પીએનબીના બોર્ડે બધા જ આંતર-બેન્ક એલઓયુ અને એફએલસીની ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો

પીએનબીના બોર્ડે બધા જ આંતર-બેન્ક એલઓયુ અને એફએલસીની ચૂકવણી કરવાનો નિર્ણય કર્યો
• પીએનબી ૩૧મી માર્ચના રોજ પાકતા રૂ.૬૫૦૦ કરોડનું મૂલ્ય ધરાવતા ૩૫૨ એલઓયુ અને એફએલસીનું સેટલમેન્ટ કરશે
• બોર્ડે કૌભાંડ સંબંધિત એલઓયુ અને એફએલસી અંગેના આંતર-બેન્ક વિવાદોનો અંત લાવવા મંજુરી આપી
• પીએનબીના આ નિર્ણયથી બેન્કિંગ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ અને પ્રમાણભૂતતા જાળવવામાં મદદરૂપ થશે

૨૮ માર્ચ, ૨૦૧૮, રાષ્ટ્રીયઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના બોર્ડે તા. ૨૮મી માર્ચ, ૨૦૧૮ના રોજની યોજાયેલી બેઠકમાં ૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ કે તે અગાઉ પાકતા લેટર ઓફ અન્ડરટેકીંગ (એલઓયુ) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ (એફએલસી)ને લગતી બધી જ ચૂકવણીને મંજુરી આપી છે. પીએનબીના બોર્ડના આ નિર્ણયથી બેન્ક દ્વારા તાજેતરમાં નોંધવામાં આવેલ કૌભાંડ સંબંધિત ૭ બેન્કોના રૂ.૬૫૦૦ કરોડના મૂલ્યના એલઓયુનું સેટલમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત બેન્ક જે તે સમયે પાકતી બધી જ એલઓયુ અને એફએલસીની પણ ચૂકવણી કરશે.
પંજાબ નેશનલ બેન્ક દ્વારા આ કૌભાંડ શોધાયા તેમજ તે અંગે ઓથોરિટીઝને જાણ કરાયા સમયે પ્રારંભથી જ બેન્કે માહિતી આપી હતી કે કોઇ પણ આકસ્મિક જવાબદારીને પહોંચી વળવા માટે બેન્ક સક્ષમ છે. આ પગલાથી એવી ખાતરી મળશે કે આ કૌભાંડ થયા બાદ પણ ભારતની બેન્કિંગ વ્યવસ્થાને ખૂબ ન્યૂનતમ અસર થઇ છે અને બેન્કની કામગીરી અગાઉની જેમ જ ચાલું રહેશે.
પંજાબ નેશનલ બેન્કના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન, શ્રી સુનિલ મહેતાએ જણાવ્યું હતું કે “પીએનબી તેના બધા જ લાયક એલઓયુની ચૂકવણી કરવાના તેના વચનનું પાલન કરી રહી છે. બોર્ડનો આ નિર્ણય એવું દર્શાવે છે પીએનબી તેની બધી જ જવાબદારીઓને ગંભીરતાથી સમજે છે પરંતુ તે કાયદાની મર્યાદામાં રહીને તેની ચૂકવણી કરશે. પીએનબીના બોર્ડનો આ નિર્ણય વિશાળ બેન્કિંગ વ્યવસ્થા પર લોકોના વિશ્વાસ પરત મેળવવામાં મદદરૂપ સાબિત થશે. અમારા મુશ્કેલ સમયમાં અમને સાથ આપનારા બધા જ હિસ્સેદારોનો અમે આભાર માનીએ છીએ.”
બેન્કના બોર્ડે બેન્કમાં સ્વીફ્‌ટ ઓપરેટીંગ એન્વાયર્ન્મેન્ટને મજબૂત કરવા અંગેની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. સીબીએસ સાથેના સ્વીફ્‌ટના ઇન્ટીગ્રેશનનો પ્રથમ તબક્કો નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી એટલે કે ૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજથી કાર્યરત થશે. સંપૂર્ણ ઇન્ટીગ્રેશન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવેલી અંતિમ તારીખ ૩૦મી એપ્રિલ પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઇન્ટીગ્રેશન સફળતાપૂર્વક વિક્રમજનક સમયમાં પૂર્ણ કરવામાં આવશે કેમકે પીએનબીની આશરે ૭૦૦૦ શાખાઓમાં બેન્કની કોર બેન્કિંગ સિસ્ટમ (સીબીએસ)ને ફિનેકલ ૧૦ પર અપગ્રેડ કરી દેવામાં આવી છે. આ કામગીરી ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
ફિનેકલ ૧૦ એ ઇન્ફોસિસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સીબીએસની ખૂબ જ અદ્યતન આવૃત્તિ છે અને બેન્કમાં તે ટેક્નોલોજી તેમજ કામગીરીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઇ છે. આ આવૃત્તિની ખૂબ જ મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે તે બેન્કની અન્ય વિવિધ સિસ્ટમ્સ સાથે સરળતાથી ઇન્ટીગ્રેટ થઇ જાય છે. ફિનેકલ ૭ પરથી ફિનેકલ ૧૦ પરનું અપગ્રેડેશન તેમજ તેના સ્વીફ્‌ટ સાથેના ઇન્ટીગ્રેશનને કારણે કામગીરીમાં થતી ભૂલો અને સિસ્ટમની નબળાઇને દૂર કરી શકાશે.
પીએનબીનું બોર્ડ અને સંચાલકમંડળ તેના ૭૦,૦૦૦ કર્મચારીઓના મનોબળ, પ્રોત્સાહન અને ગૌરવને પરત લાવવા માટે દરેક શક્ય પગલા ભરી રહી છે. જરૂર પડે ત્યારે કડક પગલા ભરવામાં બેન્ક એક ક્ષણનો વિચાર નહીં કરે. આ સાથે બેન્ક ગ્રાહક સેવા અને શ્રેષ્ઠતા માટે મજબૂત ભાગીદારીના સર્જન માટે પ્રતિબદ્ધ છે.