’ફેસબુક’ લોહીમાં ભળી ગયું છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચૂંટણી વ્યૂહ માટે નીમેલ કેમ્બ્રિજ એનાલયટિકાએ ફેસબુકના પાંચ કરોડથી વધુ યુઝર્સના ડેટા હસ્તગત કર્યા હતા તેવા વિવાદે વિશ્વભરને ઘમરોળ્યું છે. ભારતીયોના ડેટા પણ તેમાં સામેલ હોય જ તે સ્વાભાવિક છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજા માટે આરોપ લગાવ્યા કે તેઓ ચૂંટણી જીતવા માટે અને સોશ્યિલ મીડિયામાં નેતાઓના ફોલોઅર્સનો વિશાળ આંક બતાવવા માટે આ એજન્સીને નાણાં ચૂકવે છે.ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે પણ કબુલ્યુ છે કે ફેસબુકની ટેકનોલોજીની ખામી એવી તો છે જ કે ડેટા ચોરી શકાય. ઝકરબર્ગે વૈશ્વિક માફી માંગીને એવી ખાતરી આપી છે કે જેમ બને તેમ ઝડપથી તે ફેસબુકને ફૂલપ્રુફ બનાવશે.ટેકનોલોજીના નિષ્ણાતોનો એક બહોળો વર્ગ એવો પણ છે જેઓ ઝકરબર્ગ પર એવો આરોપ મુકી રહ્યા છે કે ખરેખર તો આવી કંપનીઓનો મુખ્ય ધંધો જ તેમના યુઝર્સ કે ગ્રાહકોના ડેટા વેચવાનો છે. ઝકરબર્ગ અજાણ બનીને માફી માંગે છે તેને જૂઠ્ઠાણુ ગણવામાં આવી રહ્યું છે.ફેસબુક પર કેસ થઇ શકે તેમ છે. કોપી રાઇટ અને પેટન્ટની ચોરીના કેસ કરતા પણ આ ગંભીર ઘટના છે. તમારી સંપૂર્ણ માહિતી, તસવીરો, મૂડ-મિજાજ, રસ-રૃચિ અને વર્તમાન લોકેશન્સનો જેઓ નકારાત્મક ઉપયોગ કરવા માંગે છે તેના હાથમાં ડેટા આવી જાય તોકઇ હદે ગંભીર કૃત્ય, મિશન કે ઓપરેશન પાર પાડી શકાય તે અંગે કલ્પના કરો. તમે ધુ્રજી ઉઠશો.ટેકનોલોજીનું ભયસ્થાન એવા સ્ટેજ પર પહોંચ્યું છે કે આગળ જતા આપણા બેંકિંગ, કાર્ડસ અને તમામ ઓનલાઈન વ્યવહારોના પાસવર્ડ કોઈ એક ગુ્રપ પાસે આવી જ શકે.ડેટા ચોરીના પૂરાવા માટે દૂર જવાની જરૃર નથી. તમે જેવી એક બેંકમાં ડિપોઝિટ મુકશો તે સાથે જ તમે અન્ય બેંકોની સેવા પણ ચઢીયાતી છે તેની જાહેરાત કરતા ઇમેઇલ કે મેસેજ તમને મળવા માંડશે.તમે જેવી વિમાનની ટિકીટ બુક કરાવશો તો હોટેલ બુકિંગ અને અન્ય એરલાઈન્સના મેસેજનો મારો ચાલશે. તમે એપાર્ટમેન્ટ ખરીદવા એકાદ એજન્સીની પુછપરછ કરશો તો હાઉસિંગ લોનથી માંડી અન્ય રીયલ એસ્ટેટ સંબંધી મેસેજ અને મેઇલ મળતા થશે.તમે એક રેસ્ટોરન્ટમાં ભોજન લીધું એટલે વખતોવખત તમને અન્ય રેસ્ટોરાની ઓફર, ફુડ ફેસ્ટિવલ કે બેન્ક્‌વેટ પાર્ટીના ફોન આવશે. ડેટાની આ હદે ટ્રાન્સફર કરતી સીસ્ટમ છે. એનો અર્થ એમ કે જે એજન્સી ઇચ્છે તે તમારા અને સમગ્ર કુટુંબ પર નજર રાખી શકે છે. કાર ખરીદો તો જૂની કાર લે-વેચનો મેસેજ આવી જાય.