બોલ સાથે ચેડા : સ્ટિવ સ્મિથ અને વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ

કરોડો ક્રિકેટ ચાહકો બે ધરખમ બેટ્‌સમેનોની બેટિંગ નહીં જોઈ શકે

બોલ સાથે ચેડા : સ્ટિવ સ્મિથ અને વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ

વોર્નર તેમજ સ્મિથ બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ પણ કરી શકશે નહીં : બોલ સાથે ચેડા કરતા ઝડપાયેલો બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ

મેલબોર્ન, તા. ૨૮
બોલ ટેમ્પરિંગ વિવાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને લઇને અતિકઠોર નિર્ણય કર્યો છે જેના કારણે આ બે ટોપના બેટ્‌સમેનોની બેટિંગ ક્રિકેટ ચાહકોને થોડાક સમય સુધી જોવા મળશે નહીં. આ વિવાદમાં આખરે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરની સામે સજાની જાહેરાત કરી દીધી છે. બંને ઉપર ૧૨ મહિનાનો પ્રતિબંધ લાદી દીધો છે જ્યારે બેટ્‌સમેન કેમરુન બેનક્રોફ્ટ ઉપર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવ મહિનાનો પ્રતિબંધ લાદી દીધો છે. વોર્નર અને સ્મિથ આગામી બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ પણ કરી શકશે નહીં. સ્મિથ આ સસ્પેન્શનના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૧૮માં રમી શકશે નહીં. વોર્નર પણ રમી શકશે નહીં. સ્મિથે રાજસ્થાન રોયલ્સના કેપ્ટનપદેથી અને વોર્નરે સનરાઈઝ હૈદરાબાદના કેપ્ટનપદેથી રાજીનામુ આપી દીધું છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ન્યુલેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે ચેડા કરવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો જેના કારણે વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો. કેપટાઉન ટેસ્ટમાં ૨૪મી માર્ચના દિવસે વિશ્વ ક્રિકેટમાં બોલ સાથે ચેડા કરવાને લઇને વિવાદ ફરી એકવાર સપાટી ઉપર આવી જતાં ખળભળાટ મચી ગયો હતો. કરોડો ક્રિકેટ ચાહકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. કારણ કે દુનિયાના બે દિગ્ગજ બેટ્‌સમેનો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર આ મામલામાં ફસાયા હતા. ગુનાની કબૂલાત કરી લીધા બાદ ઓસ્ટ્રેલિયાએ તરત કાર્યવાહી કરીને સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને કેપ્ટન અને વાઇસ કેપ્ટન પદેથી પડતા મુકી દીધા હતા. બંનેની પાસેથી ક્રમશઃ કેપ્ટનશીપ અને વાઇસ કેપ્ટનશીપ લઇ લેવામાં આવી હતી. આની સાથે જ દક્ષિણ આફ્રિકામાં રમાનાર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી ટીમ પેનને સોંપી દેવામાં આવી હતી. બોલ સાથે ચેડા કરવાનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ અને ઓસ્ટ્રેલિયન ખેલાડી બોલ સાથે ચેડા કરતા કેમેરામાં કેદ થઇ ગયા બાદ સ્મિથે મિડિયા સમક્ષ આવીને આ બનાવની કબૂલાત કરી હતી. સ્મિથે કહ્યું હતું કે, બોલ સાથે ચેડા થયા છે. આ તેમની ટીમના ગેમ પ્લાનના એક હિસ્સા તરીકે હતો. ટીમની રણનીતિ બનાવનાર ખેલાડીઓની સંડોવણી નિકળી હતી જેમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર સામેલ હતા. આ બનાવ બન્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો હતો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કમ ટર્નબુલે આ અંગે દુખ વ્યક્ત કરીને ઘટનાને શરમજનક તરીકે ગણાવી હતી. ત્યારબાદથી ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન સ્પોટ્‌ર્સ કમિશન દ્વારા મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. કેપ્ટન તરીકે સ્ટિવ સ્મિથ અને વાઇસ કેપ્ટન તરીકે ડેવિડ વોર્નરને તરત દૂર કરવામાં આવ્યા હતા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ બાદ આજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ અતિ કઠોર નિર્ણય લીધો હતો અને સ્મિથ અને વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ લાદી દીધો હતો.

પ્રતિબંધ બાદ એક વર્ષ તમામ મેચો ગુમાવશે

IPL થી મળેલી જંગી રકમ બંનેને હવે પરત આપવી પડશે રકમ બંનેને હવે પરત આપવી પડશે
ભારતની સામે ૪ ટેસ્ટ મેચો, આઈપીએલમાં નહીં રમે

મેલબોર્ન, તા. ૨૮
બોલ સાથે ચેડા કરવાના મામલામાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧૨ મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ આ બંને ખેલાડીઓ અનેક મહત્વપૂર્ણ મેચો ગુમાવશે. આ ૧૨ મહિનાના પ્રતિબંધનો મતલબ એ છે કે, આ બંને ભારતની સામે રમાનારી સિરિઝમાં પણ ભાગ લઇ શકશે નહીં. ભારતીય ટીમ આ વર્ષના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ ગાળા દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચ રમશે. આની સાથે સાથે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પણ આ બંને ખેલાડી રમી શકશે નહીં. બંને ખેલાડીઓએ આઈપીએલમાં પોતપોતાની ટીમના કેપ્ટનપદેથી રાજીનામુ આપી દીધું છે. બંને ખેલાડીઓને આઈપીએલમાંથી મળેલી જંગી રકમ પણ પરત કરવી પડશે. ૧૩મી જૂનથી ઇંગ્લેન્ડની સામે રમાનારી ઓસ્ટ્રેલિયાની પાંચ વનડે મેચોની શ્રેણીમાં પણ આ બંને ખેલાડીઓ રમી શકશે નહીં. એવી આશા છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઝિમ્બાબ્વેની સામે વનડે શ્રેણી રમી શકે છે. આ ઉપરાંત આ બંને ખેલાડી બાંગ્લાદેશની સામે રમાનારી ટેસ્ટ મેચમાં પણ રમી શકશે નહીં. એકંદરે એક વર્ષમાં રમાનારી તમામ મેચોમાં આ બંને ખેલાડીઓ દેખાશે નહીં.