ચિદમ્બરમ પુત્ર કાર્તિના છ માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

આઈએનએકસ મીડિયા કેસમાં કોર્ટે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિના છ માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ મંજૂર કર્યા છે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં આ મુદ્દે સાંજે છ વાગ્યા સુધી દલીલો ચાલુ રહી હતી. સીબીઆઈએ કાર્તિની પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટે છ માર્ચ સુધીના જ રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

કોર્ટમાં સીબીઆઈએ કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા અને કાર્તિના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તેનો વિરોધ કર્યો હતો. રિમાન્ડ માટે કોર્ટમાં ત્રણ કલાક સુધી ઉગ્ર દલીલો થઈ હતી.
કોર્ટે અગાઉ કાર્તિના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. પી. ચિદમ્બર નાણાપ્રધાન હતા, ત્યારે આઈએનએક્સ મીડિયાને વિદેશી રોકાણ માટે ગેરકાયદેસર મંજૂરી આપવા માટે લાંચ આપવાના કેસમાં કાર્તિની ધરપકડ કરાઈ છે.

સીબીઆઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે કાર્તિ અને અનેક કંપનીઓ વચ્ચેની સાંઠગાંઠના સંગીન પુરાવા છે. અમારી પાસેના ઈ-મેલ્સ અને ઈનવોઈસ પરથી સ્પષ્ટ થાય છે કે એએસસીપીએલને નાણાં આપવામાં આવ્યા હતાં.

સામે પક્ષે કાર્તિના વકીલ અભિષેક મનું સિંઘવીએ જણાવ્યું હતું કે તેમના અસીલને જેલમાં મોકલવા માટે કોઈ જ કારણ નથી. કસ્ટડીમાં પુછપરછ માટે પણ કોઈ કારણ નથી. કાર્તિને સમન્સ જ પાઠવવામાં આવ્યું નથી, ત્યારે સીબીઆઈ સહકાર નહીં મળવાનો દાવો કેવી રીતે કરી શકે છે.