મોન્ડેલેઝ કંપની સામે ખોલ્યો વિતરકોએ મોરચો !

અમદાવાદ

મોન્ડેલેઝ ઇન્ટરનેશનલ અથવા મોન્ડેલેઝ ઇન્ડિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ  (જે પૂર્વે કેડબરી ઇન્ડિયા લિમિટેડ) એટલે કેટબરી, બોર્નવીટા, ફાઈવ સ્ટાર, જેમ્સ, ઓરિઓ, ડેરી મિલ્ક, પર્ક જેવી અત્યંત જાણીતી પ્રોડક્ટસ બનાવતી કંપની। આ કંપની આજકાલ વ્યાપારી વર્તુળોમાં ભારે ગંભીર ચર્ચામાં આવી છે. શું તેની પ્રોડક્ટસ નબળી છે તે  માટે ? તેની સર્વિસ સારી નથી એટલે ? કે પછી કોઈએ તેની સામે કંઈ કાયદાકીય પગલાં લીધા છે એટલે ?

ના, આ પૈકીનું કોઈ કારણ નથી. જોકે  આ કંપનીએ વિતરકોના કહેવા પ્રમાણે ચોરીનું એક ‘જાળતંત્ર’ ઉભું કર્યું છે. આ  માટે તે ચર્ચામાં છે. કંપનીના આ કારનામાને કારણે માત્ર વેપારીઓ જ પરેશાન નથી પરંતુ તેના આ ફર્જીવાળાને કારણે કેન્દ્ર સરકારને  જીએસટીની કરોડોની  ટેક્સ ચોરીનો ચૂનો લાગી શકે તેમ છે !

આખરે શું છે મુદ્દો ?

મોન્ડેલેઝ ઇન્ડિયા ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ તેમની વિવિધ પ્રોડક્ટસનું વેચાણ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે કે વિતરકો અને પેટા-વિતરકોની નિમણુંક કરે છે. વળી, કંપની વેચાણના કેટલાક લક્ષ્યાંકો વિતરકોને આપે છે. તદનુસાર; વિતરકો કંપનીના માર્ગદર્શન હેઠળ જુદા-જુદા આઉટલેટ્સ એટલ કે કે-દુકાનો, ગલ્લાઓ, કરિયાણાની શોપ્સ કે દવાની દુકાનો જેની પાસે એફએસએસઆઈ (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા), હાઇજિનિક કન્ડિશન અને કોલ્ડ ચેમ્બર્સ હોય તેમને જરૂરી પ્રોડક્ટસ પુરી પાડે છે.  જોકે આ આઉટલેટ્સ બનાવવાની સત્તા માત્ર કંપની પાસે  જ છે. આ માટે એક નંબર (04071012338) ઉપર ફોન કરવાનો રહે છે. આ કોલ બાદ કંપનીના પ્રતિનિધિ આઉટલેટ ખોલવા માટે જે-તે કોલ કરનારી વ્યક્તિનો સંપર્ક કરે છે અને આદર્શ રીતે ઉપયુક્ત નોર્મ્સ જો પુરા થતા હોય તો તેની ચકાસણી કર્યા બાદ આઉટલેટ ખોલવાની મંજૂરી આપે છે.

પરંતુ  મોટાભાગના કિસ્સાઓમાં આ જે આઉટલેટ્સ વાસ્તવિક રૂપે કાર્યરત છે કે નહિ અને જો હોય તો કંપની ની પ્રોડક્ટ લેવા ઇચ્છુક છે કે નહિ તપાસ કરવામાં આવતી નથી. શા માટે અને કોના દ્વારા એવું થાય છે ?
આ ‘માલ પ્રેકટીસ’ માટે કંપનીએ એક પોર્ટલ બનાવ્યું છે જેની લિંક અહીં છે : ‘https://cilsales.net/Distributor/RLA_CreateOutlet’. આ પોર્ટલથી આઉટલેટ્સ વિતરક નીમી જરૂર શકે છે, પરંતુ જો કોઈ આઉટલેટ ધંધો ના કરતુ હોય/ બંધ થઇ ગયું હોય કે અસ્તિત્વમાં જ ના હોય  તો તેને સિસ્ટમમાંથી દૂર કરવાની સત્તા વિતરક પાસે નથી. તે માત્ર કંપની જ કરી શકે છે. મુદ્દે, ઓપનિંગ અને કલોસિન્ગ બંનેની ચાવી કંપની પાસે જ છે.

 કંપનીની આ વાતથી પરેશાન છે વિતરકો ?

વિતરકોના જણાવ્યા અનુસાર, ગુજરાતના પ્રત્યેક વિતરકને ઉપર જણાવેલ ઓઉટલેટમાં 20થી લઇને 30 ટકા આઉટલેટ્સ જે ફર્જી, નોન-એક્ઝિસ્ટેન્સ અથવા કંપનીના અનુસાર “ફેન્ટમ’ આઉટલેટ્સ છે; તેનું વિતરકોને દર મહિને ઈન્સેન્ટિવની પ્રીરેક્વિઝિટ અનુસાર 92 ટકા ઓઉટલેટનું મહિનામાં એક વખત બિલ બનાવવાનું હોય છે. હવે જો 20-30 ટકા ‘ફેન્ટમ’ આઉટલેટ્સ હોય ત્યારે કઈ રીતે આ બિલ બને ? આ તદ્દન અવાસ્તવિક વાત છે, છતાં કંપની આ માંગણી વિતરકો પાસે કરે છે; જે અનૈતિક છે.

