વિદ્યાપીઠ હત્યા કેસમાં મોટી સફળતા : ૫ શખ્સો ઝડપાયા

અમદાવાદના ૪, યુપીના શાર્પશૂટરોની સંડોવણી
વિદ્યાપીઠ હત્યા કેસમાં મોટી સફળતા : ૫ શખ્સો ઝડપાયા
પોલીસે અંતે લાખો રૂપિયાના હીરા, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો : હજુ ત્રણ આરોપીઓ નાસતા ફરે છે

અમદાવાદ,તા. ૨૧
શહેરના આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસેના પોશ એરિયામાં જાહેરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા એક આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચે ત્રણ શખ્સો અને ઉત્તરપ્રદેશના શાર્પશૂટર સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાના હીરા, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર લૂંટ વીથ મર્ડર પ્રકરણમાં શહેરના મેઘાણીનગરના ત્રણ આરોપીઓ અને ઉત્તરપ્રદેશના શાર્પશૂટરની સંડોવણી ખુલવા પામતા ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહી, લૂંટની ઘટનાનો સમગ્ર પ્લાન ૨૦૧૬માં કોન્સ્ટેબલના ભાઇની હત્યાના આરોપી રાજુ મારવાડીએ બનાવ્યો હોવાની વાત પણ પોલીસ તપાસમાં સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં હજુ બે આરોપીઓ નાસતા ફરે છે, જેઓને પકડવાની દિશામાં ક્રાઇમબ્રાંચની તપાસ જારી રખાઇ છે. શહેર ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, આ લૂંટ વીથ મર્ડરના ગુનામાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલુ એક બાઇક મેઘાણીનગર વિસ્તારમાંથી કબ્જે કરી હાથ ધરેલી તપાસમાં મેઘાણીનગર વિસ્તારના આરોપી શખ્સો રાજુ મારવાડી, પ્રકાશ મારવાડી, કિરીટ ચૌહાણ અને રજનીશ કનોજિયાના નામો સામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોની ભારે જહેમત બાદ આખરે ક્રાઇમબ્રાંચે આ ચાર આરોપીઓ અને ઉત્તરપ્રદેશના શાર્પશૂટર આસુ યાદવ સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, લૂંટનો સમગ્ર પ્લાન રાજુ મારવાડીએ બનાવ્યો હતો, જે માટે તેમણે માણેકચોકથી લઇ આશ્રમરોડ સુધી કેટલાય દિવસો સુધી રેકી કરી હતી. આ ઘટનાને અંજામ આપવા માટે ઉત્તરપ્રદેશથી ખાસ શાર્પશૂટર આસુ યાદવ સહિત ચાર આરોપીઓને બોલાવાયા હતા. બનાવના દિવસે આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઇ બોલેરો કારમાંથી ઉતર્યા અને માત્ર સાત જ મિનિટમાં આરોપીઓએ ફાયરીંગ કરી લૂંટ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપી દીધો હતો અને ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરની રતનપોળમાં આવેલી પટેલ અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી અરવિંદભાઇ પટેલ(ઉ.વ.૫૦) વહેલી સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ આંગડિયાનો થેલો લઇ મહેસાણા-પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે મહેસાણા-પાલનપુર જવાના એસટી બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા. અરવિંદભાઇ એસટી બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક જ બે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી અરવિંદભાઇ પાસેથી થેલો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અરવિંદભાઇએ હાથમાં થેલો છોડયો ન હતો, તેથી ઉશ્કેરાયેલા લૂંટારુ શખ્સોએ તેમની પાસેના રિવોલ્વર જેવા હથિયારમાંથી તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેજન્થી ફાયરીંગ કર્યું હતું. એક પછી એક એમ ત્રણ ગોળીઓ ધરબાઇ જતાં અરવિંદભાઇ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયા હતા અને લુંટારાઓ રૂ.૫.૧૦ની રોકડ ભરેલો થેલો ઝુંટવી નાસી છૂટયા હતા.

