તમામ મહાનગરોમાં ૧૫મીથી ઇ-મેમો સિસ્ટમ અમલી કરાશે

ગૃહમાં ગૃહરાજયમંત્રીની જાહેરાતથી લોકો નાખુશ
તમામ મહાનગરોમાં ૧૫મીથી ઇ-મેમો સિસ્ટમ અમલી કરાશે
૧૩ લાખ લોકોએ ઇ-મેમો ભરવાનો હજુ બાકી તો, તંત્ર દ્વારા પણ રૂપિયા ૩૨.૫૭ કરોડની વસૂલાત હજુય બાકી

અમદાવાદ,તા. ૨૮
અમદાવાદ શહેર સહિત રાજયના તમામ મહાનગરોમાં તા.૧૫મી એપ્રિલથી ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકોને ઇ-મેમો મોકલવાની સીસ્ટમ ફરી એકવાર અમલી બનશે. રાજયના ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વિધાનસભા ગૃહમાં આ અંગેની જાહેરાત કરી હતી. જો કે, સરકારની આ જાહેરાતને પગલે વાહનચાલકોમાં ભારે નારાજગી અને નાખુશીની લાગણી ફેલાઇ હતી. કારણ કે, અગાઉ ટ્રાફિકના નિયમો તોડનારા લોકોના ઘરે આડેધડ ઈ-મેમો મોકલવાનું શરુ થયા બાદ મચેલા હોબાળા અને ઇ-મેમોની મોકલવામાં ગંભીર ભૂલો અને ચૂકને લઇ ખાસ્સો વિવાદ થતાં સરકારે થોડા સમય માટે ઈ-મેમો મોકલવાની કામગીરી અટકાવી દીધી હતી. જોકે, આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ઈ-મેમો સીસ્ટમ રાજયમાં ફરી એકવાર તા.૧૫ એપ્રિલથી લાગુ થશે. અગાઉ અમદાવાદમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ શરુ ન થાય ત્યાં સુધી ઈ-મેમો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે. આ કેમેરા નખાઈ જતા હવે થોડા જ દિવસોમાં ફરી ઈ-મેમો ઈશ્યૂ કરવાનું પોલીસ ફરી શરુ કરશે. અત્યાર સુધી મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ, કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ તેમજ સિગ્નલ પર ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઉભું રાખવા બદલ ઈ-મેમો મળતા હતા. જો કે, ટ્રાફિક જંક્શનો પર ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા. પરંતુ હવે જે હાઈટેક કેમેરા નખાયા છે, તેમાં સિગ્નલ જમ્પ કરનારા પણ બચી નહીં શકે. ઈ-મેમોએ અમદાવાદમાં રીતસરનો કેર વર્તાવ્યો હતો. શહેરના લગભગ તમામ ચાર રસ્ત લાગેલા સીસીટીવી દ્વારા ટ્રાફિકનું મોનિટરિંગ કરાતું હતું અને તેમાં નિયમનો ભંગ કરતા જે પણ દેખાય તેને ઈ-મેમો મોકલાતો હતો. અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ ૨૦ લાખ જેટલા લોકોને ઈ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી જેટલા ઈ-મેમો મોકલાયા છે તેનો કુલ દંડ ૪૨.૨૪ કરોડ રુપિયા થાય છે. જોકે, અત્યાર સુધી માત્ર ૯.૬૭ કરોડ રુપિયાના દંડની જ વસૂલાત થઈ શકી છે., જેથી હજુય ૩૨.૫૭ કરોડ રુપિયાનો દંડ વસૂલાવાનો બાકી છે. એટલું જ નહીં, જેમને પાંચથી વધુ ઈ-મેમો મળ્યા છે તેવા ૫૦ હજારથી વધુ લોકોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી પણ ખાસ્સા સમયથી અટવાયેલી પડી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના દરેક રસ્તાને સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવરી લઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરતા કોઈ પણ વ્યક્તિને ઈ-મેમો ઘેર મોકલવાની સરકારની યોજના હતી. જેનો ઉદ્દેશ એ હતો કે પોલીસને દંડ વસૂલવાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે, જેથી તે ટ્રાફિક મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપી શકે. જો કે, ઈ-મેમો આપવાનું શરુ કરાયા બાદ પણ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યામાં કોઈ સુધારો જણાયો ન હતો. તમારા વાહન પર કોઈ ઈ-મેમો જનરેટ થયો છે કે કેમ તે અમદાવાદ ટ્રાફિક પોલીસની વેબસાઈટ પર ચેક કરી શકાય છે. તેના માટે અમદાવાદ સીટી પોલીસ. ઓઆરજી/ઇ-ચલણ/ પર જઈ તમે વાહનનો નંબર નાખી ઈમેમો ચેક કરી શકો છો, અને જો કોઈ ઈમેમો જનરેટ થયો હોય તો તેનું ઓનલાઈન પેમન્ટ પણ કરી શકો છો.