ભારતનાં ભાગલા માટે જવાબદાર

ભારતનાં ભાગલા માટે જવાબદાર

બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનને ખાળી શકાયું હોત. હવે જ્યારે ઓગસ્ટ ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યાં અને ૧૯૭૧માં તો પાકિસ્તાનની પૂર્વ પાંખ તૂટીને બાંગલાદેશમાં રૂપાંતરિત થઈ. ઈતિહાસના ઘટનાક્રમને મિટાવવાનું અશક્ય હોય છે, છતાં જર્મનીમાંથી પીએચ.ડી. થઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય બનેલા અને પાછળથી પ્રજા સમાજવાદી પક્ષના નેતા થયેલા ડો. રામમનોહર લોહિયાએ ૧૯૬૭માં જીવનલીલા સંકેલી લીધાનાં સાત વર્ષ પૂર્વે એક સ્વપ્ન નિહાળ્યું હતું. ‘ગિલ્ટી મેન ઓફ ઈન્ડિયાઝ પાર્ટીસન’માં એમણે નોંધ્યું હતુંઃ ‘એક દિવસ ફરી દેશના વિભાજિત ટુકડા એક થઈને અખંડ ભારતનું સર્જન કરશે.’ જર્મનીમાં એ ડોક્ટરેટ કરીને સ્વદેશ પાછા ફર્યા પછી જર્મનીને તાનાશાહ એડોલ્ફ હિટલર મળ્યો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરના પરાજયને પગલે જર્મનીનું પૂર્વ અને પશ્ચિમમાં વિભાજન થયું હતું. દાયકાઓ પછી બર્લિન દિવાલ તૂટી અને બેઉ જર્મની એકાકાર થયાં. બે જર્મનીને એક થતાં નિહાળવા ડો. લોહિયા જીવિત નહોતા પણ પૂર્વના ડાબેરી અને પશ્ચિમના જમણેરી જર્મનીના નેવુંના દાયકામાં એકીકરણે ભારત અને કોરિયા માટે આશાના દીવડા જરૂર પ્રગટાવ્યા છે. ઉત્તર યમન અને દક્ષિણ યમન એક થઈ શકે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઈલુ-ઈલુ ચાલુ થઈ શકે, તો ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશ ફરીને ભારત કે હિંદુસ્તાન કેમ ના થઈ શકે?બ્રિટિશ શાસકો ઉચાળા ભરીને લંડન ભેગા થવાના હતા ત્યારે બ્રિટિશ ઈંડિયાને છિન્નભિન્ન કરીને જવાની એમની મંછા હોવાનું સ્પષ્ટ હતું. જોકે, બ્રિટિશ હાકેમોને શિરે જ દોષ મઢવા જતાં બીજા ગુનેગારોને નિર્દોષ જાહેર કરવા જેવું લેખાશે. લોર્ડ વેવલે પ્રાંતિક સ્વાયત્તતા બક્ષવાનું ગાજર લટકાવ્યું ત્યારથી ભારતના વિભાજનની તૈયારી આદરી લીધાનું મનાય છે. લોર્ડ માઉન્ટબેટનને શિરે તો ૩ જૂન ૧૯૪૭ના રોજ ભારત સંઘ, પાકિસ્તાન સંઘ અને દેશી રજવાડાં માટેના વિકલ્પોની જાહેરાત જ કરવાની આવી હતી.ઈતિહાસની ઘટનાઓમાં ‘જો અને તો’ને અવકાશ નથી, છતાં એટલું ચોક્કસ કહી શકાય કે જેમ ભારતના હિંદુ રાજાઓના આપસી કલહે મુસ્લિમ આક્રમણખોરોને માટે લાલ જાજમ પાથરી એવું જ કાંઈક બ્રિટિશ હાકેમો માટે કરી અપાયેલી મોકળાશમાં જોવા મળે છે. કોંગ્રેસના નેતા તરીકે જે મોહમ્મદ અલી ઝીણા ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને દેશ તોડવાનું કાવતરું ગણાવતા હતા, એ જ ઝીણા મુસ્લિમોના મસીહા બનીને ૧૯૪૭માં પાકિસ્તાન મેળવવામાં સફળ થયા. ડો. લોહિયા કહે છેઃ ‘ભારત અને પાકિસ્તાન બેઉ બાજુના લોકો પોતે હિંદુ અને મુસ્લિમ તરીકેના ભેદ ભૂલીને કામ કરવા તૈયાર હોય, તો વિભાજનની દીવાલો ગબડી પડવાનું અશક્ય નથી.’ સી. રાજગોપાલાચારી કે કોમ્યુનિસ્ટો તો પાકિસ્તાનને મંજૂર કરવાના પક્ષે હતા, પણ અખંડ ભારતની બૂમરાણ મચાવનારા કટ્ટર હિંદુવાદી શક્તિઓ પણ પાકિસ્તાનની રચનાનું સમર્થન કરતી હતી. હિંદુ અને મુસ્લિમ વચ્ચે અવિશ્વાસનો જે માહોલ સર્જાયો હતો એ વિભાજન માટે જવાબદાર હતો.‘અખંડ ભારતના પક્ષે સૌથી વધુ અને મોટા અવાજે સૂત્રોચ્ચાર કરવાવાળા, અત્યારના જનસંઘ અને એના અગાઉના પક્ષપાતી હિંદુવાદની ભાવનાના અહિંદુ તત્વો બ્રિટિશ અને મુસ્લિમ લીગની વિભાજનની કામગીરીમાં મદદ કરી રહ્યાં હતાં’ એવું નોંધીને ડો. લોહિયા ઉમેરે છેઃ ‘એક રાષ્ટ્રની અંદર મુસલમાનોને હિંદુઓની નજીક લાવવા બાબત તેમણે કાંઈ ના કર્યું. આવી વિભાજનકારી વૃત્તિએ જ ભાગલા સર્જ્યા હતા.’ તેમણે ‘ભારત વિભાજન કે ગુનહગાર’માં નોંધ્યુંઃ ‘ભારતના મુસલમાનોના વિરોધી હકીકતમાં પાકિસ્તાનના મદદગાર છે. હું ખરા અર્થમાં અખંડ ભારતીય છું. મને વિભાજન સ્વીકાર્ય નથી.’ કોમ્યુનિસ્ટોની મુસ્લિમોમાં ટેકો મેળવવાની લાલસાને જવાબદાર ગણવાની સાથે જ ગાંધીજીને અંધારામાં રાખીને સરકાર પટેલે અને પંડિત નેહરુએ ભાગલાને સ્વીકારી લીધાની વાત પણ લોહિયા નોંધે છે. ડો. લોહિયા ૧૪ જૂન ૧૯૪૭ના રોજ ભાગલાના પ્રસ્તાવ પર નિર્ણય કરવા માટે મળેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં એકથી વધુ વખત મહાત્મા ગાંધીએ પોતાને અંધારામાં રખાયાની વાત કહી ત્યારે સરદાર અને નેહરુએ એ વાતને ઊડાવી દીધી હતી.કોંગ્રેસના અધ્યક્ષ રહેલા મૌલાના આઝાદ ‘ઈંડિયા વિન્સ ફ્રીડમ’માં વિભાજનના સઘળા દોષનો ટોપલો સરદાર પર નાંખવાની કોશિશ કરે છે, પણ ડો. લોહિયા તો એટલે સુધી કહે છે કે એ બેઠકમાં ભાગલાનો વિરોધ કર્યાનો દાવો કરનાર મૌલાના હકીકતમાં એક ખૂણામાં ખુરશીમાં બેઠાબેઠા સિગારેટ ફૂંક્યા કરતા હતા. એમણે વિરોધ કર્યો નહોતો. વિરોધ કરવાનું કામ ચાર જ વ્યક્તિએ કર્યું હતુંઃ ‘એક હું અને જયપ્રકાશ (નારાયણ) તથા ખાન અબ્દુલ ગફાર ખાન તથા ગાંધીજીએ.’