રાઇટ ટુબી ફરગોટન : ગુગલ પર બધું જ પ્રમાણભૂત ન પણ હોય

રાઇટ ટુબી ફરગોટન : ગુગલ પર બધું જ પ્રમાણભૂત ન પણ હોય

ગૂગલ એ આજકાલ પ્રમાણભૂત મનાય છે. પરંતુ એવું નથી. ઘણું બધું તેમાં ખોટું હોઈ શકે છે. આપણા વડાપ્રધાનને ગૂગલ બાબાએ ટોચના દસ અપરાધીઓમાં ગણાવ્યાં ત્યારે મોટો હોબાળો થઈ ગયો હતો. ગૂગલ એ માત્ર અક્ષરોને આંકડા તરીકે ઓળખે છે. તેના માટે અક્ષર એ ૧ અને ૦ નો આંકડો છે. આલ્ગૉરિધમ નક્કી કર્યો હોય એ પ્રમાણે તે પરિણામ આપે છે. જોકે છેલ્લાં ઘણા સમયથી ગૂગલ સામે ફરિયાદ છે કે તે પક્ષપાતભર્યાં પરિણામો આપે છે. ભારતની કમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ તો ગૂગલ પર સર્ચ એન્જિનમાં અને ઑનલાઇન સર્ચ ઍડ્‌વર્ટાઇઝ માર્કેટમાં પોતાની ટોચની સ્થિતિનો દુરુપયોગ કરવા માટે અને શોધના પરિણામોમાં પૂર્વગ્રહ દાખવવા માટે ૧.૩૬ અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અગાઉ યુરોપીય પંચે તો ગૂગલ પર ૨.૪ અબજ યુરો (૩ અબજ ડૉલર)નો દંડ ફટકાર્યો હતો.એટલે ગૂગલ પર હોય તે બધું આધારભૂત કે પ્રમાણભૂત માની લેવાની જરૂર નથી. કોઈનો બ્લૉગ કે કોઈ છાપામાં છપાયેલું ખોટું લખાણ પણ ગૂગલના સર્ચ પરિણામોમાં દેખાઈ શકે (ભલે પછી તે બ્લૉગ કે છાપાએ પાછળથી તેની માફી માગી લીધી હોય). એટલે જ આજકાલ ‘રાઇટ ટૂ ફરગૉટન’ની ઝૂંબેશ ચાલે છે.યુરોપના એક ન્યાયાલયે ૨૦૧૪માં ચૂકાદો આપ્યો હતો કે જો કોઈને એમ લાગે કે ગૂગલ પર કોઈ પણ બાબત ‘અચોક્કસ’, અથવા ‘અતિશયોક્તિ’ ભરી છે તો તે વ્યક્તિ પાસે કાનૂની અધિકાર છે કે તે ગૂગલને વિનંતી કરે કે ગૂગલ એ બાબતને તેનાં શોધ પરિણામોમાંથી હટાવી દે.ન્યાયાલયે યુરોપીય સંઘના કાયદાનું અર્થઘટન કરીને નિર્ણય કર્યો હતો કે યુરોપીયનોને ‘યાદીમાંથી કઢાવવાનો અધિકાર’ (રાઇટ ટૂ ડિલિસ્ટ) છે જેનો અર્થ થાય કે વ્યક્તિઓ, કૉર્પોરેશનો અને સરકારી અધિકારીઓ પણ તેમને જો કોઈ સામગ્રી અચોક્કસ, અપૂરતી, અસંગત કે અતિશયોક્તિભરી લાગે અને જાહેર હિતના સંદર્ભને લગતી ન લાગે તો ગૂગલના શોધ પરિણામોમાંથી હટાવવા વિનંતી કરી શકે છે.તમે કહેશો કે આ તો ૨૦૧૪ની વાત છે. તેનું હવે શું? તો અમેરિકામાં પણ આ હિલચાલ શરૂ થઈ છે તેથી આપણે આ વાત ઉખેળી છે.હકીકતે ૮૮ ટકા અમેરિકનો આ ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ને ટેકો આપે છે. અમેરિકામાં પણ આવો કાયદો કે ન્યાયાલયના નિર્ણયની સંભાવના દેખાઈ રહી છે.જ્યારથી ગૂગલનો યુરોપીય ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી કંપનીએ ૨૪ લાખ જેટલી યુઆરએલ દૂર કરવાની વિનંતી પૈકી ૪૩ ટકા વિનંતી સ્વીકારીને તે યુઆરએલ દૂર કર્યાં છે, તેમ ગૂગલનો પારદર્શિતા અહેવાલ કહે છે. આ વિનંતીઓ પૈકી ૯૦ ટકા વિનંતીઓ ખાનગી વ્યક્તિઓએ કરી હતી. વપરાશકારો જે વેબ પૃષ્ઠો હટાવવા માગતાં હતાં તેમાં ડિરેક્ટરીઓ, સૉશિઅલ મીડિયા, સમાચાર અને સરકારના પૃષ્ઠોનો સમાવેશ થાય છે.ન્યૂ યૉર્ક રાજ્યની વિધાનસભામાં પણ ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ જેવો જ કાયદો લાવવાની તૈયારી છે. ‘નાગરિકોના અધિકારોનો કાયદો અને નાગરિક વ્યવહારનો કાયદો અને નિયમોમાં સુધારો’ નામનો આ ખરડો મોટા ભાગે યુરોપીય ન્યાયાલયના નિર્ણયની નકલ જ છે.