ફેસબુક પાસે તો તમારી કેટલીયે પોસ્ટ તેમના ડેટા બેંકમાં પડી હશે.જુદા જુદા બિઝનેસ અને ફેસબુકનો ડેટા ચોરીનો ધંધો આવા હરખઘેલા થકી જ ચાલે છે. એક બહોળો લઘુતાગ્રંથિથી પીડાતો વર્ગ કંઇ જ નવી વાત, માહિતી કે પાકટ વિચારમંથન ધરાવતી પોસ્ટ ના હોય તો પણ જો તે કોઈ જાહેર વ્યક્તિએ જાણી જોઇને તેની લોકપ્રિયતા ટકાવી રાખવા મુકી હોય તો પણ તેને લાઇક કરે, અર્થહીન, ચમચાગીરી કરતી કોમેન્ટ કરે.આવી વ્યક્તિઓ અસલામતિથી પીડાતી હોય છે તે તેના ચાહકોને ખબર નથી હોતી. આવી જાહેર વ્યક્તિ રોજ કે દિવસમાં બે વખત પોસ્ટ મુકીને તેની લાઈક હજુ અકબંધ છે ને તે ચકાસી લે છે. તેમા વળી તેનાં ભક્તો જ પ્રશંસા કરે કે અમે એવરેસ્ટનું શિખર સર કરીએ તો પણ પંદર-પચ્ચીસ લાઈક મળે અને તમે હાથમાં સંતરૃ પકડીને એક બે લાઈન લખો તો પણ હજાર લાઈક મળે.આપણને એ ખબર હોવી જોઇએ કે ફેસબુક ડેટા-કોમેન્ટ-ચર્ચા વગેરે પર માત્ર કેમ્બ્રિજ એનાલયટિકા કે ચૂંટણી જીતવા માટેની જે બ્રાન્ડિંગ કંપનીઓ રખાતી હોય છે તેની જ નહીં પણ કોઇ વિચારધારાનું જુથ, ધર્મો, સંપ્રદાયો, કોર્પોરેટ જગત, એનજીઓ, લૂંટ કરતી ગુનેગારોની ટોળકી અને જાણભેદુ પણ નજર રાખતા હોય છે. વિદેશના નાગરિકો આપણી જેમ ફેસબુકમાં પોસ્ટ મૂક્તા જ નથી. આમ પણ તેઓ તેમની દુનિયામાં મસ્ત છે. આપણો સમાજ ટિપીકલ મધ્યમ વર્ગની માનસિકતાનું પ્રદર્શન કરે છે.
રાજકારણીઓ, પક્ષો અને વિચારધારાના મશાલચીઓ જે સ્ક્રીપ્ટ ટુંકા સમય માટે વહેતી કરે તેમાં સ્નાન કરવાનું. સતત કોઈ આપણો ઉપયોગ કરતું હોય તેવું લાગે. આવી ચર્ચા, મુદ્દો અલ્પ જીવી હોય છે.આવા અલ્પજીવી રાખવા માટે રચાયેલા ટુકડા આપણી તરફ ફેંકાય છે અને આપણે જાણે બુધ્ધિજીવી હોઈએ તેમ તેમાં આપણું કમંડળ ડહોળીએ છીએ. કંઇક અર્થપુર્ણ, પાકટ અને પરિણામલક્ષી એજેન્ડા પકડી રાખવો જોઇએ.’વ્હોટસ એપ’ જેવા સોશ્યિલ મીડિયામાં ભારત જેટલી તત્ત્વજ્ઞાાન, સુવાક્યો, મોટિવેશનલ સ્પીચ, સત્સંગ, પોઝિટિવ લાઇફ અને ચારિત્ર્ય ઘડતરની પોસ્ટ વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતી છતા ભારત દંભ પ્રધાન, મતલબી, સ્વકેન્દ્રી, ભ્રષ્ટ તેમજ સામી વ્યક્તિને ગબડાવવાની માનસિકતા ધરાવતો જ દેશ બનતો જાય છે.