સંસદમાં સાડી પહેરીને પહોંચી ગયા TDP સાંસદ

આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગણીને લઈને નારાજ ટીડીપીએ સોમવારે સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી છે. ટીડીપી સતત પોતાની માંગણીને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહી છે. એવામાં મંગળવારે સંસદમાં એક ટીડીપી સાંસદે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

આંધ્રને વિશેષ રાજ્યનો દરજજો આપવાની માંગણીને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે સોમવારે ટીડીપી સાંસદ એન શિવપ્રસાદ એક તેલુગૂ મહિલાનો વેશ ધારણ કરીને સંસદ પહોંચી ગયા હતા. શિવપ્રસાદ પોતાના અનોખા વિરોધ પ્રદર્શનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સોમવારે તેઓ તેલૂગુ મહિલાની જેમ સાડી પહેરીને માથે ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર પહેરીને પહોંચ્યા હતા. સંસદમાં કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી પણ તેમને સમર્થન આપતા નજરે પડ્યા હતા.

આ પહેલા શુક્રવારે શિવપ્રસાદ એક માછીમારનો વેશ ધારણ કરીને સંસદ પહોંચ્યા હતા. શિવપ્રસાદ વિરોધ માટે સતત નવા રૂપ અપનાવતા રહે છે. જેના કારણે તેઓ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનતા રહે છે.

શું છે ટીડીપીની માંગણી?

– સીએમ ચંદ્રબાબૂની નાયડૂની માંગણી છે કે કેન્દ્ર સરકાર પોલાવરમ પ્રોજેક્ટ માટે રૂ. 58 હજાર કરોડની રકમ તાત્કાલિક મંજૂર કરે.
– અમરાવતીના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં પૂરતી રકમની ફાળવણીની પણ માંગણી કરવામાં આવી છે.
– રાજ્યના વિધાનસભાની બેઠક 175થી વધારીને 225 કરવામાં માટે યોગ્ય પગલાં લેવામાં આવે.
– સીએમ ચંદ્રબાબૂ નાયડૂનું કહેવું છે કે રાજ્યના વિભાજનને કારણે આંધ્ર પ્રદેશે નાણાકિય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં વિભાજન પછી કાયદાને આધિન આપવામાં આવેલા નિયમોને લાગૂ કરવામાં મોડું કરવામાં ન આવે. આનાથી મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

આંધ્ર પ્રદેશ વિધાનસભાનું સમીકરણ

વર્ષ 2014માં આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ સારુ પ્રદર્શન કર્યું હતું. ટીડીપી અને એનડીએના ગઠબંધને 175માંથી 106 બેઠક પર જીત મેળવી હતી. આમાંથી 102 બેઠક ટીડીપીને મળી હતી, જ્યારે 4 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસથી અલગ થઈને ચૂંટણી લડનાર જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસને ફક્ત 67 બેઠક મળી હતી. નોંધનીય છે કે હાલમાં ટીડીપીના 15 સાંસદ છે. મોદી કેબિનેટમાં ટીડીપીના બે મંત્રીઓ છે.