ભારતીય સૈન્યના જડબાતોડ જવાબમાં પાકિસ્તાને ફટકો, 2 સૈનિક ઠાર મરાયા

સરહદે પાકિસ્તાન સૈન્યે ફરીથી યુદ્ધ વિરામનો ભંગ કરી આસપાસના વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ યુદ્ધ વિરામના ભંગ સામે જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર મરાયા હતા.

ગુરુવારે સવારે પાકિસ્તાને જમ્મુ- કાશ્મીરના પૂંછ સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાને થોડા થોડા સમયે ગોળીબાર કર્યે રાખ્યો હતો. ભિંબર સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સૂત્રોના હેવાલ મુજબ આ કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર મરાયા હતા. ગોળીબારમાં પાકિસ્તાની સેનાના સિપાહી મુનીર ચૌહાણ અને આમિર હુસેન માર્યા ગયા હતા.

પાકિસ્તાને મંજાકોટ અને મનકોટાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ભારતના બે જવાનો ઘાયલ થયા હતા. એવું પણ જાણવા મળે છે કે પાકિસ્તાન ભારતની સૈન્ય ચોકી અને રહેણાક વિસ્તારને પણ નિશાન બનાવીને મોર્ટાર અને ઓટોમેટિક હથિયાર વડે ગોળીબાર કરી રહ્યું છે. આ ગોળીબાર બાદ સરહદની આસપાસની શાળા તથા અન્ય સંસ્થાઓ બંધ કરી દેવાઈ હતી.

લશ્કર એ તોયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
ઉત્તર કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં હાજિન ખાતે ગુરુવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આંતકી ઠાર થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ, સૈન્ય અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં ગુરુવાર સવારે બાંદીપોર ખાતે લશ્કર એ તોયબાનો વિદેશી આતંકી ઠાર મરાયો હતો, એમ ડિરેક્ટર જનરલ ઓફ સ્ટેટ પોલીસ એસપી વૈદે ટ્વિટ કરતાં જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકીઓ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ હાજિનના શકૂર દિન મહોલ્લામાં સૈન્યે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એન્કાઉન્ટર જ્યાં થયું હતું, એ સ્થળેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા હતા. એકે 47 રાઇફલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.
પ્રાથમિક તપાસમાં જણાયું છે કે ઠાર કરાયેલો આતંકી લશ્કર એ તોયબાનો હતો, તે પાકિસ્તાની નાગરિક છે,એમ પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું.