આજથી કોમનવેલ્થ ગેમ્સનો આરંભ : ભારતના ૨૧૮ ખેલાડીઓ સજ્જ

આજથી કોમનવેલ્થ ગેમ્સનો આરંભ : ભારતના ૨૧૮ ખેલાડીઓ સજ્જ
કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પુરુષો અને મહિલાઓ માટે એક સરખા ઇવેન્ટ મેડલનું આયોજન

 

download

ગોલ્ડકોસ્ટ
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં બુધવારથી શરૂ થઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લીટ્‌સ પાસે સારા દેખાવની આશા છે. આ ગેમ્સનું આયોજન ચારથી ૧૫ એપ્રિલ દરમિયાન યોજાનાર છે જેમાં ૭૧ દેશોના એથ્લીટ્‌સ ભાગ લઈ રહ્યા છે. આ વખતે ભારતના કુલ ૨૧૮ એથ્લીટ્‌સ ગોલ્ડકોસ્ટ પહોંચ્યા છે. જમાં આઠ પેરા એથ્લીટ્‌સ પણ સામેલ છે. ભારતને આ વખતે શૂટિંગ, બોક્સિંગ, બેડમિન્ટન, ટેબલટેનિસ, હોકી અને એથ્લેટિક્સમાં મેડલનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે આ વખતે ૨૧૮ એથ્લીટ્‌સને મોકલ્યા છે જે પૈકી સૌથી વધુ એથ્લેટિક્સમાં ૩૨ ખેલાડીઓ સામેલ છે જ્યારે શૂટિંગમાં ૨૭ ખેલાડીઓને સામેલ કર્યા છે. આ ઉપરાંત વેઇટ લિફ્ટિંગમાં ૧૬, બોક્સિંગમાં ૧૨, બેડમિન્ટનમાં ૧૦, લોન બોલમાં ૧૦ અને ટેબલટેનિસમાં ૧૦ એથ્લીટ્‌સને સામેલ કરાયા છે.
ચોથી એપ્રિલે ભારતીય સમય મુજબ બપોરે ૨.૩૦ કલાકેથી ઉદ્ઘાટન સમારોહ યોજાશે જ્યારે પાંચમી એપ્રિલથી મુકાબલાઓનો પ્રારંભ થશે જેમાં પ્રથમ દિવસે પાંચ ઇવેન્ટમાં મેડલ માટે મુકાબલા યોજાશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે અત્યાર સુધી કુલ ૪૩૮ મેડલ જીત્યા છે જે પૈકી ભારતે ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી તે વખતે કુલ ૬૧૯ ખેલાડીઓને ગેમ્સમાં ઊતાર્યા હતા અને ૩૮ ગોલ્ડ સહિત ૧૦૧ મેડલ જીત્યા હતા. તે પછી ૨૦૧૪માં ગ્લાસગો ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૧૫ ગોલ્ડ સહિત ૬૪ મેડલ જીત્યા હતા જ્યારે આ વખતે ભારતે ૨૧૮ એથ્લીટ્‌સને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે મોકલ્યા છે જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું દળ છે.આવતીકાલથી અહીં શરૂ થઈ રહેલા ૨૧મા કોમનવેલ્થ ગેમ્સ માટે ૭૧ દેશના ૬,૦૦૦ હજાર જેટલા ખેલાડીઓ સ્પોટ્‌ર્સ વિલેજ ખાતે પહોંચી ગયા છે જ્યાં તેમના માટે લગભગ ૨,૨૫,૦૦૦ કોન્ડોમ, ૧૭ હજાર ટોઇલેટ રોલ્સ અને મફત ઔઆઇસક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકોને આશા છે કે, ૬,૦૦૦ ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે સ્પોટ્‌ર્સ વિલેજમાં આરામદાયક અને સુરક્ષિત હશે. તેમાં યૌન સ્વાસ્થ્ય પણ સામેલ છે.