રફાલની ખરીદીને બોફોર્સ સાથે ન સરખાવો : ફ્રાન્સ પાસેથી ૩૬ જેટ ખરીદાશે

રફાલની ખરીદીને બોફોર્સ સાથે ન સરખાવો : ફ્રાન્સ પાસેથી ૩૬ જેટ ખરીદાશે
ફ્રાંસની રફાલ કંપની પાસેથી રફાલ યુદ્ધવિમાનોની ખરીદી માટે ભારત સરકારે ફ્રાંસની સરકાર સાથે કરાર કર્યા

 
નવીદિલ્હી
ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને રફાલ યુદ્ધવિમાનોની ખરીદી માટે ફ્રાંસની સરકાર સાથે થયેલી ગર્વનમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલ મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને રદિયો આપ્યો છે. સીતારમને કહ્યું છે કે રફાલ ફાઈટર જેટ્‌સની સરખામણી બોફોર્સ સોદા સાથે કરો નહીં. રફાલ ડીલમાં કોઈ ગોટાળો થયો નથી. મહત્વપૂર્ણ છે કે ફાંસની સરકાર સાથે ભારત સરકારે ૩૬ રફાલ જેટ્‌સની ખરીદીનો સોદો કર્યો છે.ભારતીય વાયુસેનાને છેલ્લા ઘણાં વર્ષોથી યુદ્ધવિમાનોની તાતી જરૂરિયાત છે. ફ્રાંસની રફાલ કંપની પાસેથી રફાલ યુદ્ધવિમાનોની ખરીદી માટે ભારત સરકારે ફ્રાંસની સરકાર સાથે કરાર કર્યા છે. ૩૬ રફાલ યુદ્ધવિમાનોની ખરીદીના સોદામાં કોંગ્રેસ તરફથી ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે. ત્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતરામને રફાલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપોને ફગાવીને કહ્યું છે કે કટકીકાંડથી પ્રભાવિત બોફોર્સ તોપોનો સોદો અને યુદ્ધવિમાનોની ખરીદી વચ્ચે સરખામણી થઈ શકે નહીં.. આમા કોઈ ગોટાળો થયો નથી. સીતારમનને પત્રકારોએ સવાલ કર્યો હતો કે રફાલ ડીલના હાલ પણ બોફોર્સ સોદા જેવા થશે.. ?
સીતારમને ક્હ્યું છે કે સોમવારથી સંસદના બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન કોંગ્રેસ રફાલ જેટની ખરીદીનો મુદ્દો ઉઠાવશે.. તો તેમનું સ્વાગત છે. કોંગ્રેસ રફાલ ડીલના મામલે સરકાર પર ખાસા આક્રમક રાજકીય હુમલા કરતી રહી છે. કોંગ્રેસનો દાવો છે કે તેમના કાર્યકાળમાં થયેલો સોદો મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ૩૬ રફાલ જેટની ખરીદીથી વધારે સસ્તો હતો. મોદી સરકારે ફ્રાંસ પાસેથી ૫૮ હજાર કરોડ રૂપિયામાં ૩૬ રફાલ જેટ્‌સની ખરીદી કરી છે.
બીજી તરફ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને કહ્યું છે કે જાહેરક્ષેત્રની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમેટેડને તેજસ લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ર્‌ટ્‌સનું ઉત્પાદન વધારવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે સરકારે કોઈ અન્ય યુદ્ધવિમાનોને લઈને આ યોજનાને છોડી નથી. નિર્મલા સીતારમને ક્હ્યું છે કે એલસીએ તેજસના માર્ક-ટુ વર્ઝનની સરકાર બેસબ્રીથી રાહ જોઈ રહી છે અને ઘણાં દેશોએ એચએએલ દ્વારા વિકસિત સ્વદેશી વિમાનોમાં રસ દાખવ્યો છે. એચએએલએ એલસીએના ઉત્પાદનની ક્ષમતા વધારવી પડશે. સરકારે એલસીએની યોજના પડતી મૂકી નથી.હાલ એચએએલ વાર્ષિક ધોરણે લગભગ આઠ તેજસ યુદ્ધવિમાનોનું ઉત્પાદન કરી રહી છે. સંરક્ષણ મંત્રાલય સિંગલ એન્જિન મલ્ટિરોલ લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટના ઉત્પાદનને દર વર્ષે ૧૮ યુદ્ધવિમાનો સુધી લઈ જવાની ગણતરી ધરાવે છે. નિર્મલા સીતારમને ક્હ્યું છે કે પૂર્ણ ભરોસો છે કે તેજસ માર્ક-ટુ સૈન્યદળોની સિંગલ એન્જિનવાળા યુદ્ધવિમાનોની જરૂરિયાતોને પુરી કરશે. સરકાર આ યુદ્ધવિમાનોના નિકાસની સંભાવના પર પણ વિચારણા કરી રહી છે.સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે સરકાર વાયુસેનાના યુદ્ધવિમાનોની ઘટી રહેલી સ્ક્વોર્ડનને વધારવા માટે ફાઈટર જેટ્‌સની ખરીદીને લઈને વૈશ્વિક ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરે તેવી શક્યતા છે. ભારતીય વાયુસેના પાસે હાલ યુદ્ધવિમાનોની ૩૧ સ્ક્વોર્ડન છે. ભારતની સામેના વ્યૂહાત્મક પડકારોને જોતા વાયુસેનામાં યુદ્ધવિમાનોની ૪૨ સ્ક્વોર્ડનને અધિકૃત કરવામાં આવી છે. ભારતીય વાયુસેના દ્વારા ૪૦ તેજસ માર્ક-૧ સંસ્કરણના યુદ્ધવિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આના સંદર્ભે ૫૦ હજાર કરોડ રૂપિયાની પડતર કિંમતથી ૮૩ તેજસ માર્ક-૧ સંસ્કરણની ખરીદીને લઈને એચએએલને બે માસ પહેલા જ અનુરોધ કરવામાં આવ્યો છે.સંરક્ષણ પ્રધાને સરકાર એલસીએના ઉત્પાદનને વધારવાના ઉપાયો પર ધ્યાન આપી રહી હોવાનું જણાવ્યું છે. સંરક્ષણ પ્રધાનનું નિવેદન એવા અહેવાલો વચ્ચે આવ્યું છે કે જેમાં દાવો કરાયો હતો કે કથિતપણે તેજસ યુદ્ધવિમાનો વાયુસેનાની યુદ્ધ તૈયારીઓ જાળવી રાખવા માટે પુરતા નથી. અને તેને કોઈપણ સંભવિત સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તાત્કાલિક વિદેશી બનાવટના સિંગલ એન્જિન યુદ્ધવિમાનોના સ્ક્વોર્ડનની જરૂરત છે.