ધો.10નું ગુજરાતીનું પેપર લીક, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

દાહોદઃ  આજે ગુજરાતભરમાં ધોરણ 10 અને 12માંની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. તેવામાં પહેલા જ દિવસે ગુજરાતી પેપર લીક થયું છે.   એમ. એન્ડ પી. હાઈસ્કૂલમાં ધો.10નું પેપર લીક થવાના સમાચાર મળ્યા છે. સ્કૂલના એક રૂમમાં ગુજરાતીના પેપરની ઝેરોક્સ કરાઈ હોવાની માહિતી મળી છે તેમ જ આજના ગુજરાતીના પેપરની ઝેરોક્ષ ટુકડા મળ્યા છે.

આ બાબતને લઈને શાળા સંચાલકો સામે પણ શંકાની સોય ફરી રહી છે, કારણ કે, શાળાના રૂમમાં જ જ્યારે ઝેરોક્ષ નિકાળવામાં આવે છે, તે ઉપરાંત તપાસ અધિકારીને ગેર માર્ગે દોરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

બોર્ડ ગેરરિતી ના થાય તે માટે પુરતા ઉપાયો કરે છે, પરંતુ તેવામાં શાળાઓમાં જ દાવ ખેલાઈ જતા હોય છે, તેવામાં દાહોદની શાળામાં બનેલી ઘટનાને લઈને શાળા સંચાલકો સામે પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે.

કલેકટરને ધો.10નું પ્રથમ પેપર ગુજરાતી લિક થવાની ફરિયાદ મળતાં મામલતદાર દ્વારા સ્કૂલની તપાસ હાથ ધરવામાં આવી છે. બંધ રૂમની ચાવી ન મળતાં તાળું તોડી તપાસ હાથ ધરવામાં આવી છે. મામલતદાર દ્વારા રૂમ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.