મગજના જ્ઞાાનતંતુના અભ્યાસના નિષ્ણાત ડીન બુર્નેટ્ટે ’ધ હેપ્પી બ્રેઇન’ નામના પુસ્તકમાં ’ફેસબુક’ જેવા માધ્યમને ખાંડ (સુગર) તરીકે ઓળખાવી અને સાથે ઉમેર્યું કે સુગર મગજની સ્ફૂર્તિ અને સમગ્ર દૈહિક ચયાપચયની અને જ્ઞાાનતંતુઓને એક અનોખી આનંદની અનુભૂતિ કરાવતી હોય છે. દૈહિક ચયાપચય થકી પણ સુગર તમામ અંગો માટે જરૃરી છે.આ જ સુગરને પચાવતી સિસ્ટમ આપણામાં ના હોય કે તેનો અતિરેક થાય તો તેનું પરિણામ શું આવે છે તે આપણે જાણીએ છીએ. પ્રમાણસર સોશ્યિલ મીડિયા આપણા મસ્તિષ્કને પ્રસન્ન રાખે છે. આપણી સાથે આપણો સમાજ છે. આપણા સગા-સ્નેહી આપણી સુખ-દુખમાં સાથે છે તેવો એહસાસ કરાવે છે. આમ છતા જેમ ડાયાબિટીસના દર્દી સુગર ત્યજી નથી શક્તા તેમ તેના અતિરેકના દુષણે કે ડેટા ચોરી થઇ શકે છે તેવી સંભાવના છતા આપણે ફેસબુક જોડે છેડો ફાડી નથી શકવાના તે હકીકત છે.ફેસબુક ડીલીટ કરવાનું જેઓ ઇચ્છતા હતા તેઓને તરત એ પણ જાણવા મળ્યું કે કેટલીક વેબસાઇટ અને એપને તમે તો જ ડાઉનલોડ કરી શકો જો તમારી પાસે ફેસબુક એકાઉન્ટ હોય, ’ટીન્ડર’ જોડે ૫ાંચ કરોડ ગ્રાહકો ’ફેસબુક’ થકી જ સાઈન ઇન થયા છે. સમાજશાસ્ત્રીઓ તેમજ મનોવિજ્ઞાાનીઓનો એક બહોળો વર્ગ ફેસબુકનો વિરોધી છે તેઓએ તક ઝડપીને સોશ્યિલ મીડિયાથી જોડાણ કાપી લો તેવી ઝૂંબેશ ઉપાડીને સેમિનાર, વર્કશોપ યોજ્યા છે. વિશ્વના અગ્રણી દૈનિકો અને સામાયિકોમાં તેઓના લેખો પ્રકાશિત થાય છે. ફેસબુકની પ્રચંડ સફળતાથી પીડાતી કંપનીઓએ પણ ’ડીલીટ ફેસબુક’ ઝૂંબેશને ડીજીટલ પ્રયાસ માટે ફંડ પુરૃ પાડયું છે.યુજેન રોચ્કો નામના ટેકનોક્રેટે ’માસ્ટોડોન’ નામનું ફેસબુક જેવુંજ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જે ડેટાની રીતે સલામત અને માર્કેટિંગ માટે નહીં હોઈ ઓછા ભયસ્થાનો ધરાવે છે. ફેસબુકના વિશ્વવ્યાપી ૨.૨ અબજ યુઝર્સ છે તેની સામે ’માસ્ટોડોન’ ના માંડ ૧૨ લાખ યુઝર્સ છે પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી ’ફેસબુક’ ડીલીટ કરનારા તેના તરફ વળ્યા છે.’ફેસબુક’ને ડીલીટ કરી તેનામાંથી નિકળી જવું તે જાણે બહુ મોટુ પરાક્રમ હોય તેમ ’ન્યુયોર્ક ટાઈમ્સ’ જેવા અખબારમાં જુદા જુદા ક્ષેત્રોના જે મહાનુભાવોએ ફેસબુક છોડયું છે તેની તસવીર સાથે તેમના મંતવ્યો પ્રગટ થવા માંડયા છે.ફેસબુક યુઝર્સના આંકડાઓમાં ૧ ટકા જેટલો પણ કડાકો નથી પડયો. જેઓ છોડવાની હિંમત બતાવી હતી તેમાના મોટાભાગનાં તેની જોડે ફરી કનેક્ટ થઇ ગયા છે. ’ફેસબુક’ જાણે લોહીમાં ભળી ગયું છે.