the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

તરસ્યા ગુજરાત માટે હવે જળ-વ્યવસ્થાપન જ તારણહાર

તરસ્યા ગુજરાત માટે હવે જળ-વ્યવસ્થાપન જ તારણહાર

ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય હોઈ ઘરવપરાશ અને ઉદ્યોગોની સરખામણીએ આપણે ત્યાં ખેતી માટે પાણીનો વપરાશ વધુ થાય છે, પણ પુરવઠાની સામે પાણીની માગ વધી જતાં અછતની સ્થિતિ પેદા થયા કરે છે
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને પાણી પુરવઠા મામલે ભારે અસમાનતા પ્રવર્તે છે છતાં સ્થિતિ એ છે કે પાણીની તંગીને આપણે ગંભીરતાથી ક્યારેય નથી લીધી. આ વર્ષે તો વરસાદ પણ સારો એવો પડ્યો હતો તો પણ ભરશિયાળે પાણીનો પોકાર ઊઠ્યો છે. હવે મોડું કરવું પાલવે તેમ નથી ત્યારે રાજ્યમાં જળ વ્યવસ્થાપનના વિકલ્પો અંગે ચર્ચા કરીએ..
પાણી. બે અક્ષરનો આ શબ્દ માણસમાત્રને ટકી રહેવા માટેની મૂળભૂત જરૃરિયાત છે. એકલો માણસ જ શું કામ?, અપવાદરૃપ સજીવો સિવાય જીવમાત્રને ટકી રહેવા માટે પાણી ફરજિયાત છે. એ બધાંમાં માણસ અને પાણીનો સંબંધ નિરાળો છે. માનવશરીરમાં પાણીનું પ્રમાણ ૬૫ ટકા જેટલું છે એટલે એક સમયે ખોરાક વિના તે થોડો સમય ખેંચી પણ કાઢે, પણ પાણી વિના તે લાંબો સમય જીવી શકતો નથી. પાણી અને માણસની જેવો જ સંબંધ દેશના વિકાસ અને પાણીની ઉપલબ્ધતા વચ્ચે છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ મોટાભાગે તેના કુદરતી સંસાધનો પર આધારિત હોય છે. જળ, જમીન, વૃક્ષો, અનુકૂળ આબોહવા જેવા કુદરતી સંસાધનો જ્યાં ભરપૂર માત્રામાં હોય ત્યાં આર્થિક વિકાસની ગાડી પણ તેજીમાં રહે. સામે, જ્યાં તેની અછત હોય ત્યાં વિકાસની ઝડપ ઘટતી જાય. આગળ જણાવ્યા તે તમામ કુદરતી સ્ત્રોતોમાં પાણી એટલા માટે સૌથી મહત્ત્વનું ગણાય, કારણ કે તેની આસપાસ જ અન્ય કુદરતી સ્ત્રોતોના ઉપયોગનું માળખું તૈયાર થતું હોય છે. દુર્ભાગ્યે પાણી પાયાની જરૃરિયાત હોવા છતાં આજે સ્થિતિ એ છે કે દિવસે ને દિવસે તેની અછત સર્જાતી જાય છે. આમ તો આ વૈશ્વિક સમસ્યા છે, પણ હાલ ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરીશું.
