CBSE : ધો.૧૨માં અર્થશાસ્ત્ર, ૧૦માં ગણિતનું પેપર ફરી લેવાશે પરીક્ષાની નવી તારીખોની જાહેરાત એક સપ્તાહમાં જ કરવામાં આવશે

પરીક્ષામાં પેપરો લીક થવા અને ગેરરીતિના આક્ષેપો બાદ નિર્ણય

CBSE : ધો.૧૨માં અર્થશાસ્ત્ર, ૧૦માં ગણિતનું પેપર ફરી લેવાશે

પરીક્ષાની નવી તારીખોની જાહેરાત એક સપ્તાહમાં જ કરવામાં આવશે અને વેપસાઈટ ઉપર મુકાશે : વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં લેવાઈ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ધોરણ ૧૦માં ગણિત અને ધોરણ ૧૨માં ઇકોનોમિક્સની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અલબત્ત આ પરીક્ષા કયા દિવસે લેવામાં આવશે તે અંગેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે પરિપત્ર જારી કરીને ફરી પરીક્ષા લેવા અંગેની માહિતી આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ અને અન્ય વિગતો સીબીએસઈ બોર્ડની વેબસાઇટ ઉપર મુકીદેવામાં આવશે. ફરી પરીક્ષા લેવાના નિર્ણયના કારણે વિદ્યાર્થીઓમાં ફરી એકવાર ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સીબીએસઈએ બે પેપર ફરીથી લેવાની વાત કરી છે. બીજી બાજુ આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં પેપર લીક થવાની ચર્ચા હતી. કેટલાક મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષાને દોષમુક્ત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સીબીએસઈએ કહ્યું છે કે, પરીક્ષાની તારીખની જાહેરાત એક સપ્તાહમાં કરી દેવામાં આવશે. આ વર્ષે પાંચમી માર્ચથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની ૧૦ અને ૧૨મી પરીક્ષા શરૂ થઇ હતી. આ પરીક્ષામાં દેશભરમાંથી ૨૮ લાખ ૨૪ હજાર ૭૩૪ વિદ્યાર્થી બેઠા હતા. સીબીએસઈના કહેવા મુજબ આ વર્ષે ૧૦માની પરીક્ષામાં ૧૬ લાખ ૩૮ હજાર ૪૨૮ વિદ્યાર્થીઓ બેઠા હતા જ્યારે ૧૨ની પરીક્ષામાં ૧૧ લાખ ૮૬ હજાર ૩૦૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડ દ્વારા ચોક્કસ પરીક્ષાના આયોજનમાં થયેલી ગેરરીતિને લઇને નોંધ લેવામાં આવી છે. પરીક્ષાને સંતુલિત રાખવાના હેતુસર અને કોઇ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે હેતુસર બોર્ડે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સીબીએસઈ બોર્ડ તરફથી આજે આ અંગેની વિગતો જાર કરવામાં આવી હતી. બીજી બાજુ કેટલાક શિક્ષકો, માતા-પિતા અને વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા લેવાની માંગ કરીને દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆતના મૂડમાં દેખાઈ રહ્યા હતા. લીકના મામલામાં સ્વતંત્ર તપાસની માંગ પણ કરવામાં આવી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, ધોરણ ૧૦માં સોશિયલ સ્ટડી અને ધોરણ ૧૨માં બાયોલોજીની પરીક્ષામાં પણ પેપર લીક થઇ ગયા હતા. સીબીએસઈ દ્વારા હજુ સુધી દિલ્હી ક્ષેત્ર અને ઓલ ઇન્ડિયા માટે આ પરીક્ષા યોજાશે કે કેમ તે અંગે હજુ માહિતી આપી નથી. બોર્ડની પરીક્ષામાં પેપરો લીક થવાના બનાવ પ્રથમ વખત બની રહ્યા નથી. વર્ષ ૨૦૦૬માં પોલીસે બિઝનેસસ્ટડીના સીબીએસઈના પ્રશ્નપત્રને લીક કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. વર્ષ ૨૦૧૧માં ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. સીબીએસઈની પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક કરવાના મામલામાં સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલ લાપાતીના પ્રિન્સિપલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કેટલાક મામલાઓ પણ સપાટી ઉપર આવી ચુક્યા છે.

કઠોર પગલા લેવા જાવડેકરને મોદીએ સૂચના આપી

પેપર લીક : જાવડેકરની સાથે મોદીએ પણ કરેલી વાતચીત
પેપર લીક અંગે વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ પેપર લીકના મામલામાં ગંભીર નોંધ લઇને આજે માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકર સાથે વાત કરી હતી. સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ રહેલા લોકો સામે કઠોર કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. આ મુદ્દે વડાપ્રધાને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. મોડેથી પત્રકાર પરિષદને યોજીને માનવ સંશાધન વિકાસમંત્રીએ કહ્યું હતું કે, ગુનેગારોને કોઇ કિંમતે છોડવામાં આવશે નહીં. ભવિષ્યમાં લેવામાં આવનાર આ પ્રકારની પરીક્ષાઓ વેળા કોઇપણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે કઠોર વ્યવસ્થા અમલી કરવામાં આવશે. લીકપ્રુફ પરીક્ષાની ખાતરી કરવા આગામી વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી માટે કેબિનેટે મંજુરી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે, સીબીએસઈમાં ધોરણ ૧૦માં ગણિત અને ધોરણ ૧૨માં ઇકોનોમિક્સના પેપરને ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલામાં સીબીએસઈ દ્વારા પરિપત્ર જારી કરીને જાહેરાત કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પાંચમી માર્ચથી પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ધોરણ ૧૦માં ઇન્ફો ટેકનોલોજી અને ઓટોમોબાઇલ ટેકનોલોજી સહિતના વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે ધોરણ ૧૨માં ઇંગ્લિશ ઈલેક્ટિવ અને ઇંગ્લિશ કોરની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા પાંચમી માર્ચના દિવસે શરૂ થયા બાદ આ પરીક્ષા શાંતિપૂર્ણરીતે આગળ વધી હતી. ધોરણ ૧૦ની લાંબા સમય પછી આ પરીક્ષા ફરીથી બોર્ડ દ્વારા લેવામાં આવી છે. દેશભરમાં કુલ ૨૮.૨૪ લાખ વિદ્યાર્થી પરીક્ષામાં નોંધાયા હતા. જેમાં ધોરણ ૧૦માં દેશમાં ૧૬.૩૮ લાખ અને ધોરણ ૧૨માં કુલ ૧૧.૮૬ લાખ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા હતા. સીબીએસઈએ આ વર્ષે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી હતી.