વડાપ્રધાન મોદી જશે ચીન : બગડેલા સંબંધો સુધારવાની કવાયત શરૂ

વડાપ્રધાન મોદી જશે ચીન : બગડેલા સંબંધો સુધારવાની કવાયત શરૂ

જૂનમાં યોજાનારી એસસીઓ સમિટ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત બંને દેશોના સંબંધો માટે મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા

નવીદિલ્હી
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જામેલો બરફ ફરી એકવાર પિગળવાના આસાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનમાં આયોજિત થનારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે ચીન જવાના છે. આ પહેલા બંને દેશ પોતાના સંબંધોમાં આવેલા તણાવને ઘટાડવાની કોશિશમાં લાગી ગયા છે.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ ચીનના હાંગચોમાં જૂનમાં આયોજિત થવાની છે. જૂનમાં યોજાનારી એસસીઓ સમિટ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન મુલાકાત બંને દેશોના સંબંધો માટે મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા છે. જેને કારણે ભારત અને ચીન પોતાના સંબંધોને ફરી એકવાર મધુર બનાવવાની કોશિશમાં લાગી ગયા છે.વડાપ્રધાન મોદીની આ પ્રસ્તાવિત મુલાકાત પહેલા બંને દેશ વિવિધ સ્તર પર વાટાઘાટો માટેની તૈયારી કરી રહ્યા છે. સૌથી પહેલા ભારત અને ચીનના વિશેષજ્ઞોની ટીમો ક્રોસબોર્ડર નદીઓ બાબતે ૨૬ માર્ચથી ૩૦ માર્ચ સુધી મહત્વની મુલાકાત કરવાના છે. આ ચાર દિવસીય બેઠકમાં બંને દેશ એકબીજાની હદમાં વહેતી નદીઓ સંદર્ભેની મહત્વની જાણકારીઓની આપ-લે કરશે. ગત વર્ષ ડોકલામ વિવાદ બાદ ચીને ભારતની સાથે પોતાના હાઈડ્રોલોજિકલ ડેટાની આપ-લેનો ઈન્કાર કર્યો હતો. ભારતે ચીન દ્વારા બ્રહ્મપુત્ર નદી પર બનાવવામાં આવેલા બંધો પર પણ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી.આ બેઠક બાદ ૧૩ એપ્રિલથી ૧૫ એપ્રિલ વચ્ચે ચીનના નેશનલ ડેવલોપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન દ્વારા ભારતના નીતિ પંચ સાથે સ્ટ્રેટજિક અને આર્થિક સ્તરની વાટાઘાટો થવાની છે. આ પહેલા બંને દેશો વચ્ચે આ સ્તર પર ૨૦૧૬માં ચર્ચા કરી ચુક્યા છે. આ ચર્ચા બાદ એપ્રિલના અંતમાં બંને દેશોના નાણાં પ્રધાનોએ બીજિંગમાં મુલાકાત કરવાના છે. બંને દેશોના પરસ્પર સંબંધો માટે ભારત અને ચીનના નાણાં પ્રધાનોની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત અને ચીનની વચ્ચે વાટાઘાટોનો આ ઘટનાક્રમ હાંગચોમાં નવમી જૂને આયોજિત થનારી એસસીઓની સમિટ બાદ પોતાના આખરી પડાવ પર પહોંચશે. ડોકલામ વિવાદ બાદ જ બંને દેશોના સંબંધો સામાન્ય રહ્યા નથી અને બંને દેશોએ ઘણાં મતભેદો વ્યક્ત કર્યા છે. ભારત અને ચીનના સંબંધોને લઈને વિદેશ સચિવ ગોખલેની એક કથિત નોટમાં ભારત અને ચીનના સંબંધો સંવેદનશીલ ઝોનામં હોવાનો મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો. તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના કાર્યક્રમમાં સરકારી અધિકારીઓને હાજરી નહીં આપવાના નિર્દેશની પણ મીડિયા અહેવાલોમાં ચર્ચા થઈ હતી.જો કે શુક્રવારે વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે દલાઈ લામા પર ભારતની સ્થિતિ બિલકુલ સ્પષ્ટ અને સ્થિર છે. દલાઈ લામા એક શ્રદ્ધેય આધ્યાત્મિક ગુરુ છે અને ભારતના લોકો તેમનું સમ્માન કરે છે. કહેવામાં આવ્યું હતું કે ભારતની દલાઈ લામા પરની સ્થિતિમાં કોઈ પરિવર્તન થયું નથી. ભારતમાં દલાઈ લામા પોતાની આધ્યાત્મિક ગતિવિધિઓ ચાલુ રાખવા માટે સ્વતંત્ર છે. મહત્વપૂર્ણ છે કે વિદેશ સચિવ બન્યા બાદ ફેબ્રુઆરીમાં વિજય ગોખલે બીજિંગ ગયા હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે વડાપ્રધાન મોદીની જૂનમાં યોજાનારી પ્રસ્તાવિત ચીન મુલાકાત પહેલા બંને દેશોના સંબંધોમાં જામેલો કેટલો બરફ પિગળે છે.