આઝાદી પહેલાંના ગુજરાત અને આજના વિકસિત ગુજરાતમાં આભ-જમીનનો તફાવત છે. છતાં બંનેમાં કશુંક કોમન હોય તો તે પાણીની સમસ્યા છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યનો એકેય વિસ્તાર હજુ પણ પાણી મામલે પગભર નથી. પરિણામે રાજ્યની ૬૬ ટકા વસ્તીએ આજે પણ પીવાના પાણી માટે નર્મદા ડેમ પર આધાર રાખવો પડે છે. આ વર્ષે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો મર્યાદિત થઈ જતાં ભરશિયાળે પાણીનો પોકાર ઊઠ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો ગુજરાત પાસે નર્મદાનું હવે માત્ર એક મિલિયન એકરફિટ પાણી જ રહ્યું છે. જે આગામી ચોમાસા સુધી ચલાવવાનું છે. ગત ચોમાસામાં મધ્ય પ્રદેશમાં ઓછો વરસાદ પડ્યો હોઈ નર્મદા નદીમાં પાણીની આવક અડધી થઈ ગઈ હતી. જેના કારણે ગુજરાતને નર્મદાનું પાણી કે જે સામાન્ય રીતે ૯ મિલિયન એકર ફીટ જેટલું મળતું હોય છે તે કપાઈને ૪.૫ મિલિયન એકર ફીટ જ મળ્યું હતું. એમાંથી પણ ૩.૫ મિલિયન એકર ફીટ પાણી વપરાઈ જતાં હવે નર્મદા ડેમમાં આપણા માટે ફક્ત ૧ મિલિયન એકર ફીટ પાણી જ બચ્યું છે. કપરી આ પરિસ્થિતિનો અંદાજ આવી જતાં સરકારે છેલ્લી ઘડીએ ઉનાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, નર્મદાના પાણીનો વિકલ્પ શોધવાની પણ શરૃઆત કરી છે. જો રાજ્ય સરકારે પહેલેથી પાણીનું મૅનેજમેન્ટ હાથ ધર્યું હોત તો આમ આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો વારો ન આવત. હવે જ્યારે સરકારે પાણી અંગે વિચાર્યું જ છે ત્યારે કેવાં પગલાં અસરકારક નિવડી શકે તેની વાત કરતાં પહેલાં ગુજરાતમાં પાણીની સમસ્યાને વિકટ બનાવતાં કારણોની ચર્ચા કરી લઈએ.સૌથી મોટું કારણ જળ વ્યવસ્થાપનનો અભાવ છે. આ સિવાય વરસાદની અસમાનતા, સિંચાઈની ખોટી પદ્ધતિઓ, લોકજાગૃતિનો અભાવ તો ખરાં જ. પહેલેથી જ ગુજરાતમાં પાણી મામલે વિવિધ વિસ્તારોમાં ભારે અનિયમિતતા અને અસમાનતા પ્રવર્તે છે. મોટા ભાગની નદીઓ ચોમાસામાં બે કાંઠે વહેતી હોય છે અને જેવો વરસાદ સમાપ્ત થાય કે થોડા જ મહિનાઓમાં કોરીભઠ્ઠ થઈ જાય છે. એક તરફ વરસાદ અનિયમિત છે છતાં રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. જેના કારણે પાણીની સમસ્યા વધુ વિકટ બનતી જઈ રહી છે. જુનવાણી સિંચાઈ પદ્ધતિના કારણે હજારો લિટર પાણી વેડફાય છે જેની કોઈ ગણતરી જ નથી થતી. રાજ્યમાં એક પણ બારમાસી નદી ન હોઈ ખેતી માટે જરૃરી પાણી સમયસર મળી શકતું નથી. ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય હોઈ ઘરવપરાશ અને ઉદ્યોગોની સરખામણીએ આપણે ત્યાં ખેતી માટે પાણીનો વપરાશ વધુ થાય છે, પણ પુરવઠાની સામે પાણીની માગ વધી જતાં અછતની સ્થિતિ પેદા થયા કરે છે. વર્ષ ૧૯૭૫માં ડૉ. જી.આર. નામ્બિયારે કેટલાક નિષ્ણાતો અને સંસ્થાઓ સાથે મળીને કરેલા ગુજરાતના જળસ્ત્રોતો અંગેના સર્વાંગી અને તલસ્પર્શી અભ્યાસમાં એવી ચેતવણી ઉચ્ચારેલી કેે, જો પાણીની માગ અને પુરવઠાનું સંતુલન નહીં જળવાય તો આગામી ૨૦૦ વર્ષ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂગર્ભજળ ખલાસ થઈ જવાની શક્યતા છે. નામ્બિયાર સાહેબની ચેતવણી અત્યારથી સાચી પડવા માંડી હોય તેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે પાણીની તંગી કાયમી સમસ્યા બની ગયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં ૯૦ ટકા સિંચાઈ કૂવાના પાણીથી થતી હોઈ ભૂગર્ભ જળસપાટી ખૂબ ઊંડે ઊતરી ગઈ છે. તેના વિકલ્પ તરીકે અહીં સુજલામ્‌-સુફલામ્‌, ધરોઈ, દાંતિવાડા અને સરદાર સરોવર યોજના દ્વારા સિંચાઈના વિકલ્પો હાથ ધરાયા હોઈ સ્થિતિ થોડી નિયંત્રણમાં છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે માટે ૧૧૫ નાનાં-મોટાં બંધને ભરવાની જાહેરાત થઈ હતી. ૨૦૧૩-૧૪માં તો રાજ્ય સરકારે તેના માટે બજેટમાં ખાસ રૃપિયા ૧૦૦૦ કરોડની જોગવાઈ કરી હતી. છતાં હાલ દેખીતો કોઈ ફરક નજરે ચડતો નથી.