વિધાનસભાની સરકારી કામકાજ સમિતિ અત્યારે બીજી વખત આ ખરડાની સમીક્ષા કરી રહી છે. અમેરિકાના ‘રાઇટ ટૂ બી ફરગૉટન’ કાયદાના પ્રયાસોને અમેરિકાની પ્રગતિશીલ બિનસ્વૈચ્છિક સંસ્થા કન્ઝ્યૂમર વૉચ ડૉગે જોરદાર ટેકો આપ્યો છે.તેણે તો યુરોપીય સંઘમાં આ ચૂકાદો આવ્યા પછી તરત જ ગૂગલને લખ્યું હતું કે ગૂગલ યુરોપના તેના વપરાશકારો માટે ‘રાઇટ ટૂ બી ફરગૉટન’નું કામ કરી રહ્યું છે, પરંતુ તેનું કારણ એ છે કે કાયદાનું પાલન કરવું પડે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે સ્વૈચ્છિક રીતે અમેરિકાના વપરાશકારોને આ અધિકાર આપો.ઈન્ટરનેટના આગમન પહેલાં કોઇપણ મહત્વપૂર્ણ માહિતી જોઈતી હોય કે કંઈ ગૂંચવાડાભરી પરિસ્થિતિ ઉભી થઈ હોય ત્યારે લોકો વડીલો કે ગામ કે શહેરના કોઈ અત્યંત બુદ્ધિશાળી માણસ પાસે પહોંચી જતા. તે વ્યક્તિ ચપટીમાં ઉકેલ શોધી આપતો. શહેનશાહ અકબરના સમયમાં આ કામ મહેશદાસ ઉર્ફે ‘બિરબલ’ કરતા. તો દક્ષિણ ભારતમાં એ કામ તેનાલીરામને ફાળે આવતું. વર્તમાન સમયમાં ઈન્ટરનેટ આવ્યાં પછી એ કામ ‘ગૂગલ’નું સર્ચ એન્જીન કરવા લાગ્યું છે. ગૂગલની ઘણી બધી સેવાઓમાંની સર્ચ એન્જીનની આ સેવા એટલી બધી લોકપ્રિય થઈ ચુકી છે કે લોકો હવે સર્ચ કરવાના પર્યાયમાં ‘ગૂગલ કરી લે’ તેમ કહેતાં થઈ ગયા છે. શરૂઆતમાં તો સર્ચ બોક્ષમાં જે વસ્તુ શોધવી હોય તેનું લાંબુ લાંબુ વિવરણ પણ લખવું પડતું હતું. જેમ કે ‘ડીજે વાલે બાબુ મેરા ગાના વિડિયો’. પણ પછી તેમાં પણ એકથી વધુ ટેબ આવ્યાં. તમે જે શોધવા માંગો છો તેના વિશેની બધી જ માહિતી જોઈએ છે? કે તેનાં ન્યુઝ, વિડીયોઝ, મેપ્સ,ઈમેજીસ?ઉપરાંત બુક્સ,ફ્લાઈટ,એપ્સ વગેરેના અલગ અલગ ટેબ હોવાના કારણે ઉપયોગકર્તા આસાનીથી ઓછી મહેનતે માહિતી મેળવી શકે છે.છતાં પણ ઘણાં લોકોને જો લાંબુ લાંબુ ટાઈપ કરવાનો કંટાળો આવતો હોય તો ગૂગલે વોઈસ રેકગ્નીશન દ્વારા પણ સર્ચ કરી શકાય તેવી ટેકનીક વસાવી છે. મોબાઈલ ઈન્ટરનેટ બ્રાઉઝર પર સર્ચની બાજુમાં આપેલા માઈક્રોફોનના આઈકોનને પ્રેસ કરવાથી તરત જ તે સાંભળવાનું શરુ કરી દે છે અને વપરાશકર્તાએ આપેલી સૂચના પૂરી થતાંવેંત જ જે બાબત શોધવા માટે સોંપવામાં આવી હોય, તે બાબતનું પરિણામ શોધીને હાજર કરી દે છે. અલ્લાઉદ્દીનના જીન કે પર્સનલ સેક્રેટરી જેવું કામ કરતા આ સોફ્ટવેરને કારણે તે ઉપયોગ કરનારને અત્યંત સુવિધાનો અનુભવ કરાવે છે. ગૂગલના આ અને તેનાં જેવા જ બીજા એપ્સની જાણકારી માટે ગૂગલે ઘણી બધી વિજ્ઞાપનો પણ બનાવી છે. જે માહિતીપ્રદ હોવાની સાથોસાથ મનોરંજક પણ છે. ખુબ ટૂંકાગાળામાં આ વિજ્ઞાપનો પ્રસાર માધ્યમો અને યુટ્યુબ પર પણ ખુબ લોકપ્રિય થઈ છે. જેમ કે, લગ્નની તૈયારીમાં દોડાદોડી કરતો મુરતિયો ફોનમાં વાત કરતાં કરતાં દરજી પાસે આવે છે અને ટુકડે ટુકડે સમજાવે છે કે તેને બાજીરાવ મસ્તાનીના બાજીરાવ જેવો સુટ જોઈએ છે.આમ કરવા માટે તે મોબાઈલ ઈન્ટરનેટ વડે સર્ચ કરીને તેના વિશેની બધી માહિતી પૂરી પાડે છે. જયારે તે બાજીરાવનો ફોટો દરજીને બતાવે છે ત્યારે દરજી વળતો પ્રશ્ન પૂછે છે કે ડ્રેસ તો હું તમને તેમના જેવો કરી આપીશ. પણ રાતોરાત તમે તેના જેવી મૂછો ક્યાંથી લાવશો?બીજી એક વિજ્ઞાપનમાં બર્થ ડે પાર્ટીમાં ગઝલની મહેફિલ ચાલતી હોય અને વેઈટર ગાયકના હાથમાં ચિઠ્ઠી મુકે. ગાયક માટે ગીત જાણીતું ન હોવાથી તે હજુ ના પાડે. ત્યાં તો સૂચના મળે કે જે બાળકના જન્મદિવસની પાર્ટીમાં ગાયકને બોલાવાયા છે તે બાળકની ફર્માઈશ પૂરી કરવી પડશે.ગઝલ ગાયક મોબાઈલનું બ્રાઉઝર ખોલી અને ડીજી વાલે બાબુ લિરીક્સ એવી સર્ચ મારીને જે શબ્દો હાથ આવે છે તે પ્રમાણે આખું ગીત ગઝલની સ્ટાઈલમાં ગાવાનું શરુ કરે છે.સૌથી વધુ સુંદર અને હૃદયસ્પર્શી વિજ્ઞાપન કમ શોર્ટ ફિલ્મ તો અદ્ભુત છે. દહેરાદૂન કે મસૂરી જેવા પહાડી વિસ્તારના એક ઘરમાં પુત્ર મા સાથે વાત કરી રહ્યો છે કે પપ્પા હવે રીટાયર્ડ થયાં છે તો તમે મારી સાથે રહેવા માટે મુંબઈ ચાલો. મા કહે છે કે તેના પિતા કોઈ રીતે તૈયાર નહીં થાય. કારણકે વર્ષો પહેલા ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે તેઓ મુંબઈ ગયા હતા.બેંગ્લોર પાસે કોઈ લોકેશનમાં તેમને શૂટિંગમાં કામ કરવા માટે રોલ પણ મળી ગયો હતો. પણ તેમના પિતા એટલે કે દાદાને આ બધું પસંદ ન હતું. તેથી પિતાજીને મુંબઈમાં હીરો થવાનો પ્રયત્ન કરવાને બદલે દાદા પાછો પોતાનાં વતન લઈ ગયા હતા. પુત્રને જાણીને નવાઈ લાગે છે કે સિનેમામાં મેનેજર તરીકે નોકરી કરતા પિતા ચાલીસ વર્ષ પહેલા હીરો બનવા માંગતા હતા. ત્યારબાદ પુત્ર ગૂગલનું સ્પીચ રેકગ્નીશન ચાલુ કરીને પ્રશ્ન પૂછે