંજીતા વણઝારા મારામારી અને લૂંટના ગુનાના આરોપીઓને તપાસ માટે લઇ ગયા હતા ત્યારે આ ગુનેગારોના સમર્થનમાં ઉમટી પડેલા સેંકડો લોકોએ જોરદાર હલ્લો મચાવ્યો હતો અને એક તબક્કે ડીવાયએસપી મંજીતા વણઝારાની ગાડી પર હુમલો અને પથ્થરમારો કર્યો હતો. જેમાં ડીવાયએસપી મંજીતા વણઝારાને ઇજા પહોંચી હતી અને તેમના હાથમાં ફ્રેકચર થયું હતું. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીવાયએસપી પર ગુનેગાર તત્વો દ્વારા આ પ્રકારે જાહેરમાં હિંસક હુમલાની ઘટનાના રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, ખાસ કરીને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, કડી તાલુકાના કસ્બા વિસ્તારમાં ડીવાયએસપી મંજીતા વણઝારા પોલીસ સ્ટાફના કાફલા સાથે મારામારી અને લૂંટના એક ગુનાની તપાસ અર્થે ગયા હતા અને આ ગુનામાં સંડોવણી ધરાવતાં આરોપીઓને તપાસના કામ માટે પોલીસમથક લઇ આવ્યા હતા. બીજીબાજુ, પોલીસ દ્વારા આરોપીઓને ઉઠાવાતાં નારાજ થયેલા આરોપીઓના પરિવારજનો, સગાવ્હાલા અને સમર્થક-ટેકેદારો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને પોલીસ વિરૂદ્ધ જોરદાર નારાજગી અને સૂત્રોચ્ચાર કરી જોરદાર હલ્લો-હોબાળો મચાવ્યો હતો. પોલીસે રોષે ભરાયેલા લોકોને શાંત પાડવાનો શાંતિપૂર્ણ પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળાના માણસો ખૂબ ઉશ્કેરાયેલા અને આક્રોશમાં હતા. થોડીવારમાં તો વાત વણસી હતી અને અચાનક જ ટોળાના માણસો દ્વારા ડીવાયએસપી મંજીતા વણઝારાની જીપ પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો અને જીવલેણ હુમલો બોલી દેવાયો હતો. પથ્થરમારો અને હુમલાની ઘટના બાદ પોલીસ તરત જ હરકતમાં આવી ગઇ હતી અને જોરદાર લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બીજીબાજુ, હુમલામાં ડીવાએસપી મંજીતા વણઝારાને ગંભીર ઇજા પહોંચી હતી., ખાસ કરીને તેમના હાથમાં ફ્રેકચર થયું હતું, તેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની જીપ લોખંડની જાળીઓથી સુરક્ષિત હોવાછતાં તોફાની ટોળાનો પથ્થરમારો એટલો જોરદાર હતો કે, ગાડીના કાચ તૂટી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે તોફાની ટોળા વિરૂદ્ધ રાયોટીંગ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.