આઝાદીની લડાઈ ખૂબ લાંબી ચાલી. કોંગ્રેસી નેતાઓ જેલમાં જવા અને છૂટવાના ક્રમમાં સતત વ્યસ્ત રહ્યા. ૧૯૪૭ આવતાં લગી તો તેઓની ઉંમર ઢળતી જતી હતી અને સત્તા મેળવવાની મહેચ્છા પણ વધતી જતી હતી. સરદાર પટેલે તો મુસ્લિમ લીગ સાથે વચગાળાની સરકારના કટુ અનુભવો પછી ભાગલા સ્વીકારીને લીગીઓથી પીછો છોડાવવા મન બનાવી લીધું હતું. વધુ કોઈ આંદોલન કે સત્યાગ્રહ આદરવાની કોંગ્રેસી નેતાગીરીમાં શક્તિ રહી નહોતી એવા સંજોગોમાં ભાગલા જ એકમાત્ર ઉકેલ લાગતો હતો. કોમી રમખાણો અને રોજિંદી માથાકૂટથી છૂટકારો મેળવવા કોંગ્રેસની નેતાગીરી ભાગલા સ્વીકારવા માટે તૈયાર હતી. થોડી રાહ જોઈ હોત તો ભાગલા ટળી શક્યા હોત એવું ડો. લોહિયાનું કહેવું આજે ભલે વાજબી લાગતું હોય, એ સમયે બંનેમાંથી કોઈ પક્ષ રાહ જોવાની તૈયારીમાં નહોતો.ભાગલા પછી પણ ડો. લોહિયા કહે છે કે પાકિસ્તાન અને ભારતના મુસ્લિમો પોતાને ગઝનવી કે ઘોરી જેવા લૂંટારા કે આક્રમણખોરોને પોતાના પૂર્વજ માની લેવાની ભૂલ કરીને કોમી વિભાજનને તાજું રાખવાની ભૂલ કરી છે.જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભારતના ભાગલાને લઇને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ફારૂખ અબ્દુલ્લાએ જણાવ્યું કે મોહમ્મદ અલી જિન્ના પાકિસ્તાન બનાવાની તરફેણમાં ન હતા. તેમણે કહ્યું કમિશન આવ્યું, તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે હિન્દુસ્તાનના ભાગલા નહીં કરીએ.અમે મુસ્લિમ માટે એક વિશેષ પ્રતિનિધિત્વ રાખીશું. શિખો તેમજ અલ્પસંખ્યકો માટે વિશેષ પ્રતિનિધિત્વ આપીશું પરંતુ દેશના ભાગલા પાડીશું નહીં. અબ્દુલ્લાએ કહ્યું કે જિન્નાએ આ વાત માની લીધી પરંતુ જવાહરલાલ નહેરૂ, મૌલાના આઝાદ અને સરદાર પટેલે આ વાતનો સ્વીકાર કર્યો નહીં.અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે આમ ન થયું ત્યારે જિન્નાએ ફરી અલગ દેશ પાકિસ્તાન બનાવાની માગણી શરૂ કરી દીધી. ફારુખ અબદુલ્લાએ કહ્યું કે જો તે સમયે માગણીઓનો સ્વીકાર કરી લીધો હોત તો આવો દેશ ક્યાંય ન હોત. અબ્દુલ્લાએ કહ્યું કે તો ન બાંગ્લાદેશ હોત કે ન પાકિસ્તાન પરંતુ આજે એક ભારત હોત.૧૯૪૭ની ત્રીજી જૂને ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉંટબૅટને ભારતના ભાગલાની યોજના જાહેર કરી. આ પહેલાં બ્રિટનના વડા પ્રધાન ઍટલીએ ૨૦મી ફેબ્રુઆરીએ બે મહત્ત્વની જાહેરાત કરી દીધી હતીઃ
૧. જૂન ૧૯૪૮થી પહેલાં બ્રિટિશ ઇંડિયામાં સૌથી મોટા ભારતીય પક્ષના હાથમાં સંપૂર્ણ સત્તા સોંપી દેશે.
૨. દેશી રજવાડાંનું શું કરવું તેનો નિર્ણય સત્તાસોંપણીની પાકી તારીખ નક્કી થયા પછી કરાશે.
