રાજ્યમાં 7 નવી મેડિકલ કોલેજ ખુલશે: રૂપાણી

સીએમ વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સીએમ વિજય રૂપાણીએ GCA મેડિકલલ કોલેજના પદવીદાન સમારંભમાં નિવેદન આપ્યું કે, રાજ્યમાં 7 નવી મેડિકલ ખોલવામાં આવશે.

મળતી માહિતી મુજબ, આજે GCA મેડિકલ કોલેજના પદવિદાન સમારંભમાં સીએમ વિજય રૂપાણીએ હાજરી આપી હતી, જેમાં સીએમ વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, ડોક્ટર બની કારકીર્દી સાથે મધ્યમવર્ગના લોકોને મદદરૂપ થવાનો ભાવ રાખજો, પીએમ મોદીના નવા ભારતની કલ્પનાને સાકાર કરશો તેવી આશા રાખુ છું. સૌનો સાથ સૌનો વિકાસ સાથે તેમણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમ બાદ વિજય રૂપાણીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે 7 નવી મેડિકલ કોલેજ ખોલવા મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, રાજ્યના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં મેડિકલના અભ્યાસ માટે ન જવું પડે, તે માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે, જેથી સરકારે નવી સાત મેડિકલ કોલેજ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારનું લક્ષ્યાંક છે કે, 5000 જેટલી સીટ વધશે. તેમણે કહ્યું કે, સરકાર પ્રયત્ન કરી રહી છે કે, આવતા વર્ષે આ તમામ મેડિકલ કોલેજ શરૂ થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા 6 જુલાઈએ સાત શૈક્ષણિક સંસ્થાઓને મેડિકલ કોલેજ ખોલવા માટે એસેન્સ્યાલીટી સર્ટીફિકેટ આપી દીધા છે. આ સાથે સાતે સંસ્થાઓએ દિલ્હીમાં પોતાની અરજી જમા કરાવી દીધી હતી. સાત કોલેજો પૈકી બે કોલેજ માટે તદ્દન નવી સુવિધા ઉભી કરવામાં આવશે. આ કોલેજો સેલ ફાયનાન્સ રહેશે. જેમાં સાબરકાંઠાની કે.કે. શાહ કોલેજ અને વિસનગરની નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળનો સમાવેશ થાય છે.

અન્ય પાંચ મેડિકલ કોલેજ હયાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદમાં કેડિલા હેલ્થકેર, પંચમહામાં દાહોદ જીલ્લા હોસ્પિટલમાં, બનાસકાંઠામાં પાલનપુરમાં જી. એન. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત જિલ્લા હોસ્પિટલમાં અને સુરતમાં શ્રીમતી શાંતાબેન ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત અને અમરેલી જીલ્લા હોસ્પીટલમાં મેડિકલ કોલેજ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

નવી સાત મેડિકલ કોલેજ શરૂ થતા પાંચ હજાર જેટલી સીટો વધશે જેથી રાજ્યના વિદ્યાર્થીઓને મોટા ખર્ચ કરી ચીન, રશિયા, ફિલિપાઈન્ટ, અમેરિકા જેવા દેશમાં નહીં જવું પડે, ઘરઆંગણે જ સેલફાયનાન્સ કોલેજમાં એડમિશન મળી શકશે.

સરકારી હોસ્પિટલો ખુલતા વધારાની પથારીઓ ઉપરાંત, આઈસીયુ, ઓપરેશન થિયેટર, વગેરેની નવી સુવિધાઓ મળશે. હાલમાં જિલ્લાની હોસ્પિટલમાં મળતી મફત સારવાર અને સુવિધાઓ તો ચાલુ જ રહેશે, સાથે સુપર સ્પેશ્યાલિટી સારવારની સુવિધા વધશે. જેથી દુરના જીલ્લાના દર્દીઓને સારવાર માટે અમદાવાદ આવવાની જરૂર નહીં રહે. આ સાથે બનાસકાંઠા જેવા આંતરિયાળ અને પછાત વિસ્તાર, દાહોદના આદિવાસી વિસ્તારમાં સારી હોસ્પિટલ ખુલતા માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, જેવા વિવિધ પ્રશ્નોમાં થોડો ઘટાડો થવાની સંભાવના વધશે.