નારણ રાઠવાએ જ રાજ્ય સભા માટે ભર્યું ફોર્મ, પી.કે. વલેરાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

નારણ રાઠવાએ જ રાજ્ય સભા માટે ભર્યું ફોર્મ, પી.કે. વલેરાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

રવિવારે રાજ્યસભાની બે બેઠક માટે નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં ફરી એક વખત અસંતોષ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા અમીબેન યાજ્ઞિકના નામ સામે વિરોધ નોંધાવતા મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે રાજીનામું ધરી દીધું છે. બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેવા પૂર્વ સાંસદ નારણ રાઠવા પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે તેઓ ફોર્મ ભરી શકશે નહીં. જોકે, આ વચ્ચે નારણ રાઠવાએ કહ્યું છે કે રાજ્યસભાના સાંસદ તેઓ જ બનશે. તેમની પાસે જરૂરી તમામ દસ્તાવેજ છે. અંતે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કોંગ્રેસના નેતા શક્તિસિંહે જાહેરાત કરી છે કે રાઠવા જ ફોર્મ ભરશે.

શુક્લા કે રાઠવા?

રાજ્ય સભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. આજે ત્રણ વાગ્યા સુધી આ માટે ફોર્મ ભરી શકાશે. એવા સમાચાર આવી રહ્યા છે કે નારણ રાઠવા પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાને કારણે દિલ્હીથી ચાર્ટર્ડ વિમાન મારફતે કોંગ્રેસના રાજીવ શુક્લા અમાદવાદ આવી રહ્યા છે. રાઠવાની જગ્યાએ તેઓ રાજ્ય સભાનું ફોર્મ ભરશે. જોકે, અંતે રાઠવા જ ફોર્મ ભરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ બંધ

એવી પણ માહિતી મળી રહી છે કે અમદાવાદ એરપોર્ટ ખાતે કામગીરી ચાલી રહી હોવાને કારણે હાલ અહીં કોઈ પ્લેનને ઉતારવાની કે ઉડવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. બીજું કે રાજીવ શુક્લા બે વાગ્યે ચાર્ટર્ડ દ્વારા દિલ્હીથી રવાના થયા છે ત્યારે તેઓ ત્રણ વાગ્યે ગાંધીનગર કેવી રીતે પહોંચશે એ પણ એક પ્રશ્ન છે. જોકે, રાઠવા જ ફોર્મ ભરવાના હોવાથી હવે તેમના વહેલા કે મોડા પહોંચવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો.

હું જ ફોર્મ ભરીશઃ રાઠવા

ફોર્મ નહીં ભરી શકવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા નારણ રાઠવાએ કહ્યું હતું કે મારી પાસે મારી એફિડેવિટ તૈયાર છે. રાજ્ય સભાની બેઠક માટે હું જ ફોર્મ ભરીશ.

કોંગ્રેસના એક ઉમેદવારે ભર્યું ફોર્મ

આ સમાચાર વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકે પોતાનું ફોર્મ ભરી દીધું છે. આ સમયે તેમની સાથે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.