મોટી સંખ્યામાં મફત કોન્ડોમની વ્યવસ્થા કરાઈ છે જે લગભગ ૩૪ કોન્ડોમ પ્રતિ વ્યક્તિ દીઠ હશે. ૧૧ દિવસ ચાલનાર આ સ્પર્ધાના હિસાબથી લગભગ ત્રણ કોન્ડોમ પ્રતિ દિવસના છે. સાઉથ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિકમાં આયોજકોએ ૧,૧૦,૦૦૦ મફત કોન્ડોમ વહેંચ્યા હતા. જે વિન્ટર ઓલિમ્પિકનો રેકોર્ડ છે. રિયો ઓલિમ્પિકમાં ૪,૫૦,૦૦૦ કોન્ડોમ અપાયાં હતાં જ્યાં ઝિકા વાઇરસનો ખતરો હતો.ગોલ્ડ કોસ્ટના સ્પોટ્‌ર્સ વિલેજમાં વર્ચુઅલ રિયાલિટી કમ્પ્યૂટર ગેમ રમીને અથવા સ્વિમિંગ, ઝરણા પાસે જઈ સમય પસાર કરી શકશે અથવા પિયાનો વગાડીને તણાવ અને થાક દૂર કરી શકશે. આ ઉપરાંત તેમના માટે આઇસક્રીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંના ડાઇનિંગ રૂમ ૨૪ કલાક ખુલ્લો રહશે અને લગભગ ૩૦૦ રસોઇયા ભોજન તૈયાર કરશે. ભોજનમાં વેગાન, શાકાહારી, હલાલ અને ગ્લૂટેન મુક્ત અથવા લેક્ટોઝ મુક્ત ભોજન પણ સામેલ છે. સ્પોટ્‌ર્સ વિલેજમાં એથ્લીટ્‌સ માટે ૧,૨૫૦ એપાર્ટમેન્ટ તૈયાર કરાયા છે જે ૨૦૧૯ના શરૂઆતી મહિનાથી વેચાણ અથવા ભાડા પર ઉપલબ્ધ કરાવાશે.કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પુરુષો અને મહિલાઓ માટે એક સરખા ઇવેન્ટ મેડલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મહિલાઓ માટે સાત નવી ઇવેન્ટ ઊમેરાઈ છે, જેમાં વેઇટલિફ્ટિંગ, બોક્સિંગ અને સાઇક્લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે કુલ ૨૭૫ મેડલ ઇવેન્ટ યોજાશે જે એક રેકોર્ડ છે. કોમનવેલ્થ ગેમ્સના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, અગાઉ મહિલાઓ માટે મેડલ ઇવેન્ટ કેટેગરી મર્યાદિત હતી, જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. બંનેને સરખી તક મળી રહે એ માટે આ નિર્ણયની અમલવારી કરવામાં આવી છે. નવી કેટેગરી ઉમેરાતાં મહિલાઓને પણ તક મળી રહેશે. આ વખતે પ્રથમ વખત એવું બનશે કે, મહિલાઓ અને પુરુષોને એકસરખી મેડલ ઇવેન્ટમાં ભાગ લેવાની તક મળશે, તેનાથી મહિલાઓમાં સ્પોટ્ર્‌સ અંગેની જાગ્રતિ વધશે.
આ વખતે ભારતને જે એથ્લીટ્‌સ પાસે ગોલ્ડની આશા છે તેમાં બેડમિન્ટન, શૂટિંગ, બોક્સિંગ અને રેસલિંગના એથ્લીટ્‌સ પાસે ભારતને મેડલની આશા છે. જેમાં સામેલ ખેલાડીઓમાં બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ, સાઇના નેહવાલ, કિદાંબી શ્રીકાંત, શૂટર જિતુ રાય, મનુ ભાકર, બોક્સિંગમાં મેરિકોમ, રેસલિંગમાં સુશીલકુમાર અને સાક્ષી મલિક પાસે ગોલ્ડ મેડલની આશા રખાઈ રહી છે.