ભરી કોર્ટમાં ચિદ્મ્બરમે દીકરા કાર્તિને કહ્યું- બેટા ચિંતા ન કરતો હું છું ને!

બપોરે બે વાગે શરૂ થયેલી સુનાવણી સાંજે લગભગ પોણા 6 વાગ્યા સુધી ચાલી

નવી દિલ્હી: આઇએનએક્સ મીડિયા કેસમાં ગુરુવારે સીબીઆઇ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા અને કાર્તિ ચિદમ્બરમ તરફથી અભિષેક મનુ સિંધવી કોર્ટમાં હાજર થયા. બપોરે બે વાગે શરૂ થયેલી સુનાવણી સાંજે લગભગ પોણા 6 વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘણો તીવ્ર વિવાદ થયો. આ દરમિયાન પી. ચિદમ્બરમ પણ કોર્ટ પહોંચ્યા. તેમણે પોતાના દીકરાની પીઠ પર હાથ રાખીને તેને હિંમત આપતા કહ્યું, બેટા! ચિંતા ન કરીશ, હું છું ને. આઇએનએક્સ મીડિયા કેસમાં અરેસ્ટ થયેલા કાર્તિ ચિદમ્બરમને પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે 5 દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધો. સીબીઆઇએ કાર્તિને ફરીથી કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાંડની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ લંડનથી પાછા ફરતા ચેન્નઇ એરપોર્ટ પર કાર્તિની ધરપકડ કરવામાં આવી હતી અને

પછી તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો.

કોર્ટમાં થયો તીવ્ર વિવાદ

– તુષાર મહેતા (એએસજી): કાર્તિના 14 દિવસના રિમાંડ જોઇએ છે. રાતે ચેકઅપ માટે સફદરગંજ હોસ્પિટલ લઇ ગયા હતા. છાતીમાં દુઃખાવો અને બેચેનીના કારણે આખી રાત આઇસીયુમાં રહ્યા. પૂછપરછ થઇ શકી નથી.

– અભિષેક મનુ સિંઘવી (કાર્તિના વકીલ): સીબીઆઇ અડધા-પડધા ફેક્ટ્સ રજૂ કરી રહી છે. રિમાંડ ન આપી શકાય.
– મેહતા: તપાસ બાકી છે. કાર્તિના 3 મોબાઇલનો ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી છે. ઇંદ્રાણીના નિવેદનોના તથ્યોની તપાસ કરવાની છે.
– સિંઘવી: કેસ મે 2017માં નોંધાયો હતો. ઓગસ્ટમાં 20 કલાક પૂછપરછ કરવામાં આવી. ગયા વર્ષે ઓગસ્ટ પછી કોઇ નોટિસ નથી મોકલી. હવે કંઇ નથી બચ્યું.
– મેહતા: કસ્ટડીમાં પૂચપરછ કરવી છે. ચેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કાર્તિની કંપની છે. જાણવું છે કે એડવાન્ટેજ સ્ટેટિક પ્રા. લિ. કોની છે. બંને કંપનીઓનું બેલેન્સ ચેક કરવું છે.

– સિંઘવી: સીબીઆઇની કાર્યવાગી રાજકારણથી પ્રેરિત છે. હું 20-25 દિવસથી વિદેશમાં હતો. ચેન્નઈમાં વિમાનમાંથી ઉતરતાની સાથે જ ધરપકડ કરી લીધી. મદ્રાસ હાઇકોર્ટની પરવાનગીથી વિદેશ ગયો. પાછા ફરતા જ હોળીની ગિફ્ટમાં ધરપકડ મળી.

– મેહતા: બદલાની ભાવના નથી. અમારી પાસે પૂરતા પુરાવાઓ છે.
– સિંઘવી: તમારા સવાલોના જવાબ તો ઓગસ્ટ 2017માં જ આપી દીધા હતા. હવે તે જ સવાલો પૂછવા એ દગાબાજી છે. કુંભકર્ણ 6 મહિનામાં એક વાર જાગે છે. તપાસ એજન્સીએ પણ 6 મહિના પહેલાની પૂછપરછ પછી અચાનક જ કાર્તિની ધરપકડ કરી લીધી.

– મેહતા: કેસમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે ઇડીના દરોડામાં હાર્ડ ડિસ્ક મળી. તેમાં ઇનવોઇસ મળ્યું. સીબીઆઇને આઇએનએક્સની ઓફિસમાં દરોડા દરમિયાન તે જ ઇનવોઇસની હાર્ડ કોપી મળી હતી.

– કોર્ટે કહ્યું- તપાસ પ્રાથમિક અને નાજુક તબક્કામાં છે. સીબીઆઇએ ઘણા પુરાવા હોવાનો દાવો કર્યો છે, જેની તપાસ કરવાની જરૂર છે. આ કેસમાં મોટું કાવતરું અને 6 આરોપીઓ સાથે આમનો-સામનો કરાવવો જરૂરી છે. તપાસ પૂરી કરવા માટે રિમાંડ જરૂરી છે.