કેન્યામાં વસતા કચ્છીઓને PMનું સંબોધન, ભારત આફ્રિકામાં નવી 18 એમ્બેસી ખોલશે

આજે પીએમ મોદીએ કેન્યાના નૈરોબીમાં વસતા કચ્છીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેન્યાના નૈરોબીમાં રહેતા કચ્છી લેઉવા પટેલોને સંબોધ્યા જેમાં મોટી સંખ્યામાં કેન્યામાં રહેતા ગુજરાતીઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ નૈરોબીમાં વસતા કચ્છીઓને સંબોધતા કહ્યું કે, કેન્યાને આઝાદી અપાવવામાં અનેક ભારતીયોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. કેન્યાના વિકાસમાં કચ્છી લેઉવા પટેલોએ ખુબ મોટું યોગદાન આપ્યું છે. પીએમ મોદીએ કચ્છીઓને કેન્યામાં ગુજરાતની પરંપરા જાળવી રાખવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતમાં બાજપની સરકાર આવ્યા બાદ કચ્છના લોકોની પાણીની સમસ્યા હવે દૂર થઈ ગઈ છે. કચ્છને નર્મદાનું પાણી મળી રહ્યું છે. અમારી સરકાર દ્વારા કચ્છને પ્રવાસન સ્થળ તરીકે પણ ખુબ વિકસીત કરવામાં આવ્યું છે. કચ્છનું નામ પૂરા વિશ્વમાં હવે ખ્યાતી પામ્યુ છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હજુ પણ સરકાર કચ્છનો ખુબ વિકાસ કરવા જઈ રહ્યું છે. કચ્છના અખાતમાં સરકાર રો-રો ફેરી શરૂ કરવાનું વિચારી રહી છે. કચ્છના અખાતમાં રો-રો ફેરી શરૂ કરવાથી કચ્છ અને જામનગર વચ્ચેનું અંતર ઘટી જશે.