નદીઓના પાણી વિતરણની સાથે રાજ્યના ચારેય ઝોનમાં સરેરાશ વાર્ષિક વરસાદ અને વરસાદી દિવસોની પેટન્ટની વિવિધતાને પણ અહીં ગણતરીમાં લેવી પડે. કેમ કે જે-તે વિસ્તારમાં પડતા વરસાદના આધારે જ ત્યાં પાણીનો કેવો અને કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી થતું હોય છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ૫૧ વરસાદી દિવસોમાં સરેરાશ ૧૪૪૮ મી.મી. વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી દિવસો ૩૧ છે અને ૮૦૫ મી.મી. વરસાદ પડે છે. સૌરાષ્ટ્રમાં વરસાદી દિવસો માંડ ૨૭ છે અને વરસાદ સરેરાશ ૫૯૪ મી.મી. પડે છે. કચ્છમાં તો સ્થિતિ પહેલેથી વિકટ છે. ત્યાં વરસાદી દિવસો માંડ ૧૫ હોય છે અને તેમાં માંડ ૩૩૦ મી.મી. વરસાદ પડે છે. નિષ્ણાતોના મતે, વરસાદની આ પેટન્ટને આધારે હિસાબ માંડીએ તો ૨૦૨૫માં પાણીનો પ્રશ્ન વધુ વિકટ બનશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની વાર્ષિક જરૃરિયાત ૧૪૪૪૦ મિલિયન ઘન મીટર સામે ૧૦૧૭૧ મિલિયન ઘન મીટર પાણી જ ઉપલબ્ધ હશે. એટલે કે વાર્ષિક ૪૨૬૯ મિલિયન ઘન મીટર (૪૧.૯૭ ટકા) પાણીની ખાધ રહેશે. એ જ રીતે ઉત્તર ગુજરાતની પાણીની વાર્ષિક જરૃરિયાત ૧૮૩૬૦ મિ.ઘ.મી. સામે પાણીની વાર્ષિક પ્રાપ્યતા ૧૦૨૧૨ મિ. ઘ.મી. હશે. એટલે કે વાર્ષિક ૮૪૧૮ મિ. ઘ.મી.(૮૨.૪૩ ટકા) પાણીની ખાધ રહેશે. દક્ષિણ ગુજરાતની પાણીની વાર્ષિક જરૃરિયાત ૧૫૫૦૦ મિ. ઘ.મી.ની સામે વાર્ષિક પાણીની પ્રાપ્યતા ૨૮૧૮૭ મિ. ઘ.મી. રહેશે. આમ એકમાત્ર દક્ષિણ ગુજરાત પાસે પાણીનો વાર્ષિક વધારો ૧૨૬૮૭ મિ. ઘ.મી.નો રહેશે. જેનો ઉપયોગ અન્ય વિસ્તારોની પાણીની સમસ્યા નિવારવા કરી શકાશે.ગુજરાતમાં હાલની પાણીની તંગી પાછળ મુખ્ય ત્રણ કારણો છે. એક રાજ્ય સરકારના ચૂંટણીલક્ષી કાર્યક્રમો, બીજું ભ્રષ્ટાચાર અને ત્રીજું સરકારની અણઆવડત. મહેશભાઈના મતે, રાજ્ય સરકારે ગુજરાતની પ્રજાના પાણીનો રાજકીય ઉપયોગ કર્યો તેના કારણે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી હોઈ ભરચોમાસે સરકારે નર્મદાનું કિંમતી પાણી રાજકોટના