કીર્તિદાનના ડાયરામાં ભજન વાગતા જ થયા ભડાકા!

કીર્તિદાનના ડાયરામાં ભજન વાગતા જ થયા ભડાકા!

 

ગુજરાતના લોકગાયકોમાં ખૂબ જ જાણીતું નામ એટલે કીર્તિદાન ગઢવી. તાજેતરમાં જૂનાગઢ ખાતે તેના એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ ક્ષત્રિય પરિવાર દ્વારા ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીર્તિદાનને બોલાવવામાં આવ્યો હતો. આ સંગીત સંધ્યાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંદૂકમાંથી ભડાકા કરવામાં આવ્યા હતા.

વાગે ભડાકા ભારી રે…

સૌરાષ્ટ્ર કચ્છમાં યોજાતા ડાયરાઓમાં એક ભજન અચુક ગવાતું આવ્યું છે. ભજનના શબ્દો છે…વાગે ભડાકા ભારી ભજનના…વાગે ભડાકા ભારી રે…! જૂનાગઢ ખાતે યોજાયેલા સંગીત સંધ્યા કાર્યક્રમમાં પણ કીર્તિદાને આ ભજન લલકાર્યું હતું. પરંતુ આ ભજન સાંભળતા જ ક્ષત્રિય પરિવારના સભ્યો તાનમા આવી ગયા હતા અને સાચે જ અલગ અલગ બંદૂકોમાંથી ભડાકા કર્યા હતા. ડાયરામાં આશરે 30 વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કીર્તિદાન ઉપર નોટોનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં જૂનાગઢના જાણીતા સાધુ સંતો પણ કીર્તિદાન ઉપર પૈસા ઉડાવતા નજરે પડી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તે 10થી 15 દિવસ પહેલા જૂનાગઢ શહેરનો છે. જેમાં ક્ષત્રિય પરિવારના લોકોએ બાર બોરની બંદૂકથી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો જ્યારે ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. દર્શકોમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હોવાનું વીડિયો પરથી જોઈ શકાય છે.