ેવિદ્યાપીઠ હત્યામાં ચાર શખ્સ યુપીથી આવ્યા હતા
મોટી સફળતાની સાથે સાથ
પ્રતિનીધી દ્વારા
અમદાવાદ,તા. ૨૧
મેઘાણીનગરમાંથી ચોરાયેલી બાઇકના આધારે ભેદ ઉકેલી ગયો
ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે ખુલાસો કર્યો હતો કે, આ લૂંટ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવાનો શ્રેય માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સને જાય છે. લૂંટના ગુનામાં વપરાયેલી એક બાઇક બનાવ પહેલા એક દિવસ પહેલાં જ મેઘાણીનગર વિસ્તારમાંથી ચોરાઇ હતી અને ચાંદખેડામાંથી મળી હતી, જેના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તો તપાસમાં ખૂલ્યું કે, આરોપીઓએ સમગ્ર ગુનામાં બે બાઇક નહી પરંતુ ત્રણ બાઇકનો ઉપયોગ કર્યો હતો. મેઘાણીનગરમાંથી ચોરાયેલી બાઇકના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં એક પછી એક કડીઓ મળતી ગઇ અને આખરે ૯૬ કલાકમાં ક્રાઇમબ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
ગુનાને અંજામ આપવા ચાર આરોપીઓ યુપીથી બોલાવાયા હતા
આ ગુનાને અંજામ આપવા રાજુ મારવાડીએ ઉત્તરપ્રદેશથી ચાર આરોપીઓ પ્રદીપ ભૈયા, મોહમંદ સકીલ ઉર્ફે કકુ, મકસુદ આલમ ઉર્ફે રાણા અને આશુ બલરામ યાદવને બોલાવ્યા હતા. જેમાં આશુ યાદવ તો ખતરનાક પ્રોફેશનલ શાર્પશૂટર છે, જેણે બનાવના દિવસે દેશી બનાવટની પિસ્ટલમાંથી ફાયરીંગ કર્યું હતું. ગુનાને અંજામ આપ્યા બાદ અમુક આરોપીઓ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જતા રહ્યા હતા, જયારે બીજા અહીં રહ્યા હતા અને રાજુ મારવાડી આબુ રોડ તરફ ભાગી ગયો હતો, જેને ત્યાંથી ઝડપી લેવાયો હતો. ઉત્તરપ્રદેશના ચારેય આરોપીઓ બનાવના એક અઠવાડિયા પહેલાં અહીં આવી ગયા હતા.
આંગડિયા પેઢીના પૂર્વ કર્મચારીએ ટીપ આપી હતી
આ ગુનાનો મુખ્ય સૂત્રધાર રાજુ મારવાડીને તેના વિસ્તારમાં રહેતા પ્રદીપ પ્રજાપતિ(મારવાડી) સાથે મિત્રતા હતી અને તેણે રાજુ મારવાડીને ટીપ આપી હતી કે, તે ભૂતકાળમાં અગાઉ બાબુ કાંતિ આંગડિયામાં કામ કરતો હતો અને તેને આંગડિયા પેઢીના કામકાજ અને મુદ્દામાલ-રોકડની અવરજવરની માહિતીની ખબર છે. તેના આધારે રાજુ મારવાડી સહિતના આરોપીઓને સાથે રાખી માણેકચોકથી લઇ બનાવવાળી જગ્યા સુધી રીક્ષામાં રેકી કરાઇ હતી અને સમગ્ર ષડયંત્ર પાર પાડવામાં આવ્યું હતું.
મુદ્દામાલ ખોલ્યું તો જીપીએસ ટ્રેકર જોઇ આરોપીઓ ગભરાયા
વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારીનું મર્ડર કરી લૂંટ ચલાવી બાઇક પર ફરાર થઇ ગયેલા આરોપીઓ ઉસ્માનપુરા પાસે પહેલેથી જ તૈયાર રખાયેલી ઇન્ડિકા કારમાં બેસી રાજુ મારવાડીના ત્યાં અગોરા મોલ ખાતે પહોંચ્યા હતા. જયાં આરોપીઓએ થેલા ખોલી મુદ્દામાલ ચેક કરતાં તેમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું, જે જોઇ આરોપીઓ ગભરાઇ ગયા હતા અને ડરી ગયા હતા કે, હવે પોલીસ અહીં આવી જશે. તેથી તેમણે તરત જ જીપીએસ ટ્રેકર તોડી નાંખ્યુ હતું અને થેલામાં મુદ્દામાલ લઇ સુરેન્દ્રનગર તરફ ભાગી ગયા હતા, જયાં તેઓએ લૂંટની રકમ અને મુદ્દામાલનો ભાગ પાડયો હતો. ે