આંબેડકરને રાજનીતિમાં નહીં ખેંચવા મોદીનું તમામને સુચન

ભારત બંધ દરમિયાન થયેલી હિંસા બાદ મોદીની પ્રથમ પરોક્ષ ટિપ્પણી
આંબેડકરને રાજનીતિમાં નહીં ખેંચવા મોદીનું તમામને સુચન
બાબાસાહેબને રાજનીતિમાં ખેંચવાના બદલે તેમના દ્વારા દર્શાવાયેલા માર્ગ પર આગળ વધવાની જરૂર છેઃ બાબાસાહેબને સૌથી વધુ સન્માન હાલ મળ્યું

નવીદિલ્હી,તા. ૪
એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે આયોજિત ભારત બંધ દરમિયાન થયેલી વ્યાપક હિંસા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરોક્ષરીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વાત કરતા મોદીએ કહ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરને રાજનીતિમાં ખેંચવાના બદલે તેમના દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ ઉપર આગળ વધવાની જરૂર દેખાઈ રહી છે. મોદીએ કહ્યું હતું કે, આંબેડકરને જેટલું સન્માન તેમની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. અન્ય કોઇ સરકારે અગાઉ આપ્યું નથી. આ પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ દલિતો, આદિવાસીઓની સામે થઇ રહેલા અત્યાચાર અને એસસી-એસટી એક્ટને કમજોર બનાવવા જેવા મુદ્દા ઉપર એક પણ વાત કરી રહ્યા નથી. બીજી એપ્રિલના દિવસે દલિત અને પછાત સમુદાયના સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના કારણે વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં ૧૨થી વધુ લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. દલિત સંગઠનો અને વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર ઉપર એસસી-એસટી એક્ટને કમજોર કરવાના કાવતરા ઘડવાનો આક્ષેપ કર્યો હતો. અલબત્ત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એસસી-એસટી એક્ટના ચુકાદાની સામે સમીક્ષા અરજી દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ મામલા પર ચારેબાજુથી ઘેરાયેલી મોદી સરકાર તરફથી કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે સંસદમાં નિવેદન કર્યું હતું. ત્યારબાદ પાર્ટી તરફથી અમિત શાહે પણ નિવેદન કર્યું હતું. હવે મોદીએ પોતાની ટિપ્પણી પરોક્ષરીતે આપી છે. નવી દિલ્હી વેસ્ટર્ન કોર્ટ એનેક્ષીની નવી ઇમારતના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં બાબાસાહેબ આંબેડકર મારફતે મોદીએ પોતાની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આંબેડકરના નામ ઉપર માત્ર રાજનીતિ રમવામાં આવી છે. અટલ સરકારના ગાળામાં બે ભવનોના નિર્માણની યોજના બનાવવામાં આવી હતી. ત્યારબાદની બે સરકારોએ માત્ર રાજનીતિ રમી હતી અને કોઇ કામ થયું ન હતું. હવે આ યોજનાને પૂર્ણ કરવાનો તખ્તો તૈયાર થયો છે. જ્યારે તેઓએ શિલાન્યાસની વિધિ કરી ત્યારે કહ્યું હતું કે, ૨૦૧૮ એપ્રિલમાં લોકાર્પણ કરવામાં આવશે. ૧૩મી એપ્રિલના દિવસે લોકાર્પણ કરવામાં આવનાર છે. ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ છે. મોદી આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આંબેડકરના મામલે તેમણે કહ્યું હતું કે, આ મામલે હિંસા પર ઉતારવાના બદલે તેમના દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ ઉપર આગળ વધવાનો સમય છે. મહાત્મા ગાંધીએ જે રસ્તા દર્શાવ્યા છે. સરકારની જવાબદારી શાંતિ જાળવવા માટેની છે. સરકાર તમામને સાથે લઇને ચાલવાની જવાબદારીની દિશામાં આગળ પણ વધી રહી છે.