ઘણા બધા વિતરકોએ કંપનીનું ઈન્સેન્ટિવનું લટકતું ગાજર બાજુ ઉપર મૂકીને પણ “ફેન્ટમ’ ઓઉટલેટની માહિતી કંપનીને મોકલે છે. જેથી કંપની ધારે તો આ માહિતી સાચી હોય તો તેમના સોફ્ટવેરમાંથી નાબૂદ કરી શકે. પરંતુ થાકેલા વિતરકો નથી આઉટલેટ નાબૂદ કરી શકતા કે નથી ઈન્સેન્ટિવ કમાઈ શકતા.(કારણ કે કંપનીના મેનેજરોને આ ધારવું ઈન્સેન્ટીવની કિંમતથી મોંઘુ પડી રહ્યું છે !!!) આખરે મજબૂર થઇ આ જ વિતરકો હથિયાર નેવે મૂકી “ફેન્ટમ” ઓઉટલેટ્સના બિલ બનાવે લાચાર બને છે.

આ ઉપરાંત, અન્ય 11 મુદ્દા જે વિતરકોની સમસ્યાના છે; તે ન્યૂઝ 18 પાસે છે. જે અંગેની જાણકારી કંપનીના અધિકારીઓને છેલ્લા 20 દિવસથી સમયાંતરે ઈ-મેલ દ્વારા જણાવેલ છે અને આ એક મુદ્દાની જેમ અન્ય મુદ્દાઓનું સમાધાન નહિ થાય તો ‘ન્યૂઝ18 ગુજરાતી” તેને ભવિષ્યમાં મજબૂત રીતે ઉજાગર કરશે.

એસોસિએશન નું શું કહેવું છે ?

એસોસિએશને તેમના ડિસ્ટ્રિબ્યુટર મિત્રો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ જણાવ્યું  છે કે, જયારે કંપની તેમને ડિસ્ટ્રીબ્યુટર તરીકે નીમે છે, ત્યારે ‘આરડી એગ્રીમેન્ટ’ની ઉપર સહી લે છે. ન્યૂઝ 18એ આ એગ્રીમેન્ટ જોયું ત્યારે માલુમ પડ્યું કે, કંપનીના સેલ્સ ડિરેક્ટર હેમંત રૂપાણીએ તેમજ ગુજરાતના હેડ તરીકે રહેલા સંતોષ મિશ્રાએ જે જવાબ આપેલા છે તે તેનાથી અત્યંત વિપરીત છે. એસોસિએશને ઉદાહરણ ટાંકતા જણાવ્યું છે કે, ‘ગોળ ભરેલી ટ્રકમાં ગાંજો મળે તો ટ્રાન્સપોર્ટર જવાબદાર કે માધ્યમ તરીકે રહેલી ટ્રક જવાબદાર ? અમે ડિસ્ટ્રીબ્યુટર્સ માત્ર ને માત્ર કંપનીનો માલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું માધ્યમ છીએ, નહિ કે માર્કેટ શેર વધ્યો કે નહિ, ધંધો કેમ ઓછો થયો જેવા બેતુકા પ્રશ્નોના જવાબ આપવા બંધાયેલા છીએ. આ પ્રકારના જવાબ માટે તો કંપનીએ સેલ્સ ઓફિસર, એરિયા સેલ્સ મેનેજર અને બ્રાંચ સેલ્સ મેનેજર જેવાઓની નિમણુંક કરેલી છે. પણ અહીં તો છેલ્લા છ દિવસ થી કંપનીના અસહકારના કારણે ધંધો નથી તેની તાપસ કર્યા વગર એરિયા સેલ્સ મેનેજર નવીન ભસીન ડિસ્ટ્રિબ્યુટર્સની નબળી કડીઓને “નોન-પ્રોફેશનલ” ઢબે ધમકાવવાનું કામ કરે છે, જેનું રેકોર્ડિંગ પણ ન્યૂઝ18 પાસે છે.

શું કહેવું છે મોન્ડેલેઝ ઇન્ડિયાના પ્રવક્તાનું 

મોન્ડેલેઝ ઇન્ડિયાનો ન્યૂઝ18 ગુજરાતીએ આ મુદ્દે તેમનો મત જાણવા પ્રયાસ કર્યો હતો જેના પ્રત્યુત્તરમાં કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. એક નીતિઆધારિત કંપની તરીકે અમે ક્યારેય નોન-કોમ્પલિઅન્ટ  મેનરમાં વ્યવસાય કરતા નથી. અમારા સંબંધો- અન્ય એફએમસીજી ઇન્ડસ્ટ્રી જેવા જ છે, જ્યાં  અમે  અમારા ડિસ્ટ્રીબ્યુટર પાર્ટનર્સ ને માલ વેચીયે છીએ. અમે ઓટો-રિપ્લેનિશમેન્ટ મોડ અંતર્ગત કામ કરીયે છીએ અને અમારી કમાણી આ વિતરકો દ્વારા થતા વેંચાણ આધારિત હોય છે, જેને વિતરકો રિટેલર્સ ને વેંચે છે. કોઈ જીએસટી લાભ કંપની આ ખોટા આઉટલેટ દ્વારા મેળવતી નથી જેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અમારી સિસ્ટમ્સ એવા જ ડિસ્ટ્રીબ્યુટર્સ પાર્ટનર્સને માલ આપે છે જે જીએસટી હેઠળ નોંધાયેલા હોય. ખોટા નોંધાયેલા અથવા ફર્જી રીતે ઉભા થયેલા ઓઉટલેટ્સથી કંપનીને  ધંધામાંકોઈ સીધી કે આડકતરી રીતે ફાયદો થતો નથી”

આશા રાખીયે કે, વિતરકો અને કંપનીના વચ્ચેનો આ ખટરાગ શાંતિ ઢબે સમાધાન ઉપર પહોંચે