પેપર લીકના મામલામાં કોંગ્રેસની કડક પ્રતિક્રિયા, હાલ ચોકીદાર નબળા હોવાનો રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ

પેપર લીકના મામલામાં કોંગ્રેસની કડક પ્રતિક્રિયા
હાલ ચોકીદાર નબળા હોવાનો રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ
ટિ્‌વટર ઉપર રાહુલ ગાંધીએ મોદીની કરેલી ટીકા : દરેક મહત્વના ડેટા હાલના સમયમાં લીક થઇ રહ્યા છે : કોંગ્રેસ

નવીદિલ્હી, તા. ૨૯
સીબીએસઈ પેપર લીક મામલામાં કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે આ મામલામાં કુદી પડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ચોકીદાર નબળા પડી રહ્યા છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટર પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ તાજેતરના સમયમાં જુદા જુદા દસ્તાવેજો લીક કરવાને લઇને પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ડેટા લીક થઇ રહ્યા છે. આધારના ડેટા લીક થઇ રહ્યા છે. ધોરણ ૧૦ પરીક્ષાના પેપર લીક થઇ રહ્યા છે. ચૂંટણી સાથે સંબંધિત ડેટા લીક થઇ રહ્યા છે. દરેક બાબતમાં લીકેજની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ પેપર લીક કેસના મામલામાં સરકાર ઉપર પ્રહાર કર્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને કપિલ સિબ્બલે પણ સરકારની જોરદાર ઝાટકણી કાઢી છે. સિંધિયાએ સરકારની નિષ્ફળતા હોવાની વાત કરીને કહ્યું છે કે, દેશ બદલ રહા હૈ તેવી વાત કરી રહેલા લોકોની નિષ્ફળતા દેખાઈ રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયાએ મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા છે અને આક્ષેપ કર્યો છે કે, તમામ સંસ્થાઓ ગેરરીતિ આચરી રહી છે. ટિ્‌વટર પર વાત કરતા સિસોદિયાએ કહ્યું છે કે, સરકાર કોઇપણ સંસ્થાને અંકુશમાં લઇ શકી નથી. સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની એક એક વિષયની પરીક્ષા નવેસરથી લેવાની જાહેરાત કરી ચુકી છે ત્યારે ભારે હોબાળો થઇ રહ્યો છે. બીજી બાજુ પેપર લીક થવાના મામલામાં બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ધોરણ ૧૦ના પેપરને લીક કરવાના મામલામાં એક અને ધોરણ ૧૨ના પેપરને લીક કરવાના મામલામાં અન્ય એક એફઆઈઆર દાખલ કરાઈ છે. પેપરલીકના મામલામાં કેટલીક સ્કૂલોની સંડોવણી પણ ખુલી રહી છે.