પરંતુ વાઇસરૉય લૉર્ડ વૅવલ આ નિર્ણયો બરાબર લાગુ કરતા નહોતા એમ બ્રિટન સરકારને લાગ્યું તે પછી ૨૨મી માર્ચે માઉંટબૅટનની વાઇસરૉય તરીકે નીમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી. દેશી રજવાડાં પર બ્રિટનની સર્વોપરિતા હતી. અને ફેબ્રુઆરી ૧૯૪૭ સુધી બ્રિટનમાં બે મત હતા. એક મત એવો હતો કે રજવાડાંઓ પર આ આધિપત્ય ચાલુ રાખવું. રજવાડાંને બ્રિટનની સર્વોપરિતા ચાલુ રહે અને પોતે સ્વતંત્ર સત્તા તરીકે ચાલુ રહે તેમાં ખાસ વાંધો પણ નહોતો.અંતે જો કે બ્રિટને સંપૂર્ણપણે સર્વોપરિતા પણ છોડવાનો જ નિર્ણય કર્યો, કારણ કે અમુક મોટાં રાજ્યોને બાદ કરતાં કુલ મળીને ૬૦૦ જેટલાં રાજ્યો હતાં, જેમાંથી અમુક રાજ્ય એટલે પચીસ-પચાસ ગામ જ હતાં. બ્રિટિશ સરકારને લાગ્યું કે બ્રિટિશ ઇંડિયા ન રહ્યું હોય તે સંજોગોમાં એમના વહીવટ પર દૂરથી અંતિમ નિયંત્રણ રાખવાનું સહેલું નથી. વળી કદાચ સેના પણ રાખવી પડે, જે વહેવારુ નહોતું. એટલે સર્વોપરિતા હટાવી લઈને દેશી રજવાડાંઓ પર છોડ્યું કે સ્વતંત્ર રહેવું, ભારતમાં ભળવું કે પાકિસ્તાનમાં – તે પોતે જ નક્કી કરે. પરિણામે, ભારત આઝાદ થયું તે સાથે જ, પણ અલગ રીતે, આ રજવાડાં પણ સાર્વભૌમ, સર્વોપરિ બન્યાં, જે ભારતના ઇતિહાસમાં કદાચ અશોક અને અકબરના શાસનથી માંડીને કેટલીયે સદીઓમાં પહેલી વાર બન્યું. જો કે, અકબર કે ઔરંગઝેબના શાસન વખતે પણ ઘણાં રજવાડાં એમના હસ્તક નહોતાં અને એમને લડાઈઓ કરવી પડતી હતી. સંપૂર્ણ સર્વોપરિતા તો અંગ્રેજો જ સ્થાપી શક્યા હતા.પરંતુ ઍટલીની જાહેરાતનો પહેલો મુદ્દો ખૂબ મહત્ત્વનો હતો. બ્રિટન આઝાદી આપવા તૈયાર હતું પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, એ બે દાવેદારોમાંથી કોના હાથમાં સત્તા સોંપવી? એક જ રસ્તો હતો કે બન્ને સંપી જાય અને સંયુક્ત સરકાર બનાવે. કોંગ્રેસે તો માઉંટબૅટનના આગમન પહેલાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઠરાવ આઠમી માર્ચે જ સરકારને મોકલી આપ્યો હતો. કોંગ્રેસની ધારણા હતી કે ઍટલીની જાહેરાત પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજુતી થાય અને સંયુક્ત સરાકાર બને તે શલ્ય નહોતું. વળી, એને એ પણ ભય હતો કે બંગાળ અને પંજાબ આખાં ને આખાં કોઈ એક ભાગમાં જશે અથવા એમને સ્વતંત્ર બનાવી દેવાશે. જાન્યુઆરીમાં પંજાબમાં ખીઝર હયાત ખાન તિવાનાની યુનિયનિસ્ટ પાર્ટીની સરકારને ઉથલાવી પાડવાનો મુસ્લિમ લીગે પ્રયાસ કર્યો હતો, પરિણામે ત્યાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.કોંગ્રેસનો ઠરાવ વાઇસરૉયને મોકલતાં જવાહરલાલ નહેરુએ આ બનાવો તરફ ઇશારો કરતાં લખ્યું કે પંજાબમાં હાલમાં બનેલા બનાવો પછી એના ભાગલા કરવાનું જરૂરી છે અને એ જ વાત બંગાળને લાગુ પડે છે, કારણ કે કોઈને પણ પરાણે બીજાના અંકુશ હેઠળ મૂકવાનું સારું નથી. નહેરુએ કહ્યું કે જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ બને તેના હાથમાં સંપૂર્ણ સત્તા હોવી જોઈએ અને એ આખા દેશની કૅબિનેટ હોય.માઉંટબૅટને ભારત આવીને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ સાથે વાટાઘાટો શરૂ કરી દીધી. એમને કોંગ્રેસના અભિપ્રાયની ખબર હતી. સરદાર વલ્લભભાઈ અને નહેરુ પંજાબ અને બંગાળના ભાગલાની શરતે પાકિસ્તાનની માગણી સ્વીકારવા તૈયાર હતા, પણ મૌલાના આઝાદને એમ હતું કે માઉંટબૅટન થોડી સૂઝ વાપારીને જિન્ના સાથે વાત કરે અને એમનો અહં સંતોષે તો ભાગલા ટાળી શકાય.