ત્રિપુરાની ચૂંટણીમાં કારમી હાર પછી માણિક સરકારે આપ્યું રાજીનામુ , જો કે નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યભાર સંભાળશે

ત્રિપુરાની ચૂંટણીમાં કારમી હાર પછી માણિક સરકારે આપ્યું રાજીનામુ , જો કે નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યભાર સંભાળશે

રાજ્યપાલ તથાગત રોયને મળી અંતે રાજીનામું સોંપ્યુ : ત્રિપુરામાં ૨૫ વર્ષના ગાળા બાદ ડાબેરીનું પતન : ભાજપ ગઠબંધનને મળેલી બે તૃતિયાંશ બહુમતિ

નવીદિલ્હી, તા. ૪
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ માણિક સરકારે મુખ્યમંત્રી પદેથી આજે રાજીનામુ આપ્યું હતું. ત્રિપુરામાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલતા ડાબેરીઓના શાસનનો અંત આવી ગયો છે. ભાજપ અને આઈપીએફટી ગઠબંધને ત્રિપુરામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. આ ગઠબંધનને બે તૃતિયાંશ બહુમતિ મળી છે. ૫૦ સીટો ઉપર ચૂંટણી લડનાર ભાજપને ૩૫ સીટો મળી છે જ્યારે તેના સાથી પક્ષ આઈપીએફટીને નવ સીટો પણ ચૂંટણી લડ્યા બાદ આઠ સીટો ઉપર જીત મળી છે. વર્ષ ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નહીવત સીટો મળી હતી. માણિક સરકારે રાજીનામુ આપી દીધા બાદ હવે નવી સરાકરની રચનાની વાયત હાથ ધરવામાં આવશે. વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપને ડાબેરીઓના ગઢ ગણાતા ત્રિપુરામાં માત્ર ૧.૫ ટકા મત મળ્યા હતા પરંતુ આ વખતે ભાજપ ગઠબંધનની મતહિસ્સેદારીમાં ઉલ્લેખનીય વધારો થયો છે અને મતહિસ્સેદારી વધીને ૪૯.૬ ટકા સુધી પહોંચી છે. ભાજપને પોતે ૪૨ ટકા મત મળ્યા છે જ્યારે તેમની સાથી પાર્ટી પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાને ૮.૫ ટકા મત મળ્યા છે. આ રીતે બંને પક્ષોના ગઠબંધનને ત્રિપુરાના આશરે અડધા વોટ મળી ગયા છે. વર્ષ ૧૯૯૩માં ત્રિપુરામાં ડાબેરીઓનું શાસન શરૂ થયું હતું. લેફ્ટ માટે ત્રિપુરા પણ હવે હાથમાંથી નિકળી ગયું છે. ત્રિપુરા કેરળ અને પશ્ચિમ બંગાળની જેમ ડાબેરીઓ માટે મોટા ગઢ સમાન હતું પરંતુ હવે ત્રિપુરામાંથી ડાબેરીઓનો સફાયો થયો છે. પશ્ચિમ બંગાળ બાદ ત્રિપુરામાંથી પણ ડાબેરીઓ ફેંકાઈ ગયા છે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી હવે માત્ર કેરળમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે. ભાજપની મત હિસ્સેદારીમાં જંગી વધારા માટે એક કારણ એ છે કે, કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડી ગયા છે. કોંગ્રેસને ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં ૩૬ ટકા મત મળ્યા હતા જે આ વખતે ઘટીને માત્ર બે ટકા રહી ગયા છે. કોંગ્રેસના ફેંકાઈ ગયેલા વોટ ભાજપે પોતાની તરફેણમાં કરવામાં સફળતા મેળવી છે. ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપને માત્ર ૧.૫ ટકા મત મળ્યા હતા અને તેના તમામ ઉમેદવારોની કારમી હાર થઇ હતી. ૫૦માંથી ૪૯ સીટો પર તેના ઉમેદવારોના જામીન ડુલ થઇ ગયા હતા. સંઘ પરિવારની સરખામણીમાં પાર્ટીની રણનીતિને લઇને બેઠક દરમિયાન માણિક સરકારે પૂર્વ સીપીએમ મહાસચિવ પ્રકાશ કારતનું સમર્થન કર્યું હતું. તે વખતે સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી સાથે ડાબેરીઓએ ગઠબંધન કરવું જોઇએ. જ્યારે કારત ગ્રુપની અલગ માંગ હતી પરંતુ માણિક સરકારે કરાત ગ્રુપની વાત માની હતી અને આખરે તેમની હાર થઇ છે.