ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામે ઘોડો રાખવા બદલ દલિત યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા!

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે એક 21 વર્ષીય દલિત યુવકની હત્યા કરવામાં આવી છે. ગામના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકના પરિવાર અને દલિત આગેવાનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી દલિત યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રદીપ રાઠોડ નામના યુવકને ધોડો ન રાખવા મુદ્દે ધમકી આપવામાં આવી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે ગામના જ કોઈ ક્ષત્રિય યુવકે પ્રદીપને ધોડા પર દલિત ન શોભે તેવું કહીને ધોડો ન રાખવા માટે ધમકી આપી હતી. આ જ યુવક દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રદીપ ઘોડો લઈને ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે ખેતરમાં જ તેની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

મળી રહેલી વિગત પ્રમાણે ટીંબી ગામના કાળુ રાઠોડ નામના વ્યક્તિએ થોડા સમય પહેલા પોતાના પુત્રને શોખ હોવાને કારણે ઘોડો લઈ આપ્યો હતો. અમુક લોકો દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી કે દલિત હોવાથી ધોડો ન રાખે. જોકે, ધમકીઓને અવગણીને પ્રદીપ દરરોજ ધોડો લઈને જ ખેતર જતો હતો.

બધુવારે સાંજે તે ખેતર પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેની હત્યા કરી નાખી હતી. ઉમરાળા તાલુકા ખાતે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ટીંબી ગામના એક યુવક અને બાજુના ગામના બે યુવકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આખા દેશમાં પડ્યા હતા ઉનાકાંડના પડઘા

11મી જુલાઈ, 2016ના રોજ ઉના ખાતે વશરામ સરવૈયા, રમેશ સરવૈયા, અશોર સરવૈયા અને બેચર નામના ચાર દલિતોને કથિત ગૌરક્ષોએ ઢોરમાર માર્યો હતો. આ તમામ લોકો ગામમાં મૃત પામેલી એક ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. તેમના પર કથિત રીતે ગૌહત્યાનો આરોપ લગાવીને તેમને ફટકારવામાં આવ્યા હતા. આ કેસમાં 45થી વધારે આરોપી તેમજ ઉનાના તાત્કાલિન ઇન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી હતી. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારની ગુંજ આખા દેશમાં સંભળાઈ હતી. દેશભરમાં ઠેરઠર જગ્યાએ આંદોલન થયા હતા. મોદીએ પણ એક જાહેરસભાને સંબોધતી વખતે દલિતો પર અત્યાચારની ઘટનાઓને વખોડી કાઢી હતી.

ઉનાકાંડ બાદ દલિતો પર અત્યાચારની ઘટનામાં વધારો

ઉનાકાંડ બાદ ગુજરાતમાં દલિતો પર થયેલા અત્યાચારની ઘટનામાં સતત વધારો થયો હતો. એક આરટીઆઈમાં ખુલાસો થયો હતો કે 2017માં અનુસૂચિત જાતિ અને જનજાતિ એક્ટ અતંર્ગત 115 કેસ નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા 17 વર્ષમાં સૌથી વધારે છે. આ આરટીઆઈ મહેસાણાના દલિત એક્ટિવિસ્ટ કૌશિક પરમારે ફાઇલ કરી હતી. આરટીઆઈમાં માલુમ પડ્યું હતું કે 1515 કેસમાંથી 25 હત્યા, 71 ગંભીર રીતે ઘાયલ કરવા, 103 કેસ મહિલાઓ સાથે બળાત્કારના હતા.