the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

એટ્રોસિટી એક્ટ : દુરુપયોગ ઘટશે કે ભ્રષ્ટાચાર વધશે ?

કેટલાક કાયદાઓ બહુ જ સારા ઉદ્દેશ્યથી બનાવ્યા હોય છે. પરંતુ તેમ છતાં કેટલાંક લોકો દ્વારા તેનો દુરુપયોગ થતો હોય છે. શીડ્યુલ્ડ કાસ્ટ/શીડ્યુલ ટ્રાઈબ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટના કિસ્સામાં પણ એવું જ થયું છે. રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે સંસદે આ કાયદો પસાર કરેલો. આ કાયદાનો ઉદ્દેશ દલિતો અને આદિવાસીઓને અછૂત ગણીને તેમના પર જે અત્યાચારો થાય છે તે રોકવાનો હતો. એક સમયે દલિતો કે આદિવાસીઓ બિચારા ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા કરતા. આ સ્થિતિ બદલાય એટલે આ કાયદા હેઠળ ફરિયાદ થાય પછી તરત જ જેની સામે ફરિયાદ થઈ હોય તેની ધરપકડ કરવી ને તેને સરળતાથી જામીન ના મળે એ સહિતની જોગવાઈઓ આ કાયદામાં કરાયેલી. આ પ્રકારના કેસમાં આગોતરા જામીન મળે જ નહીં તેવી જોગવાઈ પણ કરાયેલી.
શુભ ઉદ્દેશથી આ કાયદો પસાર કરાયેલો તેમાં શંકા નથી પણ પછી આ કાયદાનો દુરુપયોગ કરાય છે તેવી ફરિયાદો શરૂ થઈ. ખરેખર અત્યાચારનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરવાના બદલે લોકોને દબડાવવા ને ડરાવવા તેનો ઉપયોગ થાય છે તેવી ફરિયાદો શરૂ થઈ. કેટલાક લોકો તેનો દુરુપયોગ કરવા લાગ્યા, સરકારી અધિકારીઓને હેરાન કરવા લાગ્યા. છેવટે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.
સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલે બહુ મોટો ચુકાદો આપ્યો. આ ચુકાદો બેધારી તલવાર જેવો છે ને તેના કારણે હરખાવું રે રડવું એ જ ખબર પડતી નથી. આ ચુકાદાના કારણે એક તરફ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થવાના ને નિર્દોષોને કનડવાના બનાવો બને છે તે બંધ થવાની આશા ઊભી થઈ છે. બીજી તરફ ભ્રષ્ટાચાર વધે ને આ કાયદો શોભાના ગાંઠિયા જેવો બનીને રહી જાય તેવો ખતરો પણ પેદા થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થાય કે તરત જ એફઆઈઆર નોંધી દેવી ને જેની સામે ફરિયાદ થઈ હોય તેને ઉઠાવીને જેલમાં ધકેલી દેવો એવું ના થવું જોઈએ. તેના બદલે ફરિયાદ મળે પછી તેની પ્રાથમિક તપાસ થવી જોઈએ ને એ તપાસના અંતે લાગે કે, ફરિયાદમાં દમ છે તો જ એફઆઈઆર નોંધવાની. જો કે એફઆઈઆર નોંધાય એટલે પછી લોકોને ઉઠાવીને જેલમાં ધકેલી દેવાના એવું પણ નહીં. જેમની સામે આક્ષેપો થયા છે તેમની ભૂમિકા ચકાસ્યા પછી જ ધરપકડની ને એ બધી વિધિઓ કરવાની. આ ધરપકડ કરવા માટે પણ જિલ્લા પોલીસ વડા કે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટની મંજૂરી ફરજિયાત કરી દેવાઈ છે. ઘણી જગાએ તપાસના નામે ટાઈમ પાસ કરાતો હોય છે ને વાતને ખોરંભે ચઢાવી દેવાતી હોય છે એટલે સુપ્રીમ કોર્ટે એ ચોખવટ પણ કરી દીધી છે કે, આ તપાસ એક અઠવાડિયામાં તો પતી જવી જોઈએ.એટ્રોસિટી એક્ટમાં સૌથી વધારે સરકારી અધિકારીઓને મુશ્કેલી પડે છે. સુપ્રીમ કોર્ટે તેમને પણ રાહત આપી છે ને તેમની નિમણૂક કરનાર સત્તામંડળની મંજૂરી મળે પછી જ તેમની ધરપકડ કરાય એ ચોખવટ કરી છે. અત્યાર લગી એવું ચલણ હતું કે, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થાય એટલે આગોતરા જામીન ના મળે. જેલમાં ગયે જ છૂટકો થાય. સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી કાયદાની કલમ ૧૮નું અર્થઘટન કરીને એ ચોખવટ પણ કરી છે કે, કોઈ પણ ગુનામાં વ્યક્તિને આગોતરા જામીનનો હક છે જ ને આ કેસમાં પણ નાગરિકોનો એ હક ના છીનવી શકાય.
એ જ રીતે કોઈ વ્યક્તિને જજ સામે રજૂ કરાય પછી તેને અટકાયતમાં રાખવો જ?રી છે કે નહીં એ જજ નક્કી કરશે. જજને લાગે કે, આરોપીને જામીન આપવા જેવા છે તો જામીન આપી શકાશે. સુપ્રીમ કોર્ટે બીજી પણ ઘણી સ્પષ્ટતાઓ કરી છે ને એ બધાની વાત કરી શકાય એણ નથી પણ સુપ્રીમના આ ચુકાદાનો અર્થ એ થાય કે, એટ્રોસિટી એક્ટ આ દેશના બીજા કાયદા જેવો જ છે ને આ કાયદા હેઠળ ફરિયાદ થાય એટલે માણસ ફિટ થઈ ગયો એવું ના થવું જોઈએ. સુપ્રીમે પોતાની વાત સ્પષ્ટ કરવા માટે જે શબ્દો વાપર્યા છે તે બહુ મહત્ત્વના છે. સુપ્રીમનું કહેવું છે કે, કોઈ પણ કાયદો જ્ઞાતિવાદને પોષે ને લોકો એક જ્ઞાતિને ધિક્કારે એવું ના થવું જોઈએ.સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઐતિહાસિક છે ને એટ્રોસિટી એક્ટને લગતી ઘણી બધી ભ્રમણાઓ સુપ્રીમ કોર્ટે દૂર કરી છે. એટ્રોસિટી એક્ટ ૧૯૮૯માં બન્યો ત્યારથી તેની સામે કકળાટ ચાલુ થઈ જ ગયેલો કેમ કે આ એક્ટમાં એવી આકરી જોગવાઈઓ કરાયેલી કે એક વાર તેની અડફેટે ચડો એટલે લંબાતા જ જાઓ. વિરોધ કરનારા સીધો વિરોધ કરી શકે એમ નહોતા એટલે તેમણે એવો મુદ્દો ઉઠાવેલો કે, આપણે ત્યાં દલિતો પર અત્યાચાર સામે બીજા કાયદા છે જ પછી નવા કાયદાની જરૂર શું ? આ વાત ખોટી નહોતી પણ તકલીફ એ હતી કે એ બધા કાયદા જૂના હતા ને તેમાં એટલાં છીંડાં હતાં કે દલિતો પર અત્યાચારો કરનારાઓ છટકી શકતા.
આપણા બંધારણની કલમ ૧૭માં અસ્પૃશ્યતા નાબૂદ કરવાની જોગવાઈ છે જ ને તેમાં આ પ્રકારની તમામ પ્રથાઓ પર પ્રતિબંધ મૂકાયેલો છે. જો કે આ વાત સૈદ્ધાંતિક હતી ને બંધારણમાં અસ્પૃશ્યતા આચરનારને સજાની જોગવાઈની વાત નહોતી તેથી જવાહરલાલ નહેરુની સરકારે ૧૯૫૫માં અસ્પૃશ્યતા વિરોધી કાયદો બનાવેલો. આ કાયદામાં બહુ છીડાં હતાં તેથી દલિતોને કનડનારને કાંઈ થતું નહીં તેથી વારંવાર તેમાં સુધારા કરવા પડેલા. ૧૯૭૬માં આ કાયદાને નવું સ્વરૂપ આપીને માનવાધિકાર ભંગનો નવો કાયદો બનાવાયો. તેમાં અસ્પૃશ્યતાને આવરી લેવાઈ અને અસ્પૃશ્યતા આચરનારને સજાની જોગવાઈ કરાયેલી. જો કે તેમાં પણ એવી આકરી જોગવાઈઓ નહોતી કે જેના કારણે અસ્પૃશ્યતા અટકે તેથી દલિતો સતત કચવાટ વ્યક્ત કર્યા કરતા.
રાજીવ ગાંધી ૧૯૮૫માં જંગી બહુમતીથી ચૂંટાયેલા પણ ખરાબ સંગતના કારણે બોફોર્સ કૌભાંડમાં ખરડાયા તેમાં તેમની આબરૂ ધૂળધાણી થઈ ગયેલી. ૧૯૮૯ની લોકસભા ચૂંટણી આવી ત્યાં લગીમાં દેશભરમાં કોંગ્રેસ વિરોધી માહોલ હતો. એ વખતે રાજીવ ગાંધી જ્યાંથી મળે ત્યાંથી મત ઉસેટવાની વેતરણમાં હતા. તેની લ્હાયમાં ને લ્હાયમાં સુપ્રીમ કોર્ટનો શાહબાનો કેસનો ચુકાદો બદલીને કટ્ટરવાદી મુસ્લિમો તરફ ઝૂકી ગયેલા. એ જ ક્રમમાં તેમણે દલિતો અને આદિવાસીઓને ખુશ કરવા આ કાયદો બનાવી દીધેલો ને એવી જોગવાઈઓ કરી કે અડફેટે ચડનાર મુશ્કેલીમાં મુકાઈ જાય. એ વખતે જે સંજોગો હતા એ જોતાં આવો કાયદો જરૂરી હતો પણ આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે તેનો વિચાર એ વખતે નહોતો કરાયો. રાજીવ ગાંધી સરકારે આ કાયદો મતબેંક વાસ્તે બનાવેલો તેથી તેમને આવા વિચારો કરવાની જરૂર નહીં લાગી હોય પણ તેના કારણે આ કાયદો ચોટડૂક થઈ ગયો ને તેનો દુરુપયોગ થવા માંડ્યો તેમાં છેવટે સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટના દુરૂપયોગ પર લગામ મૂકવાની કોશિશ કરવી પડી છે.
સુપ્રીમની આ કોશિશ કેટલી સફળ થાય છે તે ખબર નથી પણ આ ચુકાદાની એક આડઅસરને પણ અવગણી શકાય એમ નથી. આડઅસર કરતાં તો તેને ખતરો જ ગણી શકાય. કેટલાક લોકો સુપ્રીમના ચુકાદાને નામે એટ્રોસિટી એક્ટને સાવ નકામો કરી નાંખે એવું પણ બને. સુપ્રીમ કોર્ટે પૂરતી તપાસ કર્યા પછી જ એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવા ને ધરપકડ કરવા ફરમાન કર્યું તેનો ગેરલાભ લઈને એ લોકો વહીવટ કરતા થઈ જાય એવું પણ બને. પોલીસે ધરપકડો કરવા માટે સંબંધિત સત્તાવાળાની મંજૂરી લેવાની રહેશે એ અર્થઘટનોનો પણ ફાવતો અર્થ કરાય એવું બને. એવું થવા માંડે તો આ કાયદો નિરર્થક બની જાય એ ખતરો છે જ. આ ચુકાદાના કારણે ભ્રષ્ટાચાર ન થાય અને દલિતોને રક્ષણ મળે તે જ જરૂરી. જોઈએ આગળ ઉપર શું થાય છે ?