છે. ચાલીસ વર્ષ પહેલા બેંગ્લોર પાસે કઈ ફિલ્મનું શૂટિંગ થયું હતું? ગૂગલ જવાબ આપે છે શોલે! ફરીથી પુત્ર પૂછે છે, એક્ઝેકટ ક્યા સ્થળે શૂટિંગ થયું હતું. જવાબ મળે છે રામનગરા! પુત્ર બીજા દિવસે પિતા સાથે થોડાં દિવસ ખાસ ટૂરનો પ્રોગ્રામ બનાવે છે. અને તેમને લઈ જાય છે રામનગરાના લોકેશન પર, ત્યાં પહોંચ્યા પછી તે પિતાને મજાક મજાકમાં શોલેનો ‘કિતને આદમી થે’ વાળો ડાયલોગ બોલાવડાવે છે અને તેને મોબાઇલમાં શૂટ કરે છે. ત્યારબાદ દિલ ચાહતા હૈ નો કિલ્લો અને કાશ્મીર કી કલીના લોકેશન પર જઈ આ બધી ફિલ્મનાં કોઈ યાદગાર દ્રશ્યોને તાજા કરી તેમની જેમ શૂટ કરે છે.પછી ઘેર પાછા ફરીને પૂછે છે, આવતી કાલે આપણે ફિલ્મ જોવા જઈશું. પિતા તૈયાર થઇ જાય છે. થીએટરમાં પિતા,પુત્ર અને માતા ગોઠવાઈ જાય છે અને ફિલ્મ શરુ થાય છે. કિતને આદમી થેનો ડાયલોગ બોલતા મેનેજરને જોઇને બધા વાહ વાહ કરે છે. આખરે પુત્ર પિતાને મુંબઈ જઈ અધૂરું રહી ગયેલું સપનું પૂરું કરવાનું જણાવે છે. આ બધું ગૂગલ સર્ચના કારણે બન્યું તેવું આ વિડીયોમાં દર્શાવાય છે.
ઉલ્લેખનીય છે કે , પિયુષ પાંડે એ થોડા વર્ષો પહેલા ‘ગૂગલ સર્ચ રી યુનિયન’ વિશેની એડ પણ બનાવી હતી .તેમાં પણ આવી જ લાગણીઓની વાત કરતો અદભૂત કોન્સેપ્ટ લેવામાં આવ્યો હતો. એક મોટી ઊંમરના વૃદ્ધ દાદા મુંબઈથી આવેલી પોતાની પૌત્રીને પોતાનો અને બાળપણના મિત્ર યુસુફનો ફોટો બતાવીને તેઓ ભાગલા દરમિયાન કઈ રીતે વિખૂટા પડી ગયા તેની વાત કરે છે. સાથે સાથે નાનપણમાં લાહોરના બગીચા પાસેની યુસુફની દુકાનેથી ચોરેલા ‘જઝરીયા’ નામની મીઠાઈ ખાતા તેની પણ વાત કરતાં કરતાં ઉદાસ થઈ જાય છે. પૌત્રી આ સાંભળીને ગુગલ સર્ચ દ્વારા લાહોરનું એ સ્થળ અને મીઠાઈની દુકાન શોધી યુસુફ અંકલનો સંપર્ક કરે છે. કઈ રીતે બંનેનો મેળાપ થાય છે તે પણ ખુબ રસપ્રદ રીતે ફિલ્માવાયું હતું. ત્યારબાદ આ જ વિજ્ઞાપનની સિકવલ પણ બની હતી. અહીં ઉલ્લેખ કરાયેલી બધી જ વિજ્ઞાપનો યુ ટ્યુબ પર જોવા મળી શકે છે.ખાસ કરીને વડીલો જયારે સ્માર્ટ ફોન વાપરવાનું શરુ કરે ત્યારે તેમને ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે. ત્યારે તેમને આસાનીથી બધી માહિતી મળી શકે તે માટે ખાસ પ્રકારની તાલીમ વિડીયો યુટ્યૂબ પર મુકવામાં આવ્યાં છે.