વિધાનસભામા MLA વચ્ચે છુટ્ટાહાથની મારામારી, માઈક ફેંકાયા

અમદાવાદ: આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં લોકશાહીને લાંછન લગાડતી ઘટના બની છે. ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારા મારી થઈ હતી.

વિક્રમ માડમે કર્યો માઈકથી હુમલો

આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જગદીશ પંચાલે અપશબ્દો કહેતા પ્રતાપ દુધાતે બેલ્ટથી કર્યો હુમલો

ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગૃહમાં જગદીશ પંચાલે અપશબ્દો બોલતા પ્રતાપ દુધાત અકળાઈ ઉઠ્યા હતા અને ત્યાર બાદ તેમણે માઈક તોડી હસમુખ પટેલ તથા જગદીશ પંચાલ પર હુમલો કર્યો હતો. પ્રતાપ દુધાતે જગદીશ પંચાલ પર બેલ્ટથી હુમલો કર્યો હતો.