આજી ડેમમાં ઠાલવ્યું હતું. જેની કોઈ જરૃર નહોતી. બીજી મોટી સમસ્યા ભ્રષ્ટાચારની છે. નર્મદાની પેટાકેનાલો તકલાદી બાંધકામને કારણે સમયાંતરે તૂટતી રહે છે. જેમાં હજારો લિટર પાણી વેડફાઈ જાય છે. હાલમાં જ મોરબી પાસેના એક ગામે નર્મદાની કેનાલ તૂટતાં હજારો લિટર શુદ્ધ પાણી વહીને છેક કચ્છના રણમાં મીઠું પકવતા અગરો સુધી પહોંચી ગયેલું. અગરિયાઓને પણ તેના કારણે મોટાપાયે નુકસાન થયું હતું.સૌરાષ્ટ્રમાં કોઈ બારમાસી નદી નથી. વળી, પથરાળ જમીનના કારણે પાણી અમુક હદથી વધુ ઊંડું ઊતરતું ન હોઈ રિચાર્જ પણ છીછરું થાય છે. પરિણામે અહીંની જે નદીઓ ચોમાસામાં ભરપૂર હોય છે તે ઉનાળો આવતા ખાલીખમ થઈ જાય છે. સામે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હોવા છતાં ધરોઈ, દાંતિવાડા અને સુજલામ્‌-સુફલામ્ની સિંચાઈ ઉપલબ્ધ હોઈ રાહત રહે છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને તો નર્મદા યોજનાનું પાણી પણ મળે છે. છતાં વૉટર મૅનેજમેન્ટની કોઈ ફોર્મ્યુલા ન હોઈ સમસ્યા સતત નડતી રહે છે. આ મામલે રાજસ્થાન પાસેથી શીખવા જેવું છે. આ વર્ષે તેને નર્મદા યોજનામાં માત્ર ૦.૫૦ મિલિયન એકર ફીટ પાણી મળ્યું હતું જેનો કમાન્ડ વિસ્તાર ૭૬૦૦૦ હેક્ટર હતો. તેમણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ૦.૫૦ મિલિયન એકર ફીટ પાણીમાંથી ૧.૪૬ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ પૂરી પાડી હતી. એટલે પાણીનું મૅનેજમેન્ટ કર્યા સિવાય હવે છૂટકો જ નથી.હાલ તો વ્યાપક બની રહેલી જળ સમસ્યાના નિવારણ માટે લાંબા ગાળાનું આયોજન જરૃરી બન્યું છે. જેમાં પર્યાવરણની સમતુલા જાળવવાની સાથે પાણીનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય ઉપયોગ થવો જોઈએ. સરકારે આ માટે યોજનાઓ તો બનાવી છે, પણ તેનો યોગ્ય અમલ થઈ શક્યો નથી. નર્મદાના નીરનું નિયંત્રિત મૅનેજમેન્ટ હવે જરૃરી બની ગયું છે. સાથે જ ભૂગર્ભજળ રિચાર્જના કાર્યક્રમો પણ અમલી બનાવવા રહ્યા. પાણીનો સતત વપરાશ કરતા ઉદ્યોગોને દૂષિત પાણી શુદ્ધ કરવા ભલામણ કરવી જોઈએ.