ઓએનજીસીએ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ ખાતે ચાઇલ્ડ સાઇકિયાટ્રી ડિપાર્ટમેન્ટમાં સેન્સરી યુનિટનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદમાં દિલ્હી દરવાજા ખાતે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થમાં ચાઇલ્ડ સાઇકિયાટ્રી ડિપાર્ટમેન્ટમાં સેન્સરી યુનિટના પ્રારંભ સાથે ૨જી એપ્રિલ, ૨૦૧૮ના રોજ વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓએનજીસી અમદાવાદ એસેટના ઇડી-એસેટ મેનેજર શ્રી દેબાશિશ બાસુ, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરિટ સોલંકી, ગવર્નમેન્ટ મેન્ટલ હોસ્પિટલ શાહીબાગના મનોરોગ ચિકિત્સક અને સુપ્રિટેન્ડન્ટ ડો. અજય ચૌહાણ તથા ઓએનજીસી અમદાવાદ એસેટના એચઆર-ઇઆર હેડ શ્રી કરુણ પાલ વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સેન્સરી યુનિટની સ્થાપના માટે ઓએનજીસી અમદાવાદે નાણાકીય સહાય આપી છે. આ ઉપરાંત સેન્સરી યુનિટ માટે આવશ્યક વિવિધ ઉપકરણો જેમકે મલ્ટી-સેન્સરી એનવાયર્નમેન્ટ્‌સ, સેન્સરી રિસોર્સિસ, સોફ્ટપ્લે, સેન્સરી ઇન્ટિગ્રેશન, સીટીંગ એન્ડ પોઝિશનિંગ, ડેવલપમેન્ટ રિસોર્સિસ કામિંગ એન્ડ રિલેક્સિંગ તથા સેન્સર ટોઇઝ વગેરે વિદેશોમાંથી મંગાવવામાં આવ્યાં છે. સેન્સરી યુનિટમાં વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો સહિતના લાભાર્થીઓ સેન્સર ટચ, સાઇટ, હિયરિંગ, સ્મેલ અને ટેસ્ટ તથા વેસ્ટિબ્યુલર અને પ્રોપરિસેપ્ટિલ સિમ્યુલેશન દ્વારા હળવાશ અનુભવશે તથા આસપાસના માહોલને સમજીને આનંદ માણી શકશે.
આ પ્રસંગે અમદાવાદ એસેટના ઇડી-એસેટ મેનેજર શ્રી દેબાશિશ બાસુએ જણાવ્યું હતું કે એસેટે વિવિધ સીએસઆર પહેલ અંતર્ગત થેલેસેમિયા ડિટેક્શન કેમ્પ, બીપીએલ પરિવારો માટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ, વિવિધ હોસ્પિટલ્સ માટે મેડિકલ ઉપકરણો, સુરક્ષિત પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, ગ્રામિણ શાળાઓ માટે પેશ્ચ્યુરાઇઝ્‌ડ દૂધની જોગવાઇ તથા બીપીએલ મહિલાઓ માટે વિનામૂલ્ય એલપીજી જોડાણની સુવિધાની કામગીરી નિભાવી છે.

સાંસદ ડો. કિરિટ સોલંકીએ ગુજરાતના છ જિલ્લાઓમાં સ્વચ્છતા, નિવારક આરોગ્ય સંભાળ અને પર્યાવરણની સુરક્ષા માટે વ્યાપક સ્તરે સીએસઆર પહેલ કરવાં બદલ ઓએનજીસી અમદાવાદ એસેટની પ્રશંસા કરી હતી.
આ પ્રોજેક્ટ કેર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (એચડીઆરએફ)ના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે, જેઓ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ ખાતે ૬થી૨૫ વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે ટ્રેનિંગ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ચલાવી